જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હેતાંશ રશમિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 11 વર્ષીય કિશોરનું હૃદયરોગના હુમલાથી મોત
જસદણના જંગવડ ગામે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થી હેતાંશ દવેએ દસ દિવસ પહેલા ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએથી મેદાન માર્યું હતું. અચનાક 11 વર્ષીય હેતાંશને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ હેતાંશને મૃત જાહેર કર્યો હતો. નાની ઉંમર બાળકના હૃદય રોગના હુમલાથી મોતના કારણે બ્રાહ્મણ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. થોડા દિવસ પહેલાં અમદાવાદમાં 8 વર્ષની બાળકીનું મોત થયું હતું
અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું હતું. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી ત્યારે તેને છાતીમાં દુખાવો થયો હતો, જેથી તે લોબીની ચેર પર બેસી ગઈ અને પછી થોડી ક્ષણમાં જ ઢળી પડી હતી. ત્યાર બાદ વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી, જોકે હોસ્પિટલે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.