back to top
Homeગુજરાતગત વર્ષની સરખામણીએ 2025માં કોલ્ડવેવના દિવસો ઘટ્યા:જાન્યુઆરી ઠંડીના બદલે ગરમ રહ્યો, વેસ્ટર્ન...

ગત વર્ષની સરખામણીએ 2025માં કોલ્ડવેવના દિવસો ઘટ્યા:જાન્યુઆરી ઠંડીના બદલે ગરમ રહ્યો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બેવડી ઋતુનો અનુભવ; અમદાવાદનો પારો 11 ડિગ્રીથી નીચે

ગુજરાતમાં આ વર્ષે 2023-24ની સરખામણીમાં તાપમાનમાં વધુ પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. એટલે કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે શિયાળામાં ઠંડીનું જોર વધ્યું હતું, પરંતુ કોલ્ડવેવની અસરો ઓછા દિવસ સુધી વર્તાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ આગાહી કરવામાં આવી હતી કે, આ વર્ષે ગુજરાતમાં કોલ્ડવેવના દિવસો ઓછા રહેશે, જે સ્થિતિ રાજ્યમાં હાલ જોવા મળી રહી છે. ગુજરાતમાં આ વર્ષે કોલ્ડવેવની અસર ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં રહી હતી. તે સિવાય ગુજરાતના એક પણ જિલ્લામાં આ વર્ષે કોલ્ડવેવની અસર રહી નહોંતી. એટલે કે, જોઈએ તેટલા પ્રમાણમાં ઠંડીનું જોર રહ્યું નહોંતુ. છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છના પ્રદેશોમાં દર વર્ષે એક કે બે વખત કોલ્ડવેવની સ્થિતી જોવા મળે છે. સામાન્ય રીતે આ કોલ્ડવેવ પાંચથી છ દિવસ રહે છે. પરંતુ આ વર્ષે બેથી ત્રણ દિવસ કોલ્ડવેવની અસર રહી હતી અને તેની તીવ્રતા પણ વધુ માત્રામાં રહી નહોંતી. કારણ કે, સામાન્ય તાપમાન પણ વધ્યું છે તથા આ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છનું લઘુત્તમ તાપમાન સામાન્યની નજીક જ રહ્યું હતું. રાજ્યનું વાતાવરણ અસ્થિર બન્યું
ગુજરાતમાં છેલ્લા આઠથી દસ દિવસથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, એક દિવસમાં એકાએક તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ જાય છે. તો બીજે દિવસે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક જિલ્લામાં તો બે ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુ વધારો-ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેથી રાજ્યનું વાતાવરણ અસ્થિર બન્યું છે. ખાસ કરીને કચ્છના નલિયામાં જ્યાં સામાન્ય રીતે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે, ત્યાં પણ બે દિવસ પહેલા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. એટલે કે, જાન્યુઆરીના અંતમાં જ્યાં ગુલાબી ઠંડીનો માહોલ જામતો હોય છે, તેવામાં નલિયાનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ પહોંચતા ઠંડી જાણે ગાયબ જ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જાન્યુ.માં થતો ગુલાબી ઠંડીનો અહેસાસ ગાયબ
આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, જેને કારણે લોકોને એસી-પંખા શરૂ કરવાની જરૂર પડી છે. જાન્યુઆરી માસમાં જ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 29થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા દિવસે ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રી સેલ્સિયસ રહેતા થોડા અંશે ઠંડક અનુભવાય છે, પરંતુ ખરેખર શિયાળાની જે ઠંડી હોય તે વર્તાઈ રહી નથી. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ક્યારેક ઠંડી વર્તાઈ
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાન્યુઆરી માસની શરૂઆતમાં આગાહી કરવામાં આવી હતી કે, વર્ષ 2025ના જાન્યુઆરી માસમાં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતાઓ છે. એટલે કે, સામાન્ય તાપમાન ઊંચું આવ્યું છે તથા તેનાથી પણ વધુ લઘુત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. 2025નો જાન્યુઆરી મહિનો સામાન્ય વર્ષોની સરખામણીમાં ગરમ રહ્યો છે. તેમાં પણ પાછલા પખવાડિયામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઠંડીનું પ્રમાણ સતત ઘટતું ગયું છે. પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યારેક ઠંડી વર્તાઈ રહી હતી. ખાસ કરીને નલિયા, રાજકોટ, અમરેલીમાં થોડા અંશે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું. જ્યારે-જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો રહેતી ત્યારે તાપમાનમાં વધારો થતા ઠંડીનું પ્રમાણ એકાએક ઘટ્યું છે. આગામી 4 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે
હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, હજુ પણ આગામી ચાર દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાન પણ યથાવત્ રહેશે. એટલે કે, તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસથી વધુના ફેરફારની શક્યતાઓ નહીવત છે. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો રહેતા અચાનક જ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો-ઘટાડો થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં કે જ્યાં ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે ત્યાં તાપમાન ઘટી જાય છે. પરંતુ જો પૂર્વ દિશા તરફથી પવન આવે તો બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો પણ થઈ રહ્યો છે. એટલે કે, વાતાવરણમાં તાપમાનની અસ્થિરતા સર્જાય છે. ઠંડીનું પ્રમાણ ફક્ત પહેલી સવારે અને મોડી રાત્રે જ વર્તાઈ છે. સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments