ગૌતમ જાનીના અપહરણ કેસમાં હવે રાજકોટના પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ઉપરાંત પશ્ચિમ વિભાગના મહિલા એસીપી પણ ફરિયાદીને અન્યાય કરવાના અભિયાનમાં જોતરાયા હોય તેવું ચિત્ર ઉપસ્થિત થયું છે. એસીપીએ ફરિયાદી યુવાનને બે દિવસ પહેલાં પૂછપરછ માટે યુનિવર્સિટી પોલીસ મથક બોલાવ્યો હતો અને કેટલાક સવાલ જવાબ કર્યા હતા. ફરિયાદી ગૌતમ જાનીએ જ્યારે એસીપી રાધિકા ભારાઈને એવો સવાલ કર્યો કે, ‘બેન અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચનું પંચનામું, ફરિયાદ કે વિશેષ નિવેદનમાં (બી.બી. બસિયાના નિવેદન સિવાય) તેનો શા માટે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો? પોલીસ શા માટે મેહુલ સભાડની કોલ ડિટેઈલ કઢાવતી નથી? આ બે પ્રશ્નોના જવાબ એસીપી ભારાઈ આપી શક્યા ન હતા અને પોલીસ યોગ્ય રીતે જ તપાસ કરતી હોવાનું જણાવી દીધું હતું. તેમ ગૌતમ જાનીએ ફરી એક વખત દિવ્ય ભાસ્કરે આવીને જણાવ્યું હતું. 13 જાન્યુઆરીએ ઉષાબેન જાની નામની મહિલાએ તેમના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં એવું સ્પષ્ટ થયું હતું કે, ઉષાબેનને આપઘાત કરવા માટે મજબૂર કરાયા હતા માટે જ તેઓએ આ પગલું ભરી લીધું હતું. ઉષાબેનના નાના પુત્ર ગૌતમનું 11 જાન્યુઆરીના રાત્રીના 8 શખ્સ અપહરણ કરી ગયા હતા અને 13 જાન્યુઆરી સાંજના પાંચેક વાગ્યા સુધી તેના કબજામાં રાખ્યો હતો. આ અંગે પણ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને તેમાં ગૌતમને કેટલા દિવસ અપહરણકારોએ પોતાના કબજામાં રાખ્યો તેનો ઉલ્લેખ પણ કર્યો છે. દરમિયાન ગૌતમ જાનીએ દિવ્ય ભાસ્કર સમક્ષ એવો રહસ્યસ્ફોટ કર્યો હતો કે, 12 અને 13 જાન્યુઆરી એમ બે દિવસ આરોપીઓ તેને ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની દેખરેખ હેઠળ કામગીરી કરતી ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લઈ ગયા હતા. આ વાત ગૌતમે ઉચ્ચ પોલીસ અધિકારીઓ એટલે કે સીપી બ્રજેશકુમાર ઝા સહિતનાઓને કરી હતી, પરંતુ ગૌતમ જાનીનું અપહરણ થયાને આજે 17 દિવસનો સમય વીતી ગયો છે છતાં જેને હમણાં જ રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા માટે મેડલ એનાયત કરવામાં આવ્યો છે તે પોલીસ કમિશનર ઝા આ પ્રકરણમાં વિશિષ્ટ પ્રકારની કામગીરી કરીને ફરિયાદીને અન્યાય પર અન્યાય કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ તો એવું પણ કહી ચૂક્યા છે કે, ગૌતમને અમે બોલાવ્યો હતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચના જ એસીપી બી.બી. બસિયાએ લીધેલા નિવેદનમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ ગયું છે કે ગૌતમને આરોપીઓ જ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ ગયા હતા. આ તમામ બાબતો કાગળ પર સ્પષ્ટ થઈ ચૂકી છે અને અપહરણની ઘટનાને 17 દિવસ વીતી ચૂક્યા છે. છતાં સીપી અને ડીસીપી ઉપરાંત હવે પશ્ચિમ એસીપી ભારાઈ પણ ફરિયાદી સાથે અન્યાયનો સિલસિલો આગળ ધપે તેવા પ્રયાસમાં લાગી ગયા છે. કમલેશ ભટ્ટની ફરિયાદ નોંધાય તો વધુ આરોપીના નામ ખૂલે: છરી કબજે કરવી પડે
મિલન જાનીએ અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનોએ મિલનના નાના ભાઈ ગૌતમનું તો અપહરણ કર્યું જ હતું આ ઉપરાંત તેના મામા કમલેશભાઈનું પણ અપહરણ કરીને કટારિયા ચોકડી પાસે આવેલા એક વંડે લઈ ગયા હતા. ત્યાં તેઓને ખુરશી સાથે બાંધીને, છરી બતાવીને માર મારવામાં આવ્યો હતો, ગાળો આપવામાં આવી હતી તેમજ ધમકી પણ દેવાઈ હતી. આ ઘટના અંગે પોલીસે માત્ર કમલેશ ભટ્ટનું નિવેદન જ લીધું છે. અલગથી ગુનો નોંધ્યો નથી જો ગુનો નોંધવામાં આવે તો વધુ કેટલાક આરોપીને પકડવા પડે, છરી કબજે કરવી પડે સહિતની કાર્યવાહી કરાય તો કોર્ટમાં આરોપીઓને બચવાની નહિવત તક મળે.