ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર અમૃત સ્નાન કરવા દેશ-વિદેશથી કરોડો લોકો પહોંચી રહ્યાં છે. ગતરોજ (29 જાન્યુઆરી) મૌની અમાસે ગંગમાં આસ્થાની ડૂબકી લગાવતા સમયે ભાગદોડ મચતા 30 જેટલા લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા હતાં. આ 30 મૃકતોમાં એક વ્યક્તિ ગુજરાતના કડીની છે. આગામી દિવસોમાં હજુ પણ અનેક ગુજરાતીઓ પ્રયાગરાજ જવાના છે. ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા ચાર મહાનગરો (અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા)માંથી મહાકુંભમાં જનારા લોકો સાથે વાતચીત કરી હતી. પ્રયાગરાજમાં થયેલી દુર્ઘટના બાદ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, લોકોમાં ઉત્સાહ તો છે પણ ભીડને લઈને જવામાં ઢચુપચુ થઈ રહ્યાં છે. ટ્રેનો-બસો ફુલ થતાં ઘણા લોકો બાયરોડ કાર વડે પણ મહાકુંભમાં જવાના છે. તો આવો જાણીએ લોકોનું શું કહેવું છે…. 16 ફેબ્રુઆરીએ અમદાવાદથી ટ્રેન મારફતે જઈશુંઃ દ્વારકેશભાઈ
અમદાવાદથી પ્રયાગરાજ જતા દ્વારકેશભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ચાર મિત્રો ટ્રેન દ્વારા પ્રયાગરાજ જવાના છીએ. આગામી 16 ફેબ્રુઆરીના રોજ અમે પ્રયાગરાજ જવા માટે અમદાવાદથી નીકળીશું. 16 ફેબ્રુઆરીનો દિવસ એટલા માટે જ પસંદ કર્યો છે કેમ કે, તે દિવસ દરમિયાન અમૃત સ્નાનનો મહત્વનો દિવસ નથી, જેથી પ્રયાગરાજમાં ભીડનું પ્રમાણ પણ થોડા અંશે ઓછું હશે. આ ઉપરાંત મૌની અમાવસ્યાના દિવસે અમૃત સ્નાનના લીધે કરોડો લોકો સંગમ ઘાટ પર આવ્યા હતા અને તેમાં ભાગદોડને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ અમે જે દિવસ દરમિયાન જવાના છીએ, ત્યારે કોઈ અમૃત સ્નાનનું મુહૂર્ત નથી, તેથી તે દિવસ પસંદ કર્યા છે. અમારા ઉત્સાહમાં કોઈ ઘટાડો આવ્યો નથી. સરકારની નિયમોનું પાલન કરીને ખોટી અફવાથી દુર રહી ગંગામાં આસ્થાની ડૂબકી લગાવીશું. હાલ અમે યાત્રા સ્થગિત રાખી છેઃ રોશન દેસાઈ
સુરતના સિટી લાઈટ વિસ્તારમાં રહેતા રોશન દેસાઈએ જણાવ્યું હતું કે, 29મીએ જ તેઓ મહાકુંભમાં ત્રિવેણી સંગમના દર્શન માટે જવાના હતા, પરંતુ જ્યારે આ ઘટના બની તેના કારણે તેઓએ હાલ આ યાત્રા સ્થગિત રાખી છે. તેઓએ જણાવ્યું હતું કે, હું અને મારા મિત્રો ગતરોજ (29 જાન્યુઆરી) રાત્રે જ મહાકુંભની યાત્રા માટે કારથી નીકળવાના હતા, જેથી 5 ફેબ્રુઆરીએ અમૃત સ્નાનમાં પહોંચી શકીએ. પરંતુ ગતરોજ જે ઘટના બની છે તેના કારણે હવે અમે આ યાત્રા સ્થગિત રાખી રહ્યા છે. હવે 5 અથવા તો 10 ફેબ્રુઆરી પછી જ અમે ત્યાં જઈશું. અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે, તેઓ પણ હાલ આ યાત્રામાં ન જાય. કારણ કે, ત્યાં ભારે ભીડ છે અને ત્યાં જઈને પ્રશાસનની મદદ પણ કરે અને ખોટી અફવાઓમાં ન આવે. અમે સરકારની ગાઈડલાઈનનું પાલન કરીશું: વિનુભાઈ
વડોદરાના શ્રદ્ધાળુ વિનુભાઈ ચાવડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ભાગદોડ થઈ તે પહેલા જ તમે મહાકુંભમાં જવા માટે બુકિંગ કરાવી દીધુ હતું. આ ઘટના બાદ પણ આગામી મહિને મહાકુંભમાં જવાના છીએ. પરંતુ અમે સરકારની ગાઈડલાઈનનું પાલન કરીશું અને તે પ્રમાણે જ ત્યાં ગંગા સ્નાન કરીશું. અમે તમામ મિત્રોએ શ્રદ્ધા અને આસ્થા સાથે મહાકુંભમાં જવાનું નક્કી કર્યું હતું અને જેથી હવે અમે મહાકુંભમાં જવાના જ છીએ. રાજકોટથી કોઈ ફ્લાઇટ નથી, હવે અમે બાઈરોડ જઈશુંઃ હિરેનભાઈ
રાજકોટના હિરેનભાઈ મહેતાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમૃત સ્નાન માટે અમે મિત્રો સાથે જવાના છીએ. હાલ રાજકોટથી કોઈ ટ્રેનની સુવિધા મળી નથી રહી. ટ્રેન છે એ હાઉસફુલ છે. ફ્લાઇટ માટે રાજકોટથી કોઈ સુવિધા નથી. અમદાવાદથી ફ્લાઇટ મળે છે, પરંતુ ફ્લાઈટનું ભાડું વધારે છે. માટે હવે અમે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં 8 ફેબ્રુઆરીના રોજ રાજકોટથી બાયરોડ પ્રયાગરાજ જવાના છીએ. કોઈ પણ પ્રકારની અફવામાં ધ્યાન લોકોએ દેવું ન જોઈએ. અમે પણ અફવાઓથી દૂર રહેશું અને સરકારના નિયમોનું પાલન કરીશું. તમામ ગાઇડલાઇનનું પાલન કરી સાવચેતીથી પ્રયાગરાજમાં અમૃત સ્નાન કરવા માટે ચોક્કસ જઈશું. રાજકોટથી પ્રયાગરાજ માટેની ચાર ટ્રેન
રાજકોટ રેલવે ડિવિઝનનાં જણાવ્યા મુજબ, હાલમાં મહાકુંભ જવા માટે રાજકોટથી 4 ટ્રેનો ચાલે છે. જેમાં વેરાવળ-બનારસ હોલીડે સ્પેશિયલ વિકલી ટ્રેન, રાજકોટ-બનારસ સપ્તાહમાં 2 વખત બુધવાર-ગુરુવારે ચાલે છે. આ સિવાય ઓખા-વારાણસી તેમજ હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન સામેલ છે. આ તમામ ટ્રેનોમાં 80થી લઈને 200 સુધીનું વેઇટિંગ છે. અત્યાર સુધીમાં કોઈપણ ટ્રેનમાં મહાકુંભમાં બનેલી ઘટના બાદ ટિકિટો કેન્સલ થઈ હોવાનું સામે આવ્યું નથી. ત્યાં શાહીસ્નાન સહિતની બધી પ્રક્રિયા નોર્મલ થઈ ગઈ છે. મુસાફરોમાં પણ આ બનાવને લઈને કોઈ ભય હોય તેવું લાગતું નથી. આ પણ વાંચો… હવે ગુજરાતથી મહાકુંભ જવું હોય તો કયો વિકલ્પ અનુકૂળ?, ટ્રેન, ફ્લાઇટ, ટ્રાવેલ્સ કે પોતાના વાહનની ગણતરી હોય તો ખર્ચ જાણી લો, બુકિંગ માટે હજુ પડાપડી
ટ્રેનોમાં 200 સુધીનું વેઇટિંગ
ગુજરાતમાંથી મહાકુંભ મેળામાં જવા માંગતા લોકો માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. સાબરમતી અને ભાવનગરથી દોડનારી સ્પેશિયલ ટ્રેનોમાં 100થી 200 જેટલું વેઇટિંગ લિસ્ટ બતાવી રહ્યું છે. દુર્ઘટના બાદ પણ વેઈટિંગ લિસ્ટમાં ઘટાડો થયો નથી. લોકો પોતાની ટિકિટ કેન્સલ કરાવી રહ્યા નથી. ઘટના બાદ પણ હજી લોકો મહાકુંભ મેળામાં જવા ઉત્સાહિત છે. પાંચ ફેબ્રુઆરીથી સાબરમતી-બનારસ અને સાબરમતી-જાઘાઈ વચ્ચે ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જેમાં 200 સુધીનું વેઇટિંગ છે.