આણંદ નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવાયેલી 8.05 કરોડની ગ્રાન્ટમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સામાજિક કાર્યકર અને RTI એક્ટિવિસ્ટ કિરણ સોલંકીએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, પૂર્વ પ્રમુખ કાંતિ ચાવડા, કારોબારી ચેરમેન હિમેશ પટેલ સહિત કુલ 9 શખસે કાવતરું રચ્યું હતું. સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સરકાર તરફથી ત્રણ હપ્તામાં મળેલી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ હપ્તામાં રૂ. 3.06 કરોડ, બીજા હપ્તામાં રૂ. 2.65 કરોડ અને ત્રીજા હપ્તામાં રૂ. 2.33 કરોડ મળી કુલ રૂ. 8.05 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરાયાની ફરિયાદ
આરોપ મુજબ, આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓએ બોગસ કંપની ઊભી કરી હતી, જેમાં અર્બન સોલ્યુશન 360ના CEO કેતન કટાકિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તત્કાલીન ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર વિભાવકર રાવ, ચીફ એકાઉન્ટન્ટ, પૂર્વ પ્રમુખ જીગ્નેશ પટેલ અને કાઉન્સિલર વિજય પટેલ સામે પણ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આ તમામે ખોટા દસ્તાવેજો તૈયાર કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, તત્કાલીન ચીફ સેનેટરી ઈન્સપેકટર, વિભાવકર રાવ, આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ એકાઉન્ટન્ટ, તત્કાલીન પ્રમુખ કાન્તી ચાવડા, તત્કાલીન કારોબારી ચેરમેન હિમેશ જંયતિ પટેલ, પૂર્વ પ્રમુખ જીગ્નેશ ધીરુ પટેલ, તત્કાલીન કાઉન્સિલર વિજય પટેલ (વિજય માસ્તર), અર્બન સોલ્યુશન 360ના સી.ઈ.ઓ અને ફાઉન્ડર કેતન કટાકીયા અને પાવરલાઈન સેલ્સ એન્ડ સર્વિસ (રોયલ કોમ્પલેક્ષ, ભુતખાના ચોક, ઢેબર રોડ, મુ. રાજકોટ) એ સત્તાનો દુરઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી, સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવા અંગેના આક્ષેપવાળી ફરિયાદ સામાજિક કાર્યકર અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ કિરણ સોલંકીએ એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી) માં આપી છે. કિરણ સોલંકીએ ફરિયાદમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, આણંદ નગરપાલિકા દ્વારા કોરોનાકાળ દરમિયાન કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સરકાર દ્વારા ત્રણ હપ્તામાં કુલ રૂ. 8,05,15,586ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે કામે નગરપાલિકાના ચીફ ઓફિસર, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના કારોબારી ચેરમેન, તથા નગરપાલિકાના કાઉન્સીલર અને કમિટીના સભ્યો જીગ્નેશ ધીરુ પટેલ, વિજય હરી પટેલે કાવતરુ રચી માત્ર કાગળ ઉપર એક બોગસ કંપની ઉભી કરી હતી અને તેમાં કેતન કટાકીયા નામના શખસનો ઉપયોગ કરી પ્રજાના કરોડો રૂપિયા ચાઉં કર્યાં છે. વિગતવાર જોઈએ તો પાલિકાતંત્ર દ્વારા એન.જી.ટી. ની ગાઇડલાઇન મુજબ લેગેસી વેસ્ટ (જૂનો કચરો) ઉપાડવા માટેની કામગીરી કરવા બીડ મંગાવાઇ હતી, આ આટલા મોટા ટેન્ડર માટે માત્ર બે જ બીડ આવી હતી. જેમાં પ્રથમ બીડ એલ. 1 તરીકે અર્બન સોલ્યુશન 360 (ગાંધીનગર) અને એલ. 2 તરીકે દરબાર એન્ટરપ્રાઈઝ (સુરત) ની આવી હતી. જે પૈકી અર્બન સોલ્યુશન 360નું ટેન્ડર મંજુર કરવામાં આવ્યુ હતું. જેમાં નગરપાલિકા અધીનિયોમોનું ઉલ્લંઘન કરી પ્રજાની તિજોરીને નુકસાન થાય તેવા કરારો કરાયા હતાં. ત્યારબાદ તારીખ 14/07/2020ના રોજ આ કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે તે વખતે ચીફ ઓફિસરે રૂપિયા 8,05,15,586ની ગ્રાન્ટ મળવાની સામે બાયો-માઇનીંગ દ્વારા તથા લીગસી વેસ્ટ પ્રોસેસિંગ બાદ જનરેટ થતા આર.ડી.એફ. મટીરીયલ અને ફર્ટીલાઇઝર પેદા કરી નગરપાલિકા દ્વારા વેચાણ કરી આવક ઉભી કરવાની બાંહેધરી આપેલ. પરંતુ ત્યારબાદ કચરામાંથી કોઈપણ પ્રોડકટ કે બાય-પ્રોડકટ વેચાણ કરી નગરપાલિકાને લાભ થયો હોય તેવુ શરતો મુજબનું કામ કર્યું નથી. બીજીબાજુ, અર્બન સોલ્યુશન 360ની બીડ હોવા છતાં અન્ય કંપની પાવર લાઈન સેલ્સ એન્ડ સર્વિસ (જોઇન્ટ વેન્ચર) ને સિક્યુરિટી ડિપોઝિટ ભરવા પત્ર પાઠવામાં આવે છે. પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસને આણંદ નગરપાલિકા સાથે કોઇ જ લેવાદેવા ન હોવાછતાં અન્ય કંપનીની બેંક ગેરંટી રજુ કરી નગરપાલિકાના સત્તાધીશો તથા કર્મચારીઓએ બેંક ગેરંટી સ્વીકારી ગુનો કરેલો છે. કંપની ના કરાર મુજબ રૂ. 80 ,00,000 સિક્યુરિટી ડિપોઝિટ પેટે જમા કરાવવાના હોવા છતાં નગરપાલિકામાં આવી કોઈ જ રકમ કંપની જમા કરાવતી નથી. ઉપરાંત જે કંપનીની સાથે આણંદ નગરપાલિકાને કોઈ જ લેણી-દેણી નથી, તેવી કંપની બેંક ગેરંટી એક્સિસ બેંક લિમિટેડ રાજકોટ બ્રાન્ચની રૂ. 19,00,000 તથા રૂ. 21,00,000ની એમ બે બેંક ગેરંટી સ્વીકારી લેવામાં આવી હતી. આ તમામ પ્રક્રિયા ખૂબ ઝડપભેર માત્ર 7 દિવસમાં ઉભી કરી દઈ નગરપાલિકાએ રૂ 80,00,000 ડિપોઝિટ તો લીધી. પરંતુ, સાથે સાથે થર્ડ પાર્ટીની બેંક ગેરંટી લઇ નગરપાલિકામાં ખોટા રેકર્ડ ઉભા કરેલા છે. પરંતુ ડિપોઝિટ વગર આ કંપનીએ એડવાન્સમાં કરોડો રૂપિયા મુકવાનું શુ કારણ અને જો કંપની આર્થિક રીતે સક્ષમ ન હોય તો તરત જ તેનું ટેન્ડર રદ કરવુ જોઇએ. પરંતુ આ કંપની માત્ર કાગળ પર કામ કરવા ઉભી કરી આ તમામ પૈસા સેરવી લેવાય સત્તાનો દુરુઉપયોગ કરી નગરપાલિકાની તિજોરીને તથા ગુજરાત સરકારની ગ્રાન્ટને ચાઉં કરી છે. માટે, આ વિષયમાં તાત્કાલિક ગુનો દાખલ કરી, યોગ્ય તપાસ કરી તમામ સામાવાળાઓ તથા તપાસમાં નિકળી આવે તેવા અન્ય વિરૂધ્ધ ફોજદારી રાહે ગુનો દાખલ કરવા માગ છે.