રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલના મકાનમાંથી રોકડ રકમ અને ઘરેણા સહિત 2.99 લાખની મત્તા ચોરી થયા અંગે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોન્સ્ટેબલના પુત્રએ નોંધાવેલી ફરિયાદમાં શકમંદ તરીકે પોતાના ભાઈના મિત્રનું નામ આપ્યું છે કારણ કે, મિત્રએ જમવા માટેના પાસ આપ્યા હતા. બાદમાં યુવાન અને તેના માતા જમવા ગયા ત્યારે બંધ મકાનમાંથી મિત્રએ જ હાથ ફેરો કર્યો હોવાની શંકા દર્શાવતા પોલીસે ગુનો નોંધી શંકાસ્પદ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ભાભા હોટલના બે પાસ આપ્યા હતા
પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા કોન્સ્ટેબલના પુત્ર અભિજીતસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.વ.22) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં શકદાર તરીકે પોતાના ભાઈના મિત્ર રાજ મનીષભાઈ મેંદપરા (ઉ.વ.31) નું નામ આપ્યું છે. તેમને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 19.01.2025ના યુવાન પોલીસ હેડ કવાર્ટરમાં હતો ત્યારે યુવાનને તેના ભાઈ હર્ષરાજસિંહનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારો મિત્ર રાજ મેંદપરાનો ફોન આવ્યો હતો અને તે તને જમવાના પાસ આપવા માટે આવે છે. બાદમાં આ રાજનો ફોન અભિજીતસિંહને આવ્યો હતો અને પૂછ્યું હતું કે, તું ક્યાં છો? જેથી યુવાને કહ્યું હતું કે હું ગ્રાઉન્ડમાં રનીંગ કરું છું. ત્યારબાદ અહીં હેડ ક્વાર્ટરમાં રાજ આવ્યો હતો અને યુવાનને ભાભા હોટલના બે પાસ આપ્યા હતા. જમીને 10 વાગ્યે ઘરે પરત આવ્યા હતા
આ પછી યુવાન તેના મિત્ર ધ્રુવરાજ અને રાજ સાથે અહીં મારુતિનગરમાં પાણીપુરી ખાવા માટે ગયા હતા. ત્યારબાદ યુવાને ઘરે જઈ પોતાના માતાને હોટલમાં જમવા જવા માટે વાત કરી અને માતા પુત્ર જમવા માટે ભાભા હોટલમાં ગયા હતા. રાત્રિના 9 વાગ્યા આસપાસ યુવાનને રાજનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે જમવા માટે નીકળી ગયા છો. જેથી, યુવાને હા કહી હતી ત્યારબાદ પણ તેણે બે વખત ફોન કર્યા હતા. રાત્રિના 10 વાગ્યે યુવાન તથા તેના માતા ઘરે આવ્યા હતા અને રાત્રીના 11.30 વાગ્યા આસપાસ તેનો ભાઈ ઘરે આવ્યો હતો. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી
આ ઘટનાક્રમના ત્રીજા દિવસે તારીખ 21.01.2025ના લગ્નમાં જવાનું હોય જેથી કબાટમાં રાખેલ વીંટી કાઢવા જતા વીંટી જોવા મળી ન હતી. ત્યારબાદ તપાસ કરતા કબાટમાં સોનાના દાગીના તથા રોકડ રૂપિયા પણ જોવા મળ્યા ન હતા. બાદમાં માલૂમ પડયું હતું કે, બંને કબાટમાંથી ચાર તોલાનો હાર કિંમત રૂ.42000, અઢી તોલાનું મંગળસૂત્ર કિંમત રૂ.17000, 6 વીંટી રૂ. 40000 તથા રોકડ રૂપિયા 2 લાખ સહિત કુલ રૂપિયા 2.99 લાખની મત્તા મકાનના તાળા તોડી અથવા ખોલી ચોરી કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું. આ પછી રાજ પર શંકા જતા તેને ફોન કરતા તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો અને આ ચોરીના બનાવ પછી રાજ બહારગામ જતો રહ્યો હોવાનું તેમના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું. જેથી શંકા દ્રઢ બની હતી આ મામલે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે શંકાના દાયરામાં રહેલા રાજ મેંદપરાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.