પોરબંદર મહાનગર પાલિકા થતા દિગ્વિજય ગઢ ગામનો પણ મનપામાં સમાવેશ થયો છે ત્યારે વનાણા ટોલનાકું મનપાની હદમાં આવતું હોવાથી દિગ્વિજય ગઢ પછી કોઈપણ સ્થળે ટોલનાકું ખસેડવા મનપાએ ઓથોરિટી પત્ર લખી જણાવ્યું છે. પોરબંદરમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તકનું ટોલનાકું વનાણા પાસે આવેલ છે. પોરબંદર મહાનગર પાલિકામાં 4 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વનાણા અને દિગ્વિજય ગઢ ગામનો પણ સમાવેશ થયેલ છે. વનાણા ટોલનાકું પોરબંદર મહા નગર પાલિકા વિસ્તારમાં આવી જતા આ ટોલનાકું દિગ્વિજય ગઢ પછી કોઈપણ સ્થળે ખસેડવામાં આવે તે માટે મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા ઓથોરિટી પત્ર લખવામાં આવ્યો છે. મનપાના સિટી ઇજનેર જયદીપસિંહ રાણાએ જણાવ્યું હતુંકે, મનપાની હદમાં ટોલનાકું આવી જતા ઓથોરિટી પત્ર લખી જાણ કરી છે, જેમાં દિગ્વિજય ગઢ ખાતે મનપાના વાહનો તેમજ સિટીબસ શરૂ થશે, મનપા વિસ્તારમાં શહેરીજનો અવર જવર કરી શકે તે માટે કોઈ વાહનને ટોલ ટેકસ લાગતો નથી. ટોલનાકું દિગ્વિજય ગઢ પછીના વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવશે.