રાજ્યમાં વધુ એક HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ)નો પોઝિટિવ કેસ નોંધાતાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંક 8 પર પહોંચ્યો છે. અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતું 4 વર્ષનું બાળક HMPV પોઝિટિવ આવતા સારવાર અર્થે એસજી હાઈવે પર આવેલી SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. બાળકને તાવ, શરદી અને કફ થયો હતો. 28 જાન્યુઆરીના રોજ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. બાળકની દેશ કે વિદેશમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. રાજ્યમાં HMPVના પોઝિટિવ કેસનો કુલ આંક 8 થયો
ગુજરાતમાં HMPVનો પ્રથમ પોઝિટિવ કેસ 6 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. હકીકતમાં એ કેસ અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં 26 ડિસેમ્બરે જ નોંધાઈ ચૂક્યો હતો, જોકે હોસ્પિટલ દ્વારા તંત્રને જાણ મોડી કરવામાં આવતાં 6 જાન્યુઆરીએ કેસ સામે આવ્યો હતો. 26 ડિસેમ્બરથી લઇ 28 જાન્યુઆરી સુધીમાં કુલ 8 જેટલા HMPVના કેસ પોઝિટિવ આવ્યા છે. આઠમાંથી પાંચ બાળકો છે. જ્યારે ત્રણ દર્દીઓ વૃદ્ધ છે. બાળ દર્દીઓને શરદી, ખાંસી, તાવ, અને કફની તકલીફ હતી. જ્યારે અન્ય વૃદ્ધ દર્દીઓને અસ્થમા અને સુકી ખાંસી તેમજ શરદીની તકલીફ હતી. એકપણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. તમામ દર્દીઓને સારવાર વખતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ચાર દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં કુલ સાત જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે, આ HMPVને લઈને અત્યારે ગભરાવવાની જરૂર નથી. 9 જાન્યુઆરીએ પ્રાંતિજમાં 7 વર્ષીય બાળકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો
પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક ગામના ખેતરમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના 7 વર્ષીય પુત્રને તાવ, શરદી, ઉધરસને લઈને હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં નિદાન માટે લાવ્યા હતા, જ્યાં તબીબે નિદાનમાં એક્સરે કરતાં તેને ન્યુમોનિયાની અસર દેખાતાં ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લેવડાવ્યાં હતાં, જેનો રિપોર્ટ 9 જાન્યુઆરીના રોજ પોઝિટિવ આવ્યો હતો. 9 જાન્યુઆરીએ અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ
અમદાવાદ શહેરમાં HMPV વાઇરસનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને સારવાર અર્થે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીના રોજ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. દર્દીને છેલ્લા કેટલાય સમયથી અસ્થમાની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. તેમની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. દર્દીનાં સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં 9 માસનું બાળક HMPVથી પોઝિટિવ
10 જાન્યુઆરીના અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા 9 માસના બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. 6 જાન્યુઆરીના રોજ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ 9 જાન્યુઆરીના રોજ પોઝિટિવ આવ્યો હતો. તેને છેલ્લા કેટલાય સમયથી શરદી-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. દર્દીની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. કચ્છના 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ
11 જાન્યુઆરીના શનિવારે પણ વધુ એક કેસ નોંધાયો હતો. મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV પોઝિટિવ આવ્યો હતો, જેના પગલે તેમને સારવાર અર્થે અમદાવાદના થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીની કોઇપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી ન હતી. 4 વર્ષના બાળકનો 13 જાન્યુઆરીએ પોઝિટિવ રિપોર્ટ આવ્યો
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચાર વર્ષીય બાળકનો 13 જાન્યુઆરીએ HMPVનો પોઝિટિવ રિપોર્ટ આવતાં તેને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી ન હતી.