વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતી અને એમ.એસ. યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહોના મંડલ એ પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણીથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મોહોનાએ મરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને લખ્યું છે કે, હું જાણું છું કે હું શું કરું છું પરંતુ, મારે આ કરવું છે. આના માટે મને કોઈએ ઉકસાવી નથી. પહેલા હોસ્ટેલમાં રહેતી હતી ને પછી મકાન રાખ્યું
બાંગ્લાદેશની રહેવાસી 20 વર્ષીય મોહોના માહોર કુમાર મોન્ડોલ સપ્ટેમ્બર 2024માં વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવી હતી અને તે ફાર્મસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. શરૂઆતમાં દસ-બાર દિવસ તે હોસ્ટેલમાં રહી હતી અને ત્યારબાદ રાવપુરા વિસ્તારમાં આવેલ નર્મદા એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલા 408 નંબરના મકાનમાં રહેતી હતી. તે આ મકાનમાં એકલી રહેતી હતી. મિત્ર એડમીટ લેટર લઈને આવી પણ મોહોના પરીક્ષા આપવા ન આવી
આ દરમિયાન ગઈકાલે મંગળવારે તેની ફાર્મસીની પરીક્ષા હતી. સવારે 11:00 વાગે તેનું પહેલું પેપર શરૂ થયું હતું પરંતુ, તે પરીક્ષા આપવા માટે પહોંચી ન હતી. તેની ક્લાસમેટ બાંગ્લાદેશી યુવતી પરીક્ષા આપવા માટે પહોંચી હતી અને તેની સાથે તે મોહોનાનો એડમીટ લેટર પણ ઝેરોક્ષ કરાવીને લઈ ગઈ હતી પરંતુ, મોહોના પરીક્ષા આપવા માટે આવી નહોતી. જેથી તેની સહેલી ચિંતિત થઈ ગઈ હતી. બપોરે 2:00 વાગ્યે પરીક્ષા પૂરી થતાં તેને મોહોનાની અન્ય સહેલીને ફોન કર્યો હતો અને મોહોના પરીક્ષા આપવા માટે આવી ન હોવાની જાણકારી હતી. મિત્રો ઘરે પહોંચ્યા તો પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળી
આ દરમિયાન બાંગ્લાદેશમાં રહેતા મોહોનાના માતા-પિતાએ મોહોનાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનો સંપર્ક થઈ રહ્યો હતો. જેથી માતા પિતાએ મોહોનાની સહેલીઓનો સંપર્ક કર્યો હતો. જેથી, એક સહેલી તેના કેટલાક મિત્રોને લઈને રાત્રે 10.15 વાગ્યે મોહોનાના રુમ એટલે કે નર્મદા એપાર્ટમેન્ટ પર પહોંચી હતી. આ સમયે ઘરને લોક મારેલું હતું. જેથી, દરવાજો તોડીને તેના મિત્રો ઘરમાં ગયા હતા. જ્યાં મોહોના પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળી હતી. જેથી મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને તેઓ હેબતાઈ હતા અને તેઓએ તુરંત જ રાવપુરા પોલીસને જાણ કરી હતી અને રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આના માટે મને કોઈએ ઉકસાવી નથી
આ દરમિયાન પોલીસને સ્થળ પરથી સુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે, હું જાણું છું કે હું શું કરું છું પરંતુ, મારે આ કરવું છે. આના માટે મને કોઈએ ઉકસાવી નથી. આ ઘટનાની જાણ થતા ICCRના ડાયરેક્ટર સુભાષ. સિંગ અને એમ.એસ. યુનિવર્સિટી ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા. મને મળી ત્યારે ડિપ્રેશનમાં લાગતી હતી- સહેલી
મૃતક મોહોનાની સહેલીએ જણાવ્યું હતું કે, મોહોના ધોરણ 12 સાયન્સમાં 90% સાથે પાસ થઈ હતી અને સપ્ટેમ્બર મહિનામાં જ વધુ અભ્યાસ માટે બાંગ્લાદેશથી વડોદરા આવી હતી અને તે ફાર્મસીનો અભ્યાસ કરતી હતી. ગઈકાલે જ તેની પરીક્ષા શરૂ થઈ હતી. આ પહેલા તે મને મળી હતી અને જે માટે ડિપ્રેશનમાં લાગતી હતી. તેણે મને કહ્યું હતું કે, મને અહીં ભણવામાં સમજણ પડતી નથી અને હું ખૂબ જ પ્રેશર અનુભવ છું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે
આ મામલે ACP અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની માહિતી મળતા અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને બાંગ્લાદેશમાં રહેતા પરિવારને પણ આ અંગે જાણ કરી છે. આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આપઘાતનું કારણ હજુ અકબંધ
ICCRના ડાયરેક્ટર સુભાષસિંગે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશી સ્ટુડન મોહોનાએ આપઘાત કર્યો છે. તેનું કારણ હજી અમને જાણવા મળ્યું નથી. તેના મૃતદેહને બાંગ્લાદેશ મોકલવામાં આવશે.