સોમનાથ-ઉના નેશનલ હાઇવે પર ગતરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવતી કાર ડિવાઈડર પરથી લગભગ 12 ફૂટ ઊંચે ઊછળી સામેથી આવતા ટ્રક સાથે ટકરાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારસવાર ચાર યુવકોમાંથી ત્રણના મોત નિપજ્યા છે, જ્યારે એકની હાલત હજુ ગંભીર છે. આ સમગ્ર ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. સ્વિફ્ટ 12 ફૂટ ઊંચે ઊછળી સામેથી આવતી ટ્રક સાથે ટકરાઈ
સોમનાથ-ઉના નેશનલ હાઇવે પર સીમાસી ગામ નજીક ગઈકાલે રાત્રે 9 વાગ્યાના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉના તરફથી આવી રહેલી સ્વિફ્ટ કાર (GJ.32.B.2808)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પરથી લગભગ 12 ફૂટ ઊંચે ઊછળી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કારનો અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. અકસ્માતમાં ત્રણ યુવકનાં કરુણ મોત
આ અકસ્માતમાં કારમાં સવાર ચાર યુવકમાંથી બે યુવકનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી વધુ એક યુવક મૃત્યુ પામ્યો હતો. આમ આ અકસ્માતમાં કુલ ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. જેમાં ઉદયભાઈ દેવાતભાઈ વાઢેર, જેસાભાઈ ગોવિંદભાઈ રામ અને પીયુષભાઇ લખમણભાઇ રામનો સમાવેશ થાય છે. પોલીસે અકસ્માત અંગે વિગતવાર તપાસ શરૂ કરી
આ અકસ્માત અંગે તપાસમાં સામે આવી માહિતી મુજબ મૃતક યુવકો સુત્રાપાડા, આજેઠા અને ભાલપરા ગામના રહેવાસી હતા. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે અકસ્માત અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે.