કચ્છના મુન્દ્રામાં એક રહેણાક મકાનમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા-પુત્રી ઊંઘમાં જ બળીને ભડથું થઇ ગયાં છે, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં 41 વર્ષીય રવિકુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથું થઇ ગયાં હતાં, જ્યારે માતા કવિતાબેન 70 ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પિતા-પુત્રીનાં કરુણ મોત, માતા ગંભીર
ઘટના અંગે મળતી માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં એક મકાનની અંદર ભયંકર આગ લાગી હતી. રહેણાક મકાનમાં લાગેલા એસીના કોમ્પ્રેસરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી હતી. આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં પિતા-પુત્રીનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 30 વર્ષીય માતાને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ-ફાયર ફાઇટરો પહોંચ્યાં
આ અંગે મુન્દ્રા પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આગ લાગવાની ઘટના આજે(28 જાન્યુઆરી) પરોઢે 5 વાગ્યાના અરસામાં બની હતી. રહેણાક વિસ્તારમાં આગ લાગતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત ખાનગી કંપનીના ફાયર ફાયટરને બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી
આગ પર કાબૂ મેળવ્યા બાદ મકાન અંદર તપાસ કરતા પરિવારના ત્રણ સભ્યો દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં મુળ આંધ્રપ્રદેશના 41 વર્ષીય રવિ કુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથું થઇ ગયાં હતાં. જેમના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવમાં આવ્યા છે. જ્યારે માતા કવિતાબેન 70 ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે જાણવા જોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સોમવારની મોડી રાત્રથી મંગળવારની વહેલી સવાર સુધી સુરત, પાલીતાણા, જૂનાગઢ અને મહેસાણામાં પણ આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. સુરતમાં ભંગારના ગોડાઉનમાં આગ
સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. જોકે, ગોડાઉન બળીને ખાખ થઈ ગયું છે. સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.. પાલિતાણામાં ઓઇલ મિલમાં આગ
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આજે વહેલી સવારે એક ઓઇલ મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પાલિતાણા-ભાવનગર રોડ પર આવેલી એમ.જે. યુનિટ ઓઇલ મિલમાં સવારે 5 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ પાલીતાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગની ઘટના પેટ્રોલ પંપની બાજુમાં બની હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… જૂનાગઢમાં ખમણની દુકાનમાં આગ
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં મધરાતે આગની ઘટના ઘટી હતી. ખમણની બંધ દુકાનમાં પડેલ ગેસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ લાગી હતી. આ ઘટનાની સ્થાનિકોએ મોડી રાત્રે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગ અને પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. જોકે, દુકાનમાં રહેલો તમામ સમાન બળીને ખાખ થઇ ગયો છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… મહેસાણામાં રહેણાક મકાનમાં આગ
મહેસાણા નજીક આવેલા દેદિયાસણ ગામે આવેલા ઊંચીશેરી મકાનમાં વહેલી પરોઢે 4 વાગ્યાના અરસામાં આગની ઘટના સામે આવતાં સ્થાનિક લોકોએ મનપાના ફાયરને જાણ કરતાં ફાયર ટીમો દોડી ગઈ હતી. ઘટનામાં ફાયર વિભાગે સીડીઓ લગાવી ઘરમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં 70 વર્ષીય નર્મદાબેન પટેલ દાઝી જતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…