મોરબી મહાનગરપાલિકાએ ‘વન વીક વન વોર્ડ’ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવવાની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી છે. જેથી આજે મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને ત્રાજપર ચોકડી સુધીના વિસ્તારમાંથી લગભગ 100 જેટલા નાના-મોટા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કામગીરી શહેરના 28 કિલોમીટર લાંબા મુખ્ય માર્ગોને દબાણમુક્ત કરવાના અભિયાનનો એક ભાગ છે. મુખ્યમંત્રીના વિશેષ નિર્દેશ બાદ શરૂ થયેલા આ અભિયાન હેઠળ દર બુધવારે એક વોર્ડના એક રોડ પરથી દબાણો હટાવવામાં આવશે. આ પગલું શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને નાગરિકોને સરળ અવરજવર માટે લેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી સમયમાં પણ આ અભિયાન નિયમિતપણે ચાલુ રહેશે અને શહેરના તમામ મુખ્ય માર્ગોને ક્રમશઃ દબાણમુક્ત કરવામાં આવશે. આ અભિયાનથી શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા છે.