તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 2માંથી ટિકિટની દાવેદારી કરનાર જિલ્લા સંગઠન મંત્રી અનીતાબેન અભય પાટીલે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. અનીતાબેન પાટીલ અગાઉ સોનગઢ નગર સંગઠન મંત્રી તરીકે અને બે ટર્મ સુધી સોનગઢ નગર મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે વોર્ડ નંબર 2માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. જો કે, પાર્ટી દ્વારા આ બેઠક પર સંગીતાબેન પાટીલને ટિકિટ ફાળવવામાં આવતા અનીતાબેન નારાજ થયા હતા. છેલ્લી ઘડીએ તેમની ટિકિટ કપાતા અનીતાબેને નારાજગી વ્યક્ત કરતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ ઘટના સોનગઢ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવી રહી છે. સ્થાનિક નેતાગીરી દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી.