મ.સ.યુનિ.માં વડોદરા બહારથી આવતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. બોય્ઝ હોસ્ટેલના સરદાર પટેલ હોલમાં વિદ્યાર્થીઓને છ મહિનાથી પ્રાથમિક પાયાની સુવિધા નથી મળી રહી. હોસ્ટેલમાં આવેલા વોશરૂમ દરવાજા વિહોણા તેમજ બાથરૂમમાં દરવાજાને બંધ કરવામાટે સ્ટોપર પણ નથી. જેના કારણે વિદ્યાર્થીઓને અગવડ પડી રહી છે. આ સંદર્ભે એબીવીપી દ્વારા ચીફ વોર્ડનને રજૂઆત કરી વહેલી તકે આ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એબીવીપીના વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે, બોય્ઝ હોસ્ટેલના સરદાર પટેલ હોલમાં રહેતા વિદ્યાર્થીઓને રોજ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં તેઓ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. અહીં રહેતા વિદ્યાર્થીઓને નાહવા જાય તો દરવાજાને સ્ટોપર પણ નથી જેથી ટેકો આપી નાહવા જવું પડતું હોય છે. વોશરૂમ જવું હોય છે તો તેમાં દરવાજા જ નથી. જેથી તેઓને તેના કારણે ઘણી તકલીફ ઉઠાવી પડી રહી છે. તેમજ પૂર બાદ બાથરૂમની ટાઇલ્સ ઊખડી ગઇ હોવાથી હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીઓ સ્ટોપર અને દરવાજા વગર વોશરૂમ અને નાહવા જવા મજબૂર થઇ રહ્યા છે. અમે ચીફ વોર્ડન વિજય પરમારને રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું હતું. જેના માટે એબીવીપીના 45થી પણ વધારે વિદ્યાર્થીઓએ ચીફ વોર્ડનની ઓફિસમાં બેસી નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વાઇફાઇથી પણ વંચિત
હોસ્ટેલના સંયોજક ઋષિત શિવહરેએ જણાવ્યું હતું કે, બહારથી આવી મ.સ.યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ અહીંની હોસ્ટેલમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે. પણ તેઓને પ્રાથમિક પાયાની સુવિધાથી વંચિત છે. તેઓ પીજીના મોંઘાદાટ ભાડાને કારણે સારી સુવિધા મળે તે માટે હોસ્ટેલની પસંદગી કરતા હોય છે અને બીજી તરફ તેઓના વોશરૂમની આવી ખસ્તા હાલત જોવા મળતી હોય છે. તેઓને 24 કલાક વાઇફાઇ પણ મળી નથી રહ્યું. જેથી અમે એબીવીપી સંગઠનના વિદ્યાર્થીઓ સાથે મળી ચીફ વોર્ડનની ઓફિસમાં તેઓએ જ્યાં સુધી આ બધી સમસ્યાના નિરાકરણની બાંહેધરી ન આપી ત્યાં સુધી ત્યાંજ બેસી રહ્યા હતા.