અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ 4 ફેબ્રુઆરીના રોજ વ્હાઇટમાં નેતન્યાહૂની યજમાની કરશે. વ્હાઈટ હાઉસ અને નેતન્યાહુએ મંગળવારે આ જાણકારી આપી હતી. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં કોઈ વિદેશી રાજનેતાની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, તે ઇઝરાયલ અને તેના પડોશીઓ વચ્ચે શાંતિ લાવવા અને દુશ્મનોનો સંયુક્ત રીતે સામનો કરવા ટ્રમ્પ સાથે વાતચીત કરવા આતુર છે. ગયા વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ અને નેતન્યાહૂ ચાર વર્ષ પછી મળ્યા હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 3 ફેબ્રુઆરીથી યુદ્ધ બંધ કરવા પર ચર્ચા CNNના અહેવાલ મુજબ, અમેરિકા ઇઝરાયલ અને હમાસ પર યુદ્ધવિરામ ચાલુ રાખવા માટે સતત દબાણ કરી રહ્યું છે. આ સંદર્ભમાં, ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચેની મુલાકાત ખૂબ જ ખાસ છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાના યુદ્ધ બાદ 19 જાન્યુઆરીએ યુદ્ધવિરામ શરૂ થયો હતો. આ દરમિયાન બંધકોની આપ-લે કરવામાં આવી રહી છે. 3 ફેબ્રુઆરીથી યુદ્ધવિરામના આગલા તબક્કાની ચર્ચા થવાની છે. તેનો હેતુ યુદ્ધને કાયમ માટે બંધ કરવાનો છે. બીજી તરફ નેતન્યાહુ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે હથિયારોની સપ્લાય પર વાત કરી શકે છે. બાઈડને પોતાના કાર્યકાળ દરમિયાન ઇઝરાયલ પર દબાણ લાવવા માટે મોટા બોમ્બનો સપ્લાય બંધ કરી દીધો હતો. આ મહિને શપથ ગ્રહણ કરતા પહેલા ટ્રમ્પે મિડલ ઈસ્ટમાં તેમના વિશેષ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફને પ્રદેશમાં મોકલ્યા હતા. યુદ્ધવિરામ પછી પેલેસ્ટિનિયનો ઉત્તર ગાઝા પાછા ફર્યા ઈઝરાયલ-હમાસના 15 મહિના બાદ રાફા બોર્ડર અને દક્ષિણ ગાઝા વિસ્તારમાંથી 3 લાખથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો ઉત્તર ગાઝા પરત ફર્યા છે. 19 જાન્યુઆરીએ યુદ્ધવિરામ બાદ 27 જાન્યુઆરીએ ઇઝરાયલે પેલેસ્ટિનિયન નાગરિકોને ઉત્તર ગાઝામાં પરત ફરવાની મંજૂરી આપી હતી. યુદ્ધ શરૂ થયા પછી, 10 લાખથી વધુ લોકો દક્ષિણ તરફ ગયા હતા. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, ગાઝામાં ઇઝરાયલના હુમલાને કારણે 47 હજારથી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 1.10 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે. યુદ્ધવિરામ ડીલ હેઠળ એ નક્કી કરવામાં આવ્યું હતું કે ઇઝરાયલ 25 જાન્યુઆરીથી પેલેસ્ટિનિયનોને ઉત્તર ગાઝામાં પાછા ફરવા દેશે. જો કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચેના વિવાદને કારણે તેમાં 2 દિવસનો વિલંબ થયો હતો.