બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને એક ઇનિંગ્સ અને 242 રને હરાવ્યું હતું. કાંગારૂ ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. બીજી ટેસ્ટ 6 ફેબ્રુઆરીથી ગાલેમાં રમાશે. શનિવારે મેચના ચોથા દિવસે પ્રથમ સેશનમાં શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ 654/6ના સ્કોર પર ડિકલેર કર્યો હતો. આ રીતે શ્રીલંકાને 489 રનથી પાછળ રહીને ફોલોઓન રમવાની ફરજ પડી હતી. ત્યાર બાદ ટીમ બીજા દાવમાં 247 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ચોથા દિવસે શ્રીલંકાની 15 વિકેટ પડી
ચોથા દિવસે, શ્રીલંકાએ તેનો પ્રથમ દાવ 136/5ના સ્કોર સાથે આગળ વધાર્યો હતો. દિનેશ ચાંદીમલે 63ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું અને કુસલ મેન્ડિસે 10 રનના સ્કોરથી શરૂઆત કરી. ટીમ માત્ર 165 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ કુહનેમેને 5 વિકેટ લીધી હતી. નાથન લાયને 3 અને મિચેલ સ્ટાર્કને 2 વિકેટ મળી હતી. બીજી ઇનિંગમાં 55 ઓવર પણ ચાલી શકી નહીં
શ્રીલંકાએ પણ ચોથા દિવસે જ તેનો બીજો દાવ શરૂ કર્યો હતો. ટીમ 54.3 ઓવર રમીને 247 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મિડલ ઓર્ડરમાં પાંચ બેટર્સને સારી શરૂઆત મળી હતી, પરંતુ કોઈ પણ બેટર મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. અંતમાં જેફરી વેન્ડરસેએ 53 રન બનાવ્યા હતા. હોમ ટીમના પાંચ ખેલાડીઓ 10 રનનો આંકડો પણ પાર કરી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બીજા દાવમાં મેથ્યુ કુનહેમેન અને નાથન લાયને 4-4 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક અને ટોડ મર્ફીએ 1-1 વિકેટ લીધી હતી.