ગોધરા શહેરમાં રહેતી પુત્રી શ્રવણ બની માતાની અંતિમઈચ્છા પૂર્ણ કરવા માતાને પ્રયાગરાજ કુંભમેળામાં લઈ ગઇ હતી. જો કે, મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પરત ફરતી વખતે માતાએ વડોદરા અને ગોધરા વચ્ચે દેહ છોડ્યો હતો. માતાની અંતિમઇચ્છા પૂર્ણ થતાં માતાએ ‘ઓમ નમ: શિવાય’ કહી અનંતની યાત્રા પકડી, તો દીકરીએ દીકરો બનીને માતાને મુખાગ્નિ આપ્યો હતો. મહાકુંભમાં સ્નાન કરી પરત ફરતાં અંતિમશ્વાસ લીધા
પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સ્નાન કરીને પરત ફરતી વખતે એક માતાએ અંતિમશ્વાસ લીધા હોવાની કરુણ ઘટના સામે આવી છે. ગોધરા શહેરના રહેવાસી કોમલબેન ઠાકર તેમના 76 વર્ષીય માતા હંસાબેન ઠાકરને કુંભમેળામાં લઈ ગયા હતા. પુત્રીએ શ્રવણકુમારની જેમ માતાની ધાર્મિક યાત્રાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ યાત્રા કરાવી હતી. કોમલબેન અને તેમની માતાએ પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા બાદ અયોધ્યા, છૈપેયા અને કાશી જેવા પવિત્ર સ્થળોની મુલાકાત લીધી હતી. યાત્રા પૂર્ણ કરી તેઓ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા. વડોદરાથી ગોધરા જવા માટે ઇકોવાનમાં મુસાફરી દરમિયાન અચાનક હંસાબેનનું અવસાન થયું હતું. ‘માતાની ઈચ્છા હતી કે, તેઓ કુંભમાં સ્નાન કરે’
હંસાબેનની ઈચ્છા હતી કે, તેઓ કુંભમેળામાં સ્નાન કરે. જે તેમની પુત્રીએ પૂર્ણ કરાવી, પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. પવિત્ર સ્નાન કરીને પરત ફરતી વખતે માતાએ અંતિમશ્વાસ લીધા હતા. આ ઘટનાએ સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. માતા ભલે ઘરે ન પહોંચ્યા, પરંતુ તેમની અંતિમઈચ્છા પૂર્ણ થઈ અને તેઓ અનંતની યાત્રાએ નીકળી ગયા. ઓમ નમ: શિવાય કહી વડોદરા-ગોધરા વચ્ચે દેહ છોડ્યો
કોમલબેન ઠાકર સાથે વાત કરતા જાણવા મળેલી વિગત મુજબ, કોમલબેન ઠાકર પોતાની માતાને પ્રયાગરાજના કુંભમેળામાં સ્નાન કરવા માટે લઈ ગયા હતા, જ્યાં તેઓ અલગ-અલગ ધાર્મિક સ્થળોએ ફરી પરત પોતાના વતન ગોધરા ટ્રેન મારફતે આવી રહ્યા હતા. જે દરમિયાન વડોદરા ઉતર્યા બાદ તેઓ ખાનગી ઇકો વાનમાં ગોધરા પરત આવી રહ્યા હતા. ત્યારે, માતાને ચા પીવાનું મન થતાં દીકરી કોમલને કહ્યું હતું કે, મારે ચા પીવી છે. જેથી દીકરી કોમલે રસ્તામાં ઇકોવાન ઊભી રાખી અને હંસાબેન ઠાકરને ચા પીવડાવી હતી. હંસાબેન ચા પીધા બાદ ‘ઓમ નમઃ શિવાય’ કહી ઊંઘી ગયા હતા. દીકરીએ માતાને કાંધ આપી અંતિમક્રિયા કરી
આ દરમિયાન લગભગ ગોધરામાં આવી ગયા ત્યારે, દીકરીએ કહ્યું કે, મમ્મી ઘર આવી ગયું છે. પરંતુ, હંસાબેન કંઈ બોલચાલ ના કરતાં તેઓ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલના ડોક્ટરને ઘરે બોલાવી તપાસ કરાવી હતી. ડોક્ટરે ચેક કરતાં તેઓના ઘર પરિવારને કહ્યું કે, હંસાબેન ઠાકર હવે આ દુનિયામાં રહ્યા નથી. માતાના અચાનક અવસાન બાદ દીકરીએ પોતાની માતાને કાંધ આપી અંતિમક્રિયા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આઠ મહિના પહેલાં જ હંસાબેન ઠાકરના પતિ અવસાન પામ્યા હતા. આમ માતા અને પિતાના અણધારી વિદાય લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.