જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે દાતાર રોડ પરથી શંકાસ્પદ કારનો પીછો કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે સરદારના બાવલા પાસેથી બે બુટલેગરોને ભારતીય બનાવટના પરપ્રાંતીય અંગ્રેજી દારૂ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં જુનાગઢના જોષીપરા વિસ્તારના 38 વર્ષીય સતીષ શશીકાંત કયાડા પટેલ અને મધુરમ ટીંબાવાડી વિસ્તારના 35 વર્ષીય વિમલ પંડ્યાનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી કેપિટલ ટ્રિપલ એક્સ રમની 180 ML ની 384 બોટલ (કિંમત ₹38,400), નિશાન ટેરેનો કાર (કિંમત ₹2,00,000) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) મળી કુલ ₹2,43,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર સમીર હાસમ પટણી ઉર્ફે કાલી હજી ફરાર છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. કોળીના માર્ગદર્શન હેઠળ PSI વાય.એન. સોલંકી અને તેમની ટીમે અમલમાં મૂકી હતી. આ કાર્યવાહી IGP નીલેષ જાજડિયા અને કાર્યકારી SP ભગીરથસિંહ જાડેજાની પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના અંતર્ગત કરવામાં આવી હતી.