દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 15 જેટલા શખ્સે એક મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું હતું. આરોપીઓએ મહિલાને તેના ઘરમાંથી બહાર કાઢી, સાંકળથી બાંધી, અર્ધનગ્ન અવસ્થામાં ગાડી પાછળ બાંધીને આખા ગામમાં ફેરવી હતી. આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ગામમાં હાજર વડીલો અને મહિલાઓએ આ નિર્લજ્જ કૃત્યને કેમ રોક્યું નહીં. દોષિતોને કડકમાં કડક સજા કરવાની માગ
વસાવાએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, સરકાર મહિલા સુરક્ષાની માત્ર વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં રાજ્યમાં માતા-બહેન અને દીકરીઓ સલામત નથી. તેમણે આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. સાથે જ ધારાસભ્યે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા અને દોષિતોને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાને અંજામ આપવાનું વિચારે પણ નહીં. આ ઘટનાએ રાજ્યમાં મહિલા સુરક્ષાના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ પણ વાંચો : દાહોદમાં પરિણીતાને નિર્વસ્ત્ર કરી દોડાવી, VIDEO ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા ખાળે ગઈ છે : ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજે એક અત્યંત ગંભીર મુદ્દા પર સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલી સંજેલી તાલુકામાં એક મહિલાને 15 જેટલા ઈસમે ઘરમાંથી કાઢીને તેને સાંકળ વડે બાંધીને, ગાડી પાછળ બાંધીને આખા ગામમાં અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢ્યું હતું. આપણી બહેન-દીકરીઓ તાલિબાની સજાનો ભોગ બને છે : ચૈતર વસાવા
આ દુઃખદ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. એ ગામમાં વડીલો અને મહિલાઓ પણ હશે તો પણ આટલું નિર્લજ્જ કામ કરનાર વ્યક્તિને કોઈએ રોક્યો કેમ નહીં? ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાળે ગઈ છે. સરકાર મહિલા સલામતીની માત્ર વાતો જ કરે છે, પરંતુ રોજે રોજ પેપરમાં જોઈએ છીએ કે, ગુજરાતમાં આપણી માતા, બહેન અને દીકરીઓ સલામત નથી. આપણા દેશમાં આજની તારીખમાં પણ આવી તાલીબાની સજાઓનો ભોગ આપણી બહેન-દીકરીઓ બને છે. કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માગ
સરકાર સમક્ષ અમારી માગ છે કે, આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એ તમામ જવાબદાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે. આ તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે, જેના કારણે એક દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ આ રીતની ઘટનાને અંજામ આપવાનું વિચારે પણ નહિ.