સુરતમાં સરથાણા જકાતનાકા પાસે ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડો. પ્રતીક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં મહિલા દર્દીની ચકાસણી દરમિયાન 20 વર્ષીય રિસેપ્શનિસ્ટને હાથ પર કિસ કરી છેડતી કરતાં હોબાળો મચ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આ તબીબને મેથીપાક ચખાડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. સોનોગ્રાફી રૂમમાં તબીબે કરેલી આ હરકત શહેરમાં ચર્ચાસ્પદ બની છે. પીડિતાએ કહ્યું હતું કે આ ઘટના ત્રીજીવાર બની અને મેં પોલીસ ફરિયાદ અને 181 મહિલા હેલ્પલાઇનમાં પણ ફરિયાદ કરી છે. ‘પપ્પી બપ્પી નહીં થઇ જાય તેમ કહી હોઠ પર બટકું ભરી લીધું’
આ અંગે પીડિતાએ જણાવ્યું કે, ડો. પ્રતીક માવાણી પહેલેથી જ મારી પાછળ લટ્ટુ બન્યો હતો. થોડાક દિવસ પહેલાં મને ગળે ભેટવાની કોશિશ કરી થાપાના ભાગે ટચ કર્યું હતું. 23મી ડિસેમ્બરે પણ પપ્પી બપ્પી નહીં થઇ જાય તેમ કહી હોઠ પર બટકું ભરી લીધું હતું. જો કે આ બંને વખતે મેં આ વાતને મસ્તી સમજી અવગણી હતી, પરંતુ બુધવારે કરેલી અશ્લીલ હરકતે તબીબની નિયતનો ભાંડો ફોડી નાંખ્યો હતો. ત્રીજી વાર આ પ્રકારની ઘટના બની છે. ‘હું તેની કોઈ સગી નથી કે તે આવીને મને બચકું ભરી જાય’
તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરનો સ્વભાવ મસ્તી જેવો છે એ પણ મને પણ ખબર છે પણ આ હરકત લીગલી જોવા જાવ તો છેડતી જ છે. કેમકે હું તેની કોઈ સગી નથી કે તે આવીને મને બચકું ભરી જાય. આ બાબતે જ્યારે માલિકને જાણ કરવામાં આવી ત્યારે તેમણે પણ એવું કહ્યું હતું કે આવું શક્ય જ નથી. આ બધું તમે ખોટું બોલો છો અને પૈસા પડાવવા માટે આવું કરી રહ્યા છો. આ બધું પૈસા માટે નથી કર્યું અમારી આબરૂ નો સવાલ છે. અમે નાના માણસો છીએ અમારા માટે આબરૂ વધારે ઈમ્પોર્ટન્ટ હોય છે. યુવતીના પિતાનું વર્ષો પહેલા અવસાન, માતા-ભાઈના ભરણપોષણની છે જવાબદારી
મૂળ અમરેલી જિલ્લાની વતની અને હાલ કતારગામ રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રામાં એક સોનોગ્રાફી સેન્ટરમાં રિસેપ્સનિસ્ટ છે. પિતાનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું છે. આ યુવતી પર જ માતા, ભાઈના ભરણપોષણની જવાબદારી છે. બુધવારે બપોરે રાબેતા મુજબ તે ડયુટી પર હતી તે વખતે તેમના સેન્ટરમાં એક યુવતી ડાયગ્નોસિસ માટે આવી હતી. અહીં પ્રેગ્નન્સીને લાગતા ટેસ્ટ માટે જકાતનાકા પર ફ્લોરલ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક પ્રતીક માવાણી કન્સલ્ટન્ટ તરીકે આવતા રહેતા હતા. બપોરે સવા બે વાગ્યે પેશન્ટને આ યુવતી ડાયગ્નોસિસ માટે રૂમમાં લઇ ગઇ હતી. પેશન્ટને રેડી કરી ત્યાં જ હાજર હતી અને ડોક્ટર પ્રતીક માવાણીએ પેશન્ટની તપાસ શરૂ કરી. દસેક મિનિટ થઈ જવા છતાં યોગ્ય તપાસ નહીં થતાં તબીબે હતાશ થવાનું નાટક કરી આ રિસેપ્શનિસ્ટના ખભા પર માથું ઢાળી દીધું. તે લગ્ન કરવાની છે કે નહિ તેવી વાતો કરવાની સાથે જ આ રિસેપ્શનિસ્ટ યુવતીને ડાબા હાથે કિસ કરી લીધી.આ ઘટનાથી રોષે ભરાયેલી યુવતીએ ત્વરિત માતાને જાણ કરતાં સ્વજનો સહિતનું ટોળું આ સેન્ટરમાં ધસી આવ્યું હતું. રોષે ભરાયેલા ટોળાએ તેની ક્લિનિકમાં જ ધોલાઈ કરી નાંખી હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ)