સામાન્ય રીતે શનિવારના દિવસે શેરબજાર બંધ રહે છે પણ 1 ફેબ્રુઆરી, શનિવારે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું હોવાથી શેરબજાર ખુલ્લું રહેવાનું છે. કેન્દ્રીય બજેટ અને શેરબજારને સીધો સંબંધ છે. બજેટ રજૂ થતું હોય ત્યારે સવારે 11 વાગ્યાથી શેરબજારમાં ટ્રેન્ડ બદલાતો દેખાય છે. આમ તો, બજેટ રજૂ થાય તે પહેલાં જ શેરબજારમાં ઘણી ઉથલપાથલ જોવા મળે છે. પણ બજેટના દિવસે શેરબજારના ઇતિહાસ પર નજર કરીએ તો છેલ્લા 10 વર્ષમાં સ્ટોક માર્કેટ 5 વખત ઉપર ગઈ છે અને 5 વખત ઘટી છે. દાયકાનો આ ત્રીજો શનિવાર હશે જ્યારે શેરબજાર ખુલશે
જ્યારે જ્યારે બજેટ હોય ત્યારે સ્ટોક માર્કેટ એલર્ટ મોડમાં જ હોય છે. અગાઉ બે વખત એવું થયું છે કે બજેટ શનિવારે હોય અને એ દિવસે સ્ટોક માર્કેટ ખુલી રહી હોય. આ વખતે આવું ત્રીજીવાર થવાનું છે. આ પહેલાં 1 ફેબ્રુઆરી, 2020 અને 28 ફેબ્રુઆરી 2015ના દિવસે એવું થયું હતું કે બજેટ શનિવારે હતું અને ત્યારે શેરબજાર ખુલ્લું રહ્યું હતું. ભારતીય સ્ટોક એક્સચેન્જ વીકએન્ડમાં બંધ રહેતા હોય છે. પણ આ વખતે ખાસ સેશન ચાલુ રહેવાનું છે. NSE અને BSEમાં ફૂલ ટ્રેડિંગ સેશન રહેશે. 31 જાન્યુઆરી (શુક્રવાર)ના ટ્રેડિંગનું સેટલમેન્ટ 3 ફેબ્રુઆરી, સોમવારે કરવામાં આવશે. શેરબજારમાં છેલ્લા 10 વર્ષમાં એકસરખા ઉતાર ચઢાવ રહ્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ તેમના કાર્યકાળનું આઠમું બજેટ છે. છેલ્લા દાયકામાં બજેટના દિવસે શેરબજારનો ટ્રેન્ડ બદલાતો રહ્યો છે. સેન્સેકસમાં પાંચ વખત જોરદાર ઉછાળો થયો છે, તો પાંચ વખત સ્ટોક માર્કેટે પછડાટ ખાધી છે. 2021માં શેરબજારમાં મહત્તમ 5 ટકાનો વધારો થયો હતો, જ્યારે આ પહેલા 2020માં તેમાં 2.43 ટકાનો ઘટાડો થયો હતો. જે બજેટના દિવસે તેનો સૌથી મોટો ઘટાડો હતો. ગયા વર્ષે 2024માં આ સ્થિતિ હતી
ગયા વર્ષે બજેટના દિવસે શેરબજાર પર નજર કરીએ તો 23 જુલાઈ 2024ના રોજ ઈન્ટ્રીમ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ તેમના ભાષણમાં કેપિટલ ગેઈન ટેક્સનો ઉલ્લેખ કરતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી અચાનક ક્રેશ થઈ ગયા હતા. બીએસઈ સેન્સેક્સ 1200 પોઈન્ટ ઘટ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી-50 ઈન્ડેક્સ 400 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. જોકે, બજાર બંધ થાય ત્યાં સુધીમાં મજબૂત રિકવરી જોવા મળી હતી, તેમ છતાં બંને ઈન્ડેક્ષ લાલ નિશાનમાં બંધ થયા હતા. 2023ના બજેટમાં શું થયું હતું?
2023માં બજેટના દિવસે શેરબજારની સ્થિતિ વિશે વાત કરીએ તો 1 ફેબ્રુઆરી, 2023ના રોજ BSE સેન્સેક્સ 1223 પોઈન્ટના ઉછાળા સાથે 60,773 ના સ્તરે પહોંચ્યો હતો, પરંતુ અંતે શરૂઆતી ચઢાવ ગુમાવતાં માત્ર 158 પોઈન્ટના વધારા સાથે 59,708 અંક પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી 46 પોઈન્ટ ઘટીને 17,616.30 પર બંધ થયો હતો. 2021-22માં બજેટ વખતે જોરદાર તેજી જોવા મળી હતી
2022ની શરૂઆતમાં બજેટના દિવસે શેરબજારમાં જોરદાર તેજી આવી હતી. અને BSE સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન 1000 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, જોકે બજાર બંધ થયું ત્યારે તે 848 પોઈન્ટના વધારા સાથે 58,862 ના સ્તરે બંધ થયો હતો. તો એ વખતે NSE નિફ્ટી 237 પોઈન્ટના વધારા સાથે 17,577 ના સ્તરે બંધ થયો હતો. 2021ની વાત કરીએ તો બજેટના દિવસે આ વર્ષ શેરબજાર માટે ઉત્તમ સાબિત થયું હતું. સેન્સેક્સ 2300 પોઈન્ટ અથવા 5 ટકા વધીને 48,600 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 647 પોઈન્ટ વધીને 14,281 પર બંધ થયો હતો. બજેટના સપ્તાહ દરમિયાન ભારે ઉતાર-ચઢાવ
હાલની વાત કરીએ તો બજેટના એક સપ્તાહ પહેલાંથી જ સેન્સેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ખરાબ રીતે તૂટી પડ્યા હતા, પરંતુ અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે બંને ઈન્ડેક્સ ઉછળતા જોવા મળ્યા હતા. જોકે, બજેટના દિવસે શેરબજાર કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છે.