back to top
Homeગુજરાતરાજમોતી ઓઇલ મિલ માલિક સહિત 3ને આજીવન કેદ:અમદાવાદ બ્રાન્ચના મેનેજરની હત્યા મામલે...

રાજમોતી ઓઇલ મિલ માલિક સહિત 3ને આજીવન કેદ:અમદાવાદ બ્રાન્ચના મેનેજરની હત્યા મામલે કોર્ટે સજા ફટકારી; અપહરણ કરી માર મારતા મોત થયું હતું

રાજકોટની રાજમોતી ઓઇલના અમદાવાદ બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસ મામલે સેશન્સ કોર્ટે રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહીત 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યા કેસમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલીન પ્રમુખ સમીર શાહની જયપુરથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસ અર્થે રાજકોટ પોલીસ જયપુર પહોચી હતી જે હોટલમાં રોકાયો હતો ત્યાંનાં ડૉક્યુમેન્ટ તેમજ કાર સહિતના પુરાવાઓ કબ્જે કરવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક દિનેશ દક્ષિણીને અમદાવાદથી રાજકોટ ઓઇલ મિલનો સિક્યુરિટીમેન ક્રિપાલસિંહ લાવ્યો હતો. સમીર શાહના કહેવાથી સિક્યુરિટીમેન મૃતકને રાજકોટ લાવ્યો હતો
સમીર શાહને આ પ્રકરણમાં મદદગારી કરનાર અને આ ઘટના બાદ ફરાર થઈ ચૂકેલા ઓઇલ મિલના સિક્યુરિટી મેન ક્રિપાલસિહને પકડવા માટે તેના નિવાસસ્થાન ધંધુકાના ઉચડી ગામે રાજકોટ પોલીસે દરોડા પાડ્યા હતા. પરંતુ ત્યાંથી પણ તે મળી આવ્યો ન હતો. ત્યારબાદ બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી રોડ જકાતનકા નજીકથી ક્રીપાલસિહને દબોચી લીધો હતો. તેની પૂછતાછ કરતાં તે પોતે આટલો સમય જુદી જુદી ધાર્મિક જગ્યાઓ તેમજ તેના ઘરે રહ્યો હોવાની કબૂલાત આપી હતી. મૃતક દિનેશ દક્ષિણીને પોતે જ સમીર શાહના કહેવાથી રાજકોટ લઈને આવ્યો હોવાની ચોકાવનારી કબૂલાત આપી હતી. આ કેસમાં એક આરોપી પોલીસ કોન્સટેબલ યોગેશ ભટ્ટ પણ હત્યામાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. શું છે મામલો
ફેબ્રુઆરી, 2016માં રાજકોટની રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહના ઇશારે મિલના મેનેજર સમીર ગાંધી સહિત બે શખ્સે અમદાવાદ બ્રાન્સના મેનેજર દિનેશભાઇ દક્ષિણીનું અપહરણ કરી લાવ્યા હતાં. બે દિવસ સુધી મિલમાં ગોંધી રાખી ઢોરમાર માર્યા બાદ બેડીપરા પોલીસ ચોકીના સસ્પેન્ડેડ ASI યોગેશ ભટ્ટને હવાલે કરવામાં આવ્યા હતાં. યોગેશ ભટ્ટે પણ દિનેશભાઇને એકાદ કલાક સુધી લાકડીઓ ફટકારતાં દિનેશભાઇ ચોકીમાં બેભાન થઇ ગયા હતા અને તેમનું મૃત્યું નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ કેસમાં ગુનો નોંધાતા યોગેશ ભટ્ટની ધરપકડ થઇ હતી અને તેણે એક વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું, જોકે કેસમાં તેનો નિર્દોષ છુટકારો થયો હતો. સમીર શાહ સામે કાઢી હતી લુકઆઉટ નોટિસ
બીજીબાજુ દિનેશભાઇ દક્ષિણીનું અપહરણ અને હત્યા જેના ઇશારે થયું તે રાજમોતી મિલનો માલિક સમીર શાહ પણ ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સમીર શાહ ગુજરાત બહાર હોવાની હકીકત મળતાં પોલીસની એક ટુકડી રાજ્ય બહાર પણ દોડી ગઇ હતી. પોલીસે સમીર શાહના ઘરે તપાસ કરી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો. તેનો મોબાઇલ પણ સ્વિચઓફ હોઇ લોકેશન મળતું નહોતું. સમીર શાહ દેશ છોડીને જતો રહે તેવી સંભાવના લાગતાં પોલીસે લૂક આઉટ નોટિસ પણ જારી કરી હતી. ત્યારબાદ 2022માં આ કેસમાં વળાંક આવ્યો હતો અને તે સમયે જેલમાં રહેલા આરોપીએ સેશન્સ કોર્ટમાં તાજનો સાક્ષી બનવા કરેલી અરજીમાં આ કેસમાં કોણે શું ભૂમિકા ભજવી અને કોણે કેટલા રૂપિયાનો હવાલો લીધો સહિતની વિગતો જણાવી હતી. સમીર ગાંધીએ સેશન્સ કોર્ટમાં કરેલી અરજી અક્ષરશ: તેમના શબ્દોમાં
હું સમીર ઇશ્વરલાલ ગાંધી સેશન્સ કેસ નં.104/2016નો આરોપી છું. હું આ કેસમાં તાજનો સાક્ષી બનવા ઇચ્છુ છું અને બનાવની સત્ય હકીકતો અદાલતમાં રૂબરૂ જાહેર કરવા માગું છું. હું રાજમોતી ઇન્ડસ્ટ્રીઝમાં 2016માં મેનેજર તરીકે રાજકોટ ખાતે નોકરી કરતો હતો. મારી ઇન્ડસ્ટ્રીઝ ખાદ્યતેલ બનાવવાનું કામકાજ કરતી હતી. તે અરસામાં દિનેશભાઇ મગનભાઇ દક્ષિણી અમારી અમદાવાદ ખાતેની શાખામાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. ફેબ્રુઆરી 2016માં અગાઉ દિનેશભાઇએ અમારી ઇન્ડસ્ટ્રીઝ સાથે ગેરરીતિ આચરી હતી. તે બાબતે મને અમારી ઇન્ડસ્ટ્રીઝના માલિક-ભાગીદાર સમીર મધુકાંત શાહ કે જેઓ આ કેસના આરોપી છે. તેઓએ તેમજ તેના ભાઇ શ્યામભાઇએ આ હિસાબ માટે તા.28-2-2016ના રોજ દિનેશભાઇને મળવા મને અમદાવાદ મોકલ્યો હતો. હું તા.28-2-2016ના દિવસે મૃતક દિનેશભાઇ દક્ષિણીને મળવા કાળુપુર ઓફિસે સાંજે પાંચ વાગ્યા આસપાસ ગયો હતો. દિનેશભાઇ ત્યાં નહીં મળતા તેના ઘરે તપાસ કરાવી હતી. ત્યાં પણ તે મળ્યા ન હોય દિનેશભાઇની પત્નીના મોબાઇલ નંબર મળતા ઓફિસના કર્મચારીએ ફોન કરતા દિનેશભાઇની પત્નીએ પતિ બપોરે જમીને જતા રહ્યા છે, ક્યાં ગયા છે તેની ખબર નથી, ઘરે આવશે તો જાણ કરીશ. બાદમાં દિનેશભાઇ ઘરે આવી જતા તેમના પત્નીએ ફોન કરી ઘરે આવી ગયાની વાત કરી હતી. જેથી હું દિનેશભાઇના પાલડી સ્થિત ઘરે રાત્રે નવ વાગ્યે પહોંચ્યો હતો. દિનેશભાઇની ઘરે દિનેશભાઇ, પુષ્પાબેન, કૈલાસભાઇ, દિવ્યેશભાઇ, વિજયભાઇ, ધર્મેશભાઇ, ક્રિપાલસિંહ તેમજ એક શખ્સ જેની સહી કરી હતી તેનું નામ યાદ નથી. મૃતકને ધાકધમકી આપી ગેરરીતિ આચરી હોવાનું લેખિતમાં લીધું હતું
પરંતુ તે અમદાવાદની ઓફિસનો માણસ હતો. અને દિનેશભાઇની પૂછપરછ બાદ તેણે ગેરરીતિ આચરી છે તે મુજબનું લખાણ તેના હસ્તાક્ષરમાં ધાક-ધમકીઓ આપી લખાવી લીધું હતું. જેમાં મૃતક દિનેશભાઇ તેના પત્ની, તેમજ અમારી સાથે આવેલા તમામ વ્યક્તિઓએ તેમની સહી લખાણમાં કરાવી હતી. તે સમયે દિનેશભાઇએ જે ગેરરીતિ આચરી હતી. તેની મૌખિક કબૂલાત પણ અમારી રૂબરૂમાં કરી જેનો વીડિયો મેં કરેલો. ત્યાર બાદ અમો આ મૃતક દિનેશભાઇને તેમની ઇચ્છા વિરુદ્ધ અમારી કાળુપુર ઓફિસે રાતે લઇ ગયા હતા. જ્યાં અમારા શેઠ સમીરભાઇ, તેનો ભાઇ શ્યામભાઇ સાથે અમારા ફોનથી વાતચીત કરી અને મૃતક દિનેશભાઇએ ગેરરીતિ આચરી છે તેથી તેનું શું કરવું એ બાબતે પૂછતા તેઓએ અમોને દિનેશભાઇને રાજકોટ લઇ આવવાનું જણાવ્યું હતું. બાદમાં હું અને ક્રિપાલસિંહ મૃતક દિનેશભાઇને સ્કોર્પિયો ગાડીમાં બેસાડી રાત્રીના અમદાવાદથી રાજકોટ જવા નીકળ્યા હતા. તે પહેલા દિનેશભાઇના ઘરે ગયા હતા. ત્યાંથી દિનેશભાઇનો મોબાઇલ વગેરે લઇ દિનેશભાઇને તેમની મરજી વિરુદ્ધ લઇને રાજકોટ ભાવનગર રોડ પર આવેલી અમારી ઓફિસે ચાર વાગ્યે પહોંચ્યા હતા. ત્યાં દિનેશભાઇને હાજર કર્મચારીને સોંપી હું અને ક્રિપાલસિંહ અમારા ઘરે ગયા હતા. ત્યાર બાદ હું સવારે 11 વાગ્યે દિનેશભાઇને જ્યાં રાખ્યા હતા. ત્યાં પહોંચ્યો હતો. ‘મેં ડરાવવા માટે બેઝબોલના ડંડાથી થોડોક માર માર્યો’
જ્યાં અમારા શેઠ સમીરભાઇ અને શ્યામભાઇના કહેવાથી ફરીથી હિસાબની પૂછપરછ કરી હતી અને હિસાબમાં કરેલા ગેરરીતિના નાણાં પાછા આપવાનું જણાવતા મૃતક દિનેશભાઇએ સરખો જવાબ આપ્યો ન હતો. જેથી શેઠ સમીરભાઇ અને શ્યામભાઇ સાથે વાત કરતા તેમણે દિનેશભાઇને મારવાનું જણાવ્યું હતું. જેથી મેં ડરાવવા માટે બેઝબોલના ડંડાથી થોડોક માર માર્યો હતો. તેમ છતાં મૃતક દિનેશભાઇએ પૈસા આપવા બાબતે કોઇ યોગ્ય જવાબ આપ્યો ન હતો. બાદમાં મેં ફરીથી શેઠને ફોન કરી વાત કરતા શેઠ સમીરભાઇ અને શ્યામભાઇએ મૃતક દિનેશભાઇને એએસઆઇ યોગેશ ભટ્ટ પાસે લઇ જવાનું જણાવ્યું હતું. તત્કાલીન ASIએ પોલીસ ચોકીમાં કડકાઈથી ઉઘરાણી કરી
શેઠની સૂચનાથી હું સાંજના સમયે દિનેશભાઇને લઇ બેડીપરા પોલીસ ચોકી એએસઆઇ યોગેશ ભટ્ટ પાસે લઇ ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ ફરી શેઠને ફોન કરતા તેમણે દિનેશભાઇ પાસેથી કેવી રીતે પૈસા કઢાવવા તેની વાતચીત થઇ ગઇ છે. તમે દિનેશભાઇને યોગેશભાઇના હવાલે કરી દો. જેથી મેં દિનેશભાઇને યોગેશભાઇના હવાલે કરી સમીરભાઇ અને શ્યામભાઇ સાથે વાત થઇ છે તે વ્યક્તિને લઇ આવ્યાની વાત કરી હતી. બાદમાં યોગેશભાઇએ દિનેશભાઇને ચોકીની અંદર બેસાડી દીધો અને તેની સાથે નાણાં પરત આપવા બાબતે કડકાઇથી ઉઘરાણી કરી હતી. પરંતુ દિનેશભાઇએ કોઇ યોગ્ય જવાબ ન આપતા એએસઆઇ યોગેશભાઇએ મારા ફોનથી સમીરભાઇ અને શ્યામભાઇ સાથે વાત કરી હતી. તત્કાલીન ASIએ લાકડીથી માર મારતા પાણી…પાણી માગી કણસતા રહ્યા
જેથી સમીરભાઇ અને શ્યામભાઇએ સામ, દામ, દંડ જે રીત અપનાવવી હોય તે રીત અપનાવો. પરંતુ દિનેશભાઇ પાસેથી મારા પૈસા કઢાવી આપોની વાત કરી હતી. ત્યારે એએસઆઇ યોગેશ ભટ્ટે વ્યવહાર કરવો પડશે તેવું કહ્યું હતું. ત્યારે શેઠ સમીરભાઇ, શ્યામભાઇએ યોગેશ ભટ્ટને મારી સાથે વાત કરવા કહ્યું હતું. જેથી યોગેશભાઇએ મારી સાથે ચર્ચા કરતા તેણે મને રૂ.5 લાખ વ્યવહાર કરવો પડશે તેવું કહ્યું હતું. બાદમાં પોતે રાત્રીના નવ વાગ્યે ચોકી પર ગયો હતો. તે દરમિયાન યોગેશભાઇએ દિનેશભાઇને લાકડી તેમજ કાળા કલરની પાઇપથી વાંસામાં, સાથળમાં, કુલ્લાના ભાગે, પગના તળિયે માર માર્યો હતો. આ સમયે એક વોર્ડન હાજર હોય તેને દિનેશભાઇના હાથ પકડી રાખ્યા હતા. તે વોર્ડનનું નામ કાર્તિક હતું. જે હાલ મૃત્યુ પામ્યો છે. બાદમાં શ્યામભાઇએ યોગેશ ભટ્ટને જણાવેલી રકમ આપવા બાબતે સંમતિ આપી હતી. આ દરમિયાન દિનેશભાઇ મારથી કણસતા હતા અને પાણી પાણીની માગણી કરતા કરતા બેશુદ્ધ થઇ ગયા હતા. બાદમાં શ્યામભાઇ ત્યાંથી જતા રહ્યા હતા. આ વખતે દિનેશભાઇનું મોત નીપજ્યાનું જાણમાં આવતા એએસઆઇ યોગેશ ભટ્ટને વાત કરી હતી. જેથી તેણે તમારા ધ્યાનમાં કોઇ ડોક્ટર હોય તો બોલાવો, પરંતુ પોતાના ધ્યાનમાં કોઇ ડોક્ટર ન હોવાનું કહી દિનેશભાઇને સારવાર માટે હોસ્પિટલ લઇ જવા કહ્યું હતું. પરંતુ યોગેશ ભટ્ટ માન્યા નહિ, બાદમાં તેમણે એક વાહનની વ્યવસ્થા કરી આપવાનું કહેતા મેં અમારી પેઢીનું છોટા હાથી વાહન મગાવ્યું હતું. બાદમાં હું અને યોગેશભાઇ દિનેશભાઇને લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પર તબીબે દિનેશભાઇને ચેક કરતા તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. બનાવ સંબંધી સત્ય એટલે કે દિનેશભાઇને મરણ સંબંધી જે ઘટના ક્રમ મારી સ્વેચ્છાએ રાજી ખુશીથી કોઇપણ દાબ દબાણ વગર જાહેર કરું છું. હું મૃતક તથા તેમના પરિવારને સાચો ન્યાય મળે તે હેતુથી તાજનો સાક્ષી બની રહ્યો છું તેમજ તેની બનાવ સંબંધી સત્ય હકીકતનું અદાલત સમક્ષ જાહેર કરું છું. આ સંજોગોમાં મને તાજનો સાક્ષી બનાવી મૃતક તથા તેના પરિવારને ન્યાય મળે તે હેતુથી આગળની કાર્યવાહી કરશો જી. (ફરિયાદપક્ષના એડવોકેટ સુરેશ ફળદુ સાથે થયેલી વાતચીતના આધારે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments