‘ધાનેરાને બનાસકાંઠામાં રાખીને જ ઝંપીશું’ ગઈકાલે 29મી જાન્યુઆરીએ રાત્રે જડિયા ગામના ગ્રામજનોએ હનુમાન મંદિરે એકત્ર થઈને આરતી કરી હતી અને સરકાર પ્રજાની લાગણીઓને સમજે તેવી પ્રાર્થના કરી હતી. ધાનેરા તાલુકાના લોકો ગાંધીનગર જઈને વિધાનસભાનો ઘેરાવો કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી. ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં ફરીથી સમાવેશ કરવાના મુદ્દે સ્થાનિક લોકોનો વિરોધ દિવસે-દિવસે વધી રહ્યો છે. છેલ્લા 28 દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક લોકોની માગણી છે કે તેમના તાલુકાને બનાસકાંઠા જિલ્લા સાથે જ રાખવામાં આવે. આ આંદોલન હવે ધીરે-ધીરે વધુ તીવ્ર બનતું જાય છે અને લોકોની લાગણીઓ પણ વધુ તીવ્ર બની રહી છે. બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે લોકો અડગ
સ્થાનિક અગ્રણીઓએ ચેતવણી આપી છે કે, જો આગામી સમયમાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ નહીં કરવામાં આવે તો જડિયા ગામ સહિત સમગ્ર ધાનેરા તાલુકાના લોકો ગાંધીનગર જઈને વિધાનસભાનો ઘેરાવો કરશે. જડિયા ગામના સ્થાનિક અગ્રણીઓએ દૃઢતાપૂર્વક જણાવ્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે અડગ છે અને આ માટે લડત ચાલુ રાખશે. ધાનેરાને વિખુટું પાડીને વાવ-થરાદમાં મુકવામાં આવ્યું
આ અંગે જડીયા ગામના સતીશ જાનીએ જણાવ્યું હતું કે, આજે ધાનેરા તાલુકા જડીયા ગામે બનાસકાંઠા જિલ્લામાંથી ધાનેરાને વિખુટું પાડી અને વાવ-થરાદ વિભાજનમાં મુકવામાં આવ્યું છે, જેના વિરોધમાં જડીયા ગામના સર્વ સમાજે એકત્ર થઇ હનુમાન મહારાજના મંદિરે સર્વે સમાજે હનુમાન મહારાજના સાનિધ્યમાં પ્રાર્થના કરી અને સરકારને સદબુદ્ધિ મળે. સરકાર આ પ્રજાની લાગણીનો વિચાર કરે. સરકાર સુધી અમારો અવાજ પહોંચે, જે માટે સમસ્ત જડીયા ગ્રામજનોએ આ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં પાછો સમાવેશ કરવા આવે, એ માટે સમસ્ત ગ્રામજનો ઉગ્ર રજૂઆત કરી છે. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખીને જ ઝંપીશું
તેમણે ઉમેર્યું હતું કે, સાથે હનુમાનજી મહારાજને આરતીનો કાર્યક્રમ કરી અને વિનંતી પણ કરી કે હનુમાનજી મહારાજ આ બનાસકાંઠા જિલ્લામાં અમારું ધાનેરા વર્ષોથી હતું અને ધાનેરાને બનાસકાંઠા પાછો સમાવેશ કરે એવી સરકારને અમારી વિનંતી છે, એ સાથે આ ગ્રામજનોએ ચીમકી પણ આપી છે. જો સરકાર અમને બનાસકાંઠામાં સમાવેશ નહિ કરે અહીંયાથી જડીયા ગામ અને ગામે ગામેથી બધા ભેગા થઇ ગાંધીનગર આવીશું, વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો કરીશું, પણ અમે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખીને જ ઝંપીશું. અમારી સૌની વિનંતી સાથે આજ અમારી રજૂઆત છે.