ત્રણ દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા જુનાગઢ શહેરના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે અમિત પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. જેને લઈ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ આગેવાનોની અધ્યક્ષતામાં અમિત પટેલનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નંબર 13 અને અન્ય વોર્ડમાં પૂર્વ પ્રમુખ મનોજ જોશી રૂપિયા લઈ ટિકિટ આપતા હોવાનો કરસન સોલંકી નામના કાર્યકરે આક્ષેપો કર્યા છે. કરસન સોલંકીએ જણાવ્યું હતું કે, વર્ષોથી હું કોંગ્રેસનો કાર્યકર છું પરંતુ મને ટિકિટ આપવામાં આવી નથી અને અન્ય નવા આવેલા સભ્યોને રૂપિયા લઈ ટિકિટ આપવામાં આવે છે. જોકે, આ બાબતને પાયા વિહોણી ગણાવી પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે, કરસન સોલંકી નામનો વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર જ નથી તે ભાજપનો વ્યક્તિ છે, કોંગ્રેસની કામગીરીમાં વિઘ્ન નાખવા ભાજપ દ્વારા અમુકને સોપારી આપવામાં આવી રહી છે. આ મામલે આક્ષેપ કરનાર કરસન સોલંકીએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ કાર્યાલય રજૂઆત કરવા આવ્યો હતો કે ભાઈ કોંગ્રેસ પાર્ટી ટિકીટ આપે તો જે દાવેદાર હોય તેને આપે. છેલ્લા 30 વર્ષથી હું કોંગ્રેસ પાર્ટીનું કામ કરું છું અને કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર છું તેમ છતાં મનોજ જોશી મને તુકારે બોલાવીને કહે છે કે, તું કોઈ હોદ્દેદાર નથી. મનોજ જોશી પૈસા લઈ અમારા એરિયા વોર્ડ નંબર 13 માં ટિકિટ ફાઇનલ કરે છે. મેં આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી રજૂઆત કરી હતી કે તમે ટિકિટ આપો તો કોઈ સારા ઉમેદવારને આપો જે તેને લાયક હોય. હવે મનોજભાઈ જોશી એવું કહે છે કે અમારી પાર્ટીમાં ભાજપનો માણસ તરીકે હું આવ્યો છું, પણ મારી પાસે સર્ટીફિકેટ છે. હું કોંગ્રેસનો કાર્યકર જ છું. જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી પ્રભારી પૂજા વંશે જણાવ્યું હતું કે, હાલમાં જે બનાવ બન્યો તે જોતા ભાજપે શરૂઆત કરી દીધી છે. છેલ્લા જે સમાચારો મળે છે તે મુજબ કમલમમાં કાપવાની નીતિઓ અને કાર્યવાહી ચાલી રહી છે. જેની સામે કોંગ્રેસમાં જોડવાની કામગીરી ચાલે છે. કોંગ્રેસને તોડવાની કામગીરી ભાજપે શરૂ કરી દીધી છે. કોંગ્રેસની કામગીરીમાં વિક્ષેપ કેમ નાખી શકાય તે માટે ભાજપ અમુક લોકોને સોપારીઓ આપી રહી છે. આવા લોકોને કોંગ્રેસ કાર્યાલય મોકલવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિ કોંગ્રેસનો નથી અને તેને કોંગ્રેસ પક્ષ સાથે કંઈ લેવાદેવા નથી તેવા વ્યક્તિને ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય મોકલીને કોંગ્રેસની જે વ્યવસ્થા છે તેને તોડવાની કોશીશ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા માણસો મોકલવામાં આવે છે. આ મામલે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે ઘટના ઘટી છે, તેના કાર્યકર્તાઓ અંદરો અંદર ઝઘડતા હશે તેને જે વાંધા હશે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કૃત્ય કરાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના જનતા પાર્ટીનો એક પણ કાર્યકર કોંગ્રેસ કાર્યાલય જઈ ટિકિટ માટે દાવો કરતો હોય તેવું ક્યારે બને નહીં. પરંતુ એવું બનતું હોય કે કોંગ્રેસના કાર્યકર્તાઓને ક્યાંકને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ગમતી હોય તો તે લોકો ભાજપ કાર્યાલય આવી પોતાનો હક દાવો રજૂ કરતા હોય છે. પરંતુ ભાજપનો કોઈ કાર્યકર્તા કોંગ્રેસ કાર્યાલય જઈ મગજમારી કરે એવું બની જ ન શકે. કોંગ્રેસે પોતાનું ઘર ઠીક કરવાની જરૂર છે. કોંગ્રેસ પક્ષમાં જે મતભેદો હશે જેના હિસાબે પૈસા સુધીના આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ આજની ઘટનામાં જે કાર્યકર્તા કે જે વ્યક્તિએ મગજમારી કરી હોય તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નથી. અમીત પટેલે જણાવ્યું હતું કે, આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મને જુનાગઢ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે ચાર્જ આપવામાં આવ્યો છે. જૂનાગઢની જનતાને જે રોડ, રસ્તા ગટર અને પાણીની સમસ્યા છે. જેના કારણે જૂનાગઢના લોકો જે રીતે દુઃખી થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ, આગેવાનો સાથે મળીને જૂનાગઢ મહાનગર પાલિકા પર કોંગ્રેસ દ્વારા જીત મેળવવા જઈ રહ્યા છીએ. જૂનાગઢની જનતાને વિનંતી છે કે, જૂનાગઢની જનતા જે રીતે અંદરથી પીડાઈ રહી છે ત્યારે ચોક્કસપણે આ વખતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો પર ભરોસો મૂકી કોંગ્રેસ પાર્ટીના પંજાના નિશાનનું બટન દબાવી જૂનાગઢનો વિકાસ સૌ સાથે મળીને કરીએ. નવસર્જન જુનાગઢના સ્લોગન સાથે ભ્રષ્ટાચાર કરનાર ભાજપને હરાવી કોંગ્રેસ ફરી આવી રહ્યું છે.