રાજકોટની જાણીતી કથાકાર દિપાલી દીદી તેમની ભૂતપૂર્વ શાળાના વિકાસ માટે શ્રી કૃષ્ણ કથા યોજી રહ્યા છે. તેઓ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ હેમુ ગઢવી હોલમાં રાત્રે 9થી 12 વાગ્યા સુધી શ્રી કૃષ્ણ કથા કરવાના છે, જે જાહેર જનતા માટે ઓપન રહેશે. દેશમાં સંભવત: તે પહેલા એવા કથાકાર હશે કે, જેને પોતે જે શાળામાં ભણ્યા હોય, તે જ સ્કૂલના લાભાર્થે કથા કરવાનો મોકો મળ્યો હોય. શાળાને યોગ્ય ફંડ મળી રહે તે માટે દીદીએ કથા સાંભળવા આવનાર દરેક વ્યક્તિને યથાશક્તિ દાન આપે એવી નમ્રતાપૂર્વક અપીલ કરી છે. શાળાના રિપેરિંગ માટે અંદાજે રૂ. 40 લાખની જરૂર
ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભાનુપ્રસાદ પંડ્યાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કે. જે. કોટેચા ગર્લ્સ સ્કૂલ 65 વર્ષ જૂની છે, અહીં 725 દીકરીઓ ધોરણ-9થી 12 સુધીના વર્ગમાં અભ્યાસ કરે છે, જેમાં અમુક દીકરીઓ ઝૂંપડપટ્ટી વિસ્તારની પણ છે ત્યારે આ પ્રકારની દીકરીઓ પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે અને આર્થિક રીતે પગભર થાય તે માટે અહીં વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે તદુપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવામાં આવે છે. આ તમામ પ્રકારનું શિક્ષણ શિક્ષકો દ્વારા વિના મૂલ્યે પૂરુ પાડવામાં આવે છે, જેથી તેઓ પગભર બની શકે. જોકે, આ શાળામાં કોમ્પ્યુટર લેબ, બ્યુટી પાર્લરની તાલીમ માટેની પ્રોફેશનલ ચીજવસ્તુઓ, 4 ઓરડાની છત ભરવાની કામગીરી તથા બાલ્કનીનો જર્જરિત ભાગ રિપેરિંગ માટે અંદાજે રૂ. 40 લાખની જરૂર પડી છે ત્યારે આ ખર્ચને પહોંચી વળવા માટે અહીંના જ જૂના એક વિદ્યાર્થિની કે જે હાલ સારા એવા કથાકાર છે, તેઓએ શાળા માટે કથા કરીને પોતાનું યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો છે. દિપાલી દીદીનો પ્રવાસ: CEOથી આધ્યાત્મ સુધી
કથાકાર દિપાલી દીદીએ જણાવ્યું હતુ કે, હું કાલાવડ રોડની કે. જે. કોટેચા ગર્લ્સ સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થિની છું. ધોરણ-8થી 12 સુધીનું શિક્ષણ આ શાળામાંથી પ્રાપ્ત કરેલું છે. અહીં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ મેળવ્યું હોવા છતાં પણ હિન્દી અને અંગ્રેજી ઉપર ખૂબ જ સારું પ્રભુત્વ છે. તેનું કારણ એ છે કે, આ શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. મને ક્રિકેટમાં નેશનલ સુધી રમવાની તક પણ આ શાળા મારફત મળી છે. જેનું ઋણ કોઈપણ રીતે ન ચૂકવી શકાય. જોકે, આ શાળામાં અભ્યાસ બાદ પણ અનેક વખત હું આવી છું અને શિક્ષકો અને ટ્રસ્ટીઓ સાથે આત્મીયતાભર્યો નાતો છે. આ મુલાકાત દરમિયાન મને લાગ્યું કે, આ શાળાનું બિલ્ડીંગ 60 વર્ષથી વધુ સમય જૂનું હોવાથી જર્જરિત છે અને તેમાં સમારકામની જરૂર છે. આ કારણોસર તેના માટે કૃષ્ણ કથા યોજનાનું આયોજન કરાયું છે. તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિશ્વના અલગ-અલગ ધર્મો પર અભ્યાસ કરી ચૂક્યા છે અને CEOની નોકરી છોડી આધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો છે. અત્યાર સુધીમાં 52 જેટલી કથાઓ કરી છે, જેમાંની મોટાભાગની કથાઓ સમાજસેવા માટેની હોય છે. ઇન્સ્ટાગ્રામમાં 4.50 લાખ તો યુ ટ્યુબમાં 3.50 લાખ જેટલા ફોલોઅર્સ છે. યુવાનો સહિત રાજકોટની ધર્મપ્રેમી જનતા વિનામૂલ્યે આ કથા શ્રવણનો લાભ લે અને યથાશક્તિ દાન આપે તો ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને આધુનિક વ્યવસ્થા સાથેનું શિક્ષણ મળી રહે. દાદાથી પ્રેરાઈને આધ્યાત્મનો માર્ગ પકડ્યો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા દાદા ગુરુકૃપા દાસ 35 વર્ષ પહેલા હરિદ્વારમાં ગયા હતા અને તેમને ત્યાં એક કુટીર બનાવી હતી અને ત્યાં રહેતા હતા. તેમની પ્રેરણાથી જ મેં આધ્યાત્મનો માર્ગ પસંદ કરેલો છે. આ સાથે જ મારા પિતાએ આત્મ કલ્યાણ માટે ગંગા કિનારે સાધના કરવાનુ નક્કી કર્યું હતું. હવે શાળાના લાભાર્થે કૃષ્ણ કથા કરવાનો મોકો મળી રહ્યો છે, ત્યારે તેને હું મારું સદભાગ્ય માનું છું. હવે હિપ હોપને બદલે ભજનના સોંગ યુવાનો સાંભળતા થયા છે. તે બદલાતા ટ્રેન્ડને પણ હું જોઈ રહી છું. જેથી, વધુમાં વધુ લોકો કૃષ્ણ કથા સાંભળવા માટે આવે અને યથાશક્તિ દાન આપે એવી નમ્રતાપૂર્વક અપીલ છે. સ્કૂલના લાભાર્થે કથા કરવાનો મોકો મળ્યો
6 વર્ષ પહેલા સૌથી પહેલી કથા રાજકોટમાં કરેલી છે અને રાજકોટ તો મારું મૂળ વતન છે. પહેલાની કથાઓમાં એવું હતું કે, માત્ર ધોળા માથાવાળા લોકો એટલે કે વડીલો જ કથા શ્રવણ માટે આવતા હતા. જોકે, હવે યુવાનો પણ કથા શ્રવણ માટે આવી રહ્યા છે. ભારતમાં સંભવત: હું એવી પહેલી કથાકાર હોઈશ કે જે પોતે જે શાળામાં ભણ્યા હોય, તે જ સ્કૂલના લાભાર્થે કથા કરવાનો મોકો મળ્યો હોય. અગાઉ પણ સમાજસેવા હેતુસર કથાઓ કરી
મેં અગાઉ હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમ સહિતના નિર્માણ માટે કથા કરેલી છે. આ શાળામાં બીમ-કોલમ ભરવાના છે. આ ઉપરાંત અમુક કંપાઉન્ડમાં ત્રણ વર્ગ બનાવ્યા છે, જેમાં માત્ર છાપરા છે. જેથી, ઉનાળામાં વિદ્યાર્થિનીઓ ત્યાં અભ્યાસ કરતી હોય ત્યારે ખૂબ જ ગરમી થાય છે અને મુશ્કેલી પડે છે. ત્યાં સ્લેબ ભરવામાં આવે તો દીકરીઓ ઠંડક વચ્ચે અભ્યાસ કરી શકે છે. આ ઉપરાંત સોલાર પણ નાખવાનું છે. જે કામ માટે અંદાજે 40 લાખની જરૂરિયાત છે. બે દિવસની કથાનું આયોજન
રાજકોટમાં ખાનગી શાળાઓમાં તોતિંગ ફી વસૂલીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહી છે. તેની વચ્ચે આ ગ્રાન્ટેડ શાળામાં 752 દીકરીઓને વિનામૂલ્યે ભણાવવામાં આવે છે ત્યારે આ શાળાના લાભાર્થે આગામી તા. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રાત્રે 9થી 12 દરમિયાન કૃષ્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઓપન ફોર ઓલ છે એટલે કે રાજકોટની ધર્મ પ્રેમી જનતા વિનામૂલ્યે વહેલા તે પહેલાના ધોરણે કૃષ્ણ કથાનો આનંદ માણી શકશે અને તે કથામાં આવતા દાતાઓ સ્વેચ્છાએ શાળાના લાભાર્થે દાન આપી શકશે.