સંગીતકાર ઇસ્માઇલ દરબારની માતાના મોતને લઈને 16 વર્ષથી ચાલતા તબીબી બેદરકારીના કેસમાં આજે તેમણે જુબાની આપી હતી. પોલીસે ચાર્જશીટમાંથી જે બે ડોક્ટરોના નામ કાઢી નાખ્યા હતા, તેમના વિરુદ્ધ તેઓએ જુબાની આપી અને સમગ્ર ઘટનાક્રમ અંગે જણાવ્યું. જુબાની આપ્યા બાદ તેઓ ભાવુક થયા અને કહ્યું કે, ‘મેં મારી માતાને ગુમાવી દીધી છે. તેમની બેદરકારીના કારણે મારી માતાનું મૃત્યુ થયું. હું ન્યાય માટે આવ્યો છું.’ હોસ્પિટલમાં સારવાર દરમિયાન માતાનું મોત થયું
1 ફેબ્રુઆરીએ મળેલા સમન્સ અનુસાર, તેઓ કોર્ટમાં સાહેદ તરીકે હાજર રહ્યા, જ્યાં તેમના વકીલ કેતન રેશમવાલા ઉપસ્થિત રહ્યા હતા. 17 જાન્યુઆરી 2009ના રોજ માતા જેતુનબીબી ગિરીશ ગ્રુપ હોસ્પિટલમાં દાખલ થયા બાદ આઈસીયુમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પરિવારે ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ કરી હતી. ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર મૂકી દીધા
16 વર્ષ પહેલાં ઈસ્માઈલ દરબારની માતા જેતુનબીબીને અચાનક તાવ આવ્યો હતો. ઈસ્માઈલ દરબારે તેમને તાત્કાલિક ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં હાજર ડોક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. કમરમાં દુખાવો થતાં, ડોક્ટરો દ્વારા તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈસ્માઈલ દરબાર દ્વારા આરોપ કરવામાં આવ્યો છે કે, જ્યારે તેમની માતા ICUમાં હતી, ત્યારે કમરના દુખાવા દૂર કરવા માટે બે હોટ બેગ તેમના પેટના અને કમરના ભાગે મૂકવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટર અને સ્ટાફના લોકો તે બેગ કલાકો સુધી હટાવી નહોતાં, જેના કારણે તેમની માતાની કમર અને પીઠ બળી ગઈ હતી. આરોપ છે કે, હોટ બેગ આખી રાત કમરના ભાગે રાખવામાં આવી હતી, જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ અને ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર મૂકી દીધા. ડોક્ટરની બેદરકારીને કારણે માતા કોમામાં ચાલી ગઈ હતી
20 દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર રહ્યા. તેમની સારવાર ગિરીશ શાહ અને આશિષ જ્યોતિ સહિત 10થી વધુ ડોક્ટરો અને નર્સ દ્વારા કરવામાં આવી રહી હતી. ઈસ્માઈલ દરબારે આ આરોપ મૂક્યો છે કે, ડોક્ટરોની બેદરકારી અને યોગ્ય સારવાર ન આપવાના કારણે તેમની માતા કોમામાં ચાલી ગઈ હતી. બે ડોક્ટરોના નામ કાઢી નાખ્યા હતા
જ્યારે તેમની માતા જીવિત હતી અને વેન્ટિલેટર પર હતી, ત્યારે તેમણે આ અંગે FIR પણ નોંધાવી હતી. માતાના મૃત્યુ બાદ, પોલીસે IPCની કલમ 304 લાગુ નહોતી કરી, જેને કારણે આખો મામલો વિવાદમાં આવ્યો હતો. એટલું જ નહીં, ઈસ્માઈલ દરબારના વકીલ કેતન રેશમવાલાના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી, ત્યારે ગિરીશ શાહ અને આશિષ જ્યોતિના નામ કાઢી નાખ્યા હતા. ઈસ્માઈલ દરબાર જુબાની આપવા માટે કોર્ટમાં હાજર થયા
જોકે, 16 વર્ષ બાદ, જ્યારે ઈસ્માઈલ દરબાર જુબાની આપવા માટે કોર્ટમાં હાજર થયા, ત્યારે તેમણે બંને ડોક્ટરો વિરુદ્ધ સાક્ષી આપી અને પુરાવાઓ રજૂ કર્યા. તેમને આશા છે કે, આ પુરાવા અને નિવેદનના આધારે બંને ડોક્ટરોને સજા મળશે. મારી માતાને ગુમાવી છે
સંગીતકાર ઈસ્માઈલ દરબારએ જણાવ્યું હતું કે, “જે ગુનાના કારણે મેં મારી માતાને ગુમાવી છે, તે ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલના ડોક્ટર આશિષ શાહ અને અન્ય જવાબદાર ડોક્ટરોના કારણે થયું છે. હું ઈચ્છું છું કે કાયદો મને ન્યાય આપે. 16 વર્ષ થઈ ગયા, પણ મને વિશ્વાસ છે કે ન્યાય મળશે.” મેડિકલ નેગ્લિજન્સના પુરાવા રેકોર્ડ પર છે
એડવોકેટ કેતન રેશમવાલાએ જણાવ્યું હતું કે, “ડોક્ટરની બેદરકારીના કારણે ઈસ્માઈલ દરબારની માતાનું મૃત્યુ થયું. આ મામલે ગુનો દાખલ થયો હતો, જેમાં ઈસ્માઈલભાઈ સાક્ષી છે. આ કેસમાં તેઓ આજે જુબાની આપવા આવ્યા છે. તેમની સાક્ષી દ્વારા સ્પષ્ટ થયું છે કે ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલના ડોક્ટર આશિષ જોષી, ડોક્ટર ગિરીશ શાહ, પંકજ ભજીયાવાળા અને સ્ટાફ સહિત નર્સોની બેદરકારીના કારણે આ ઘટના બની.” “મેડિકલ નેગ્લિજન્સના પુરાવા રેકોર્ડ પર છે, પરંતુ પોલીસ દ્વારા ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ અને આશિષ જોષી સહિત અન્ય જવાબદાર ડોક્ટરોને આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા નથી. અમે વારંવાર લેખિત ફરિયાદ કરવા છતાં, તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. આજે ઈસ્માઈલભાઈએ કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કર્યા છે. ન્યાય માટે, અમે કોર્ટ સમક્ષ ક્રિમિનલ કન્સ્પિરસી સહિત IPC કલમ 304નો સમાવેશ કરવાની કાનૂની કાર્યવાહી કરી રહ્યા છીએ.”