‘દીકરા નિકુંજના બદલે હું ચાલ્યો ગયો હોત તો સારું હોત. અત્યારે અમારો દિવસ જાય તો રાત નથી જતી, રાત જાય તો દિવસ પસાર નથી થતો. ઘર સ્મશાન જેવું લાગે છે. હીરાનું કામ છૂટી જતાં દીકરો પેટ્રોલપંપવાળા પાસે કામ માગવા ગયો તો ‘અમે હીરાઘસુંને નથી રાખતા’ કહીને ના પાડી દીધી. અમારો એકને એક જુવાનજોધ દીકરો ચાલ્યો ગયો.’ ‘હીરાનું કામ છૂટી જતાં પતિ ચિંતામાં રહેતા. વારંવાર એવું કહ્યા કરતા કે ઘર કેવી રીતે ચલાવીશું? ખાવાનાં પણ ફાંફાં હતાં. દીકરા-દીકરીની ફી ન ભરતા સ્કૂલમાંથી દબાણ આવતું કે ફી ક્યારે ભરશો? એક દિવસ દીકરાને બહાર રમવા મોકલી મારા પતિએ ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઈ લીધો. તેમના ગયા પછી કેવી રીતે જીવવું? શું કરવું? કંઈ સમજ નથી પડતી. આ તો જેની ઉપર વીતે એને ખબર પડે.’ આ રડાવી દેતા શબ્દો છે દીકરો ગુમાવનાર માતા-પિતા તેમજ નાની ઉંમરમાં વિધવા બનેલી યુવતીના. આ બંને હતભાગીને હીરાની મંદી ભરખી ગઇ છે. વાત ખાલી બે પરિવારોની નથી. હીરા ઉઘોગના એપી સેન્ટર સુરતમાં મંદીએ છેલ્લા 1 વર્ષમાં 49 અને છેલ્લાં બે વર્ષમાં 70થી વધુ રત્નકલાકારના જીવ લઇ લીધા છે. મંદીએ એવો ભરડો લીધો છે કે 3-4 દિવસ પસાર ન થાય કે કોઇ ને કોઇ રત્નકલાકારે જીવનલીલા સંકેલી લીધાના સમાચાર આવી રહ્યા છે. 50 વર્ષની સૌથી મોટી મંદીનો સામનો કરી રહેલા સુરતમાં સ્થિતિ ખૂબ ડરામણી છે, જેની ગંભીરતા તમને ગુજરાતની અન્ય જગ્યાએ બેઠાં-બેઠાં નહીં સમજાય. દિવ્ય ભાસ્કરની ટીમે સુરતમાં 5 દિવસ અલગ અલગ જગ્યાએ ફરીને 5 એપિસોડની આ ખાસ સિરીઝ તૈયાર કરી છે. રત્નકલાકાર, તેમના પરિવાર, વેપારી, હીરા દલાલ, નાના કારખાનેદારની વ્યથા જાણી હતી. જેમાં ખૂબ ચોંકાવનારી અને આંખ ઉઘાડતી માહિતી સામે આવી હતી. આજે પહેલા એપિસોડમાં વાંચો સુરતની મંદીએ જેમના પરિવારને વેર-વિખેર કરી નાખ્યા છે તેમની ભાવુક કરી દેતી કહાની. અમે સુરતના અમરોલી વિસ્તારની યોગીકૃપા સોસાયટીમાં રહેતા જયંતીભાઈ ટાંકના ઘરે પહોંચ્યા. બારણું ખખડાવ્યું તો જયંતીભાઈએ આવો કહીને આવકાર આપ્યો. અમે જેવા ઘરમાં દાખલ થયા કે દીવાલ પર સુખડની માળા ચડાવેલી એક તસવીર હતી. તે જયંતીભાઇના 28 વર્ષીય દીકરા નિકુંજ ટાંકની તસવીર હતી. જેણે પાંચ મહિના પહેલાં જ આ દુનિયાને અલવિદા કહી હતી. જયંતીભાઈની સાથે નીચે બેસીને અમે વાતો શરૂ કરી પણ જયંતીભાઈ વાતોની સાથે માવા બનાવવામાં વ્યસ્ત હતા. હવે તો આ જ તેમની રોજીરોટી હતી. ઘરે કાચો સામાન લાવી જયંતીભાઈ માવાનું પેકિંગ કરે છે. પછી રોડ પર રોજ 5 કલાક ઊભા રહીને વેચે છે. જેમાંથી તેમને રોજના 70થી 75 રૂપિયા મળી રહે છે અને તેનાથી તેમનું ઘર ચાલે છે. હાલ માવા-મસાલા વેચીને ગુજરાન ચલાવીએ છીએ
વાતની શરૂઆત કરતાં જયંતીભાઈ ટાંકે કહ્યુ, ‘અમારું મૂળ ગામ જામનગર જિલ્લાના જોડિયાની બાજુમાં આવેલું બોડકા ગામ છે. સુરતમાં આવ્યાને મારે કમસે કમ 50 વર્ષ થયાં. હું પહેલા કડિયાકામ કરતો. મને છેલ્લાં 15 વર્ષમાં બે હાર્ટ-અટેક આવી ચૂક્યા છે. એ પછી કંઇ કામ થતું નહોતું. પરિવારમાં મારા સિવાય પત્ની મુક્તાબેન, પુત્રવધૂ જનકબેન, દોઢ વર્ષની પૌત્રી મહિકા છે. એકનો એક દીકરો નિકંજુ હતો તેણે પણ થોડા દિવસ પહેલાં આપઘાત કરી લીધો. એટલે હાલ માવા-મસાલા વેચીને ગુજરાન ચલાવીએ છીએ.’ ‘અમે હીરા ઘસુ ને નથી રાખતા’ એમ કહીને પેટ્રોલપંપવાળાએ ના પાડી દીધી
દીકરાને યાદ કરતાં જ જયંતીભાઈ ટાંકની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. થોડીક ક્ષણો મૌન રહ્યા બાદ આગળ બોલ્યા, ‘મારો દીકરો 28 વર્ષનો હતો. 10મું ધોરણ પાસ કર્યા પછી તે હીરા ઘસવાનું કામ કરતો. એ કતારગામ આશ્રમ તરફ હીરા ઘસતો, જેમાં એ મહિને 18-20 હજાર પગાર પાડતો પણ તેનું કારખાનું બંધ થઇ ગયું. પછી કામ શોધવા એ હીરાના કારખાનામાં રખડતો પણ હીરાનું કામ ન મળતાં અન્ય કામ શોધવા લાગ્યો હતો. મને એક દિવસ આવીને કહે, ‘અહીંયા એક પેટ્રોલપંપ છે ત્યાં કામ માગવા જાઉં છું.’ મેં કહ્યું, ‘જઇ આવ. પગાર ભલે જે મળે એ પણ તારું મગજ ફ્રેશ રહેશે.’ તે પેટ્રોલપંપ પર મળવા ગયો. ત્યાં તેને પૂછ્યું કે તું શું કરે છે? દીકરાએ કહ્યું, ‘હું હીરા ઘસું છું.’ તો પેટ્રોલપંપવાળાએ જવાબ આપ્યો, ‘અમે હીરાઘસુને નથી રાખતા.’ એમ કહીને એને ના પાડી દીધી.’ તેમણે કહ્યું, ‘દીકરો નિકુંજ ચારેક મહિનાથી ઘરે હતો. એની પત્ની ટ્યૂશન કરાવતી. એમાં અમારું ઘર ચાલતું. બાકી મારી કે એની પાસે કોઇ કામ નહોતું. અમને પહેલાં કોઇ અણસાર જ નહોતો કે તે આવું પગલું ભરવાનો છે. બજારમાં મંદી છે એવી વાતો કરતો. હું તેને કહેતો કે મને ખબર છે બેટા. કામ મળે તો શોધ, બાકી કોઇ વાંધો નહીં. બે-ચાર મહિના ભલે ઘરે બેસવું પડે. આપણે ગમે તેમ કરીને ચલાવી લઇશું પણ તેના મનમાં શું ચાલતું હોય એ આપણને કેમ ખબર પડે?’ પૌત્રી સાથે ગઈ હોત તો મારો પુત્ર જીવતો હોત
‘એ દિવસે બપોરના ત્રણ વાગ્યે અમે ઘરમાં નીચે બેઠા હતા. મારી બે દીકરી પણ તેના સાસરેથી રોકાવા મારે ઘરે આવી હતી. અમે બધા સાથે જમ્યાં. એ પછી દીકરો નિકુંજ બહાર ગયો. થોડી વાર પછી પાછો આવ્યો. તેની દોઢ વર્ષની દીકરી હીંચકામાં હીંચકતી હતી. નિકુંજે કહ્યું, ‘લાવો પપ્પા હું તેને રમાડવા ઉપર લઇ જઉં છું.’ પણ તેની દીકરીએ સાથે જવાની ના પાડી. એટલે નિકુંજ કહ્યું, ‘પપ્પા, આ આવતી નથી. એટલે તેને હીંચકામાં સૂવા દો. હું એકલો જ ઉપરના રૂમમાં જઉં છું.’ એટલે મેં દીકરાને કહ્યું, ‘ઉપર રૂમમાં સૂવા ન જવું હોય તો અહીં નીચે સોફામાં જ સૂઇ જા ને.’ એટલે નિકુંજે કહ્યું, ‘ના ના પપ્પા હું ઉપર જ જઉં છું.’ જો એ દિવસે તેની દીકરી સાથે ગઇ હોત તો કદાચ તેનું મોઢું જોઇને તેણે આવું ન કર્યું હોત.’ ‘દીકરો ઉપરના રૂમમાં સૂવા ગયો તેને માંડ 15 મિનિટ થઇ છે. મારી દીકરીઓ આંટો મારવા ઘરે આવેલી જ હતી. એટલે મારી પત્નીએ મારી નાની દીકરી પૂજાને કહ્યું, ‘જા તો ખરી, ભાઇ ઉપર શું કરે છે? સૂતો છે કે પછી મોબાઈલ જુએ છે?’ પછી દીકરી ઉપર ગઇ તો તેનો ભાઈ અને મારો દીકરો નિકુંજ ગળેફાંસો ખાઇને ટીંગાતો હતો. 15 મિનિટમાં જ આ બધું બની ગયું.’ એ સમયે મારી દીકરી પૂજાને છઠ્ઠો મહિનો ચાલતો હતો
‘અમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે તે આવું પગલું ભરી લેશે. દીકરી પૂજાને છઠ્ઠો મહિનો ચાલતો હતો. એ તો સારું થયું કે એ દાદરા પરથી પડી નહીં. તેને ખૂબ આઘાત લાગ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ડૉક્ટરોએ કહ્યું હતું કે જો એ બે કલાકમાં નહીં રડે તો તકલીફ પડશે. પણ થોડા સમય પછી એ ભાઇને યાદ કરીને ખૂબ રડી. ડોક્ટરોએ કહ્યું કે બહેનને રડવા દો. પછી એને સારું થયું.’ જયંતીભાઇ ટાંકે ઘણા સમયથી રોકી રાખેલો ડૂમો બહાર આવ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. ધ્રૂજતા અવાજે બોલ્યા, ‘દીકરા નિકુંજના બદલે હું ચાલ્યો ગયો હોત તો સારું હોત. તેને એવો તો વિચાર આવત કે મારા પપ્પા નથી તો મમ્મીનું કોણ? પણ મારી જગ્યાએ એણે આ પગલું ઉપાડી લીધું. અત્યારે અમારો દિવસ જાય તો રાત નથી જતી, રાત જાય તો દિવસ પસાર નથી થતો.’ ‘દીકરો જીવતો ત્યારે કહેતો કે તમારે કંઇ કરવાનું નથી. હું બેઠો છું ને. તે મને વારંવાર કહેતો કે ટેન્શન ન લેતા પપ્પા. હું બધો ભાર ઉપાડી લઇશ. તેનો સ્વભાવ થોડો કડક હતો, પણ સીધો અને દયાળુ હતો. ખિસ્સામાં પૈસા પડ્યા હોય તો મને અવારનવાર કહેતો લો પપ્પા આ પૈસા રાખો.’ ઘરનો ખર્ચો કાઢવા કંઇક તો કરવું પડે ને
‘દીકરાના ગયા પછી તો અમારી આર્થિક હાલત સાવ બગડી ગઇ છે. મસાલા બનાવીને હાલ ગુજરાન ચલાવું છું. સોપારી સહિતનો કાચો માલ લાવી ઘરે માવાનું પેકિંગ કરું છું. પછી કતારગામ રોડ, આશ્રમ પાસે સવારે 7થી 10 વાગ્યા સુધી ઊભો રહીને માવા વેચું છું. એક માવો વેચું તો 1 રૂપિયો મળે છે. ક્યારેક 70 માવા વેચાય ક્યારેક 75 વેચાય. માવા સાથે વિમલ વેચું તો કુલ રોજના 100 રૂપિયા જેટલું મળે. ઘરનો ખર્ચો કાઢવા કંઇક તો કરવું પડે ને.’ ‘આ ઘર માટે 4 લાખની લોન લીધી છે અને બધું થઈને અમારે 8 લાખ ભરવાના છે પણ બેંક સાથે 2.30 લાખમાં સેટલમેન્ટ કર્યું છે. ત્રણ હપ્તામાં બેંકને પૈસા આપવાના છે. હવે એ જ વિચારીએ છીએ છીએ કે ત્રણ મહિનામાં શું કરશું? ક્યાંથી કેવી રીતે આપીશું?’ કોઇ હીરાના કારખાના માલિકો મદદ માટે આવ્યા નથી
‘દીકરાના ગયા પછી કોઇ હીરાના કારખાના માલિકો મદદ માટે આવ્યા નથી. રત્નકલાકાર યુનિયનમાંથી ભાવેશભાઈ ટાંકે બહુ મદદ કરી છે. એ સિવાય અઠવાડિયા પહેલાં એક ભાઈ અને તેમના માતા 15 હજાર રોકડ આપી ગયાં હતાં. અમુક સેવાભાવી સંસ્થાઓએ કરિયાણાની કિટ આપી છે.’ અમારી આ વાતચીત દરમિયાન ત્યાં હાજર જયંતીભાઈ ટાંકનાં પત્ની મુક્તાબેન સતત દીકરાના ફોટો સામે જોયા રાખતા હતા. અમે તેમની સાથે જેવી વાત શરૂ કરી કે તેમની આંખોમાં આંસુઓનો દરિયો ઉભરાઈ આવ્યો. સતત 5 મિનિટ સુધી રડ્યાં. તેમને પાણી પીવડાવી શાંત કર્યાં. પછી દીકરા વિશે બોલ્યાં. દીકરાની બહુ યાદ આવે છે
મુક્તાબેન ટાંકે કહ્યું, ‘મારા નિકુંજને વડાપાંઉ બહુ ભાવતા. મારી દીકરી એટલે કે તેની બહેનનું સીમંત હતું ત્યારે તેણે કહ્યું હતું કે મમ્મી હું બહેનને 2 હજાર રૂપિયાની સાડી લઇ આપીશ અને તેણે લઇ પણ આપી હતી. દીકરાની બહું યાદ આવે છે. ઘર સ્મશાન જેવું લાગે છે.’ જયંતીભાઈ ટાંકને મળ્યા પછી અમે કતાર ગામની કુંજલ ગલીમાં રહેતાં વૈશાલીબેન પટેલને મળ્યા. તેમના પતિ નીતિનભાઈએ બે વર્ષ પહેલાં હીરાની મંદીથી કંટાળીને જીવન ટૂંકાવી લીધું હતું. હાલ 8 ફૂટ લાંબા અને 6 ફૂટ પહોળા એક રૂમમાં વૈશાલીબેન અને તેમનાં દીકરા-દીકરી સાથે રહે છે. પતિ સતત ચિંતામાં રહેતા
વૈશાલીબેન પટેલે વાતચીત શરૂ કરતા કહ્યું, ‘મારા વર્ષ 2011માં મેરેજ થયા હતા. મારા પતિ લગ્ન પહેલાંથી હીરા ઘસવાનું કામ કરતા. છેલ્લે તેમનો મહિનાનો 15 હજાર પગાર હતો. કપાઈને 12 હજાર આવતા. તેમના કામની કોઇ ફિક્સ જગ્યા નહોતી. એક જગ્યાએ છૂટા કરે તો બીજી જગ્યાએ શોધતા. બે વર્ષ પહેલાં મંદીના કારણ ઘરે જ હતા. વારંવાર એવું કહ્યા કરતા કે ઘર કેવી રીતે ચલાવીશું. નોકરી નથી અને માથે થોડું દેવું પણ હતું. તેઓ સતત ચિંતામાં રહ્યા કરતા હતા. અનાજ-પાણી, છોકરાઓની ફીની પણ તકલીફ થઈ ગઇ હતી. છ મહિના સુધી છોકરાઓની ફી નહોતી ભરી. સ્કૂલમાંથી દબાણ આવતું કે ફી ક્યારે ભરશો?’ ફરી બીજે નોકરી મળી જશે તમે ચિંતા ન કરો
‘ચાર મહિના બાદ તેમને એક જગ્યાએ હીરામાં નોકરી મળી ગઇ હતી. તેઓ બહુ ખુશ હતા. જોકે નોકરી શરૂ કર્યાને 15 દિવસ બાદ ફરી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. એ દિવસે તેઓ નાઇટમાં ગયા હતા. કારખાનામાં એક હીરો ખોવાઇ ગયો હતો. મેં સવારે નવ વાગ્યે ફોન કર્યો કે કેમ તમે હજુ આવ્યા નથી. એ કહે કે મારો એક ડાયમંડ ખોવાઇ ગયો છે. મને વાર લાગશે. તું ભગવાનને પ્રાર્થના કર કે મને ડાયમંડ મળી જાય. પછી ડાયમંડ મળી જતાં એ ઘરે આવી ગયા. ઘરે આવીને મને કહે કે મને ત્યાંથી નોકરીની ના પાડી દીધી છે. એટલે મેં તેમને દિલાસો આપ્યો કે ફરી બીજે નોકરી મળી જશે, તમે ચિંતા ન કરો. પતિને મદદરૂપ થવા મેં 2500 રૂપિયામાં પાર્ટ ટાઇમ નોકરી શરૂ કરી હતી. શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસવાનું કામ કરું છું.’ ‘એ દિવસે બપોરે બાર વાગ્યે અમે સાથે જમ્યાં. પછી મને કહે, ‘હું સૂઈ જઉં છું.’ મે કહ્યું, ‘સારું.’ એ દિવસે મારા મમ્મીનો ફોન આવ્યો હતો. અમારે બંનેને જવાનું હતું. પણ મેં પતિને કહ્યું, ‘તમે એકલા જઇ આવો. હું પછી આવું છું.’ તો મને કહે, ‘ના તું નોકરી પરથી આવ. પછી આપણે સાથે જઇશું.’ એ દિવસે પછી દીકરીને સ્કૂલેથી લઇ આવ્યાં. છોકરાઓને બહાર રમવા મોકલ્યાં. પછી અંદર રૂમમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો હતો. હું જોબ પર પહોંચી કે તરત ફોન આવ્યો કે આવું થયું. આ બધું મારા નાના છોકરાએ જોયું હતું. તેને દરવાજાના નાના કાણામાંથી પગ દેખાતા હતા. હિંમત કરીને એને આજુબાજુમાંથી બધાને બોલાવ્યા કે દરવાજો બંધ છે અને મારા પપ્પાના પગ લટકે છે. પાડોશીઓ આવ્યા. દરવાજો ખોલીને બોડી નીચે ઉતારી હતી.’ છેલ્લે અમે સાથે મંદિરે ગયાં હતાં
પતિ સાથેની છેલ્લી યાદગાર પળો અંગે પૂછતાં વૈશાલીબેનની આંખો ભીની થઇ ગઇ. થોડીવાર પછી સ્વસ્થ થઇને બોલ્યાં, ‘છેલ્લે અમે સાથે મંદિરે ગયા હતા. એ દિવસે અમે મંદિરે નહોતા જવાના. ચૈત્રી નોરતાં હતાં. સવારે જોબ પરથી આવીને મને કહે ચલ તૈયાર થા. આપણે મંદિર જવાનું છે. મે કહ્યું ના કામ બાકી છે. તો પણ મને જબરદસ્તી મંદિરે લઈ ગયા. એ કોઇ દિવસ મંદિરે નહોતા જતા. હું કાલાવાલા કરું કે ચાલો તો પણ કોઇ દિવસ ન આવે. પણ એ દિવસે ખબર નહીં એમને શું હતું કે મને અને છોકરાઓને ખેંચી ગયા. બપોરે મંદિરે જઈને આવ્યા. સાથે જમ્યાં. 2-3 દિવસ બાદ આવું પગલું ભર્યું.’ કેમ મારે શોખ નહીં કરવાનો?
‘એમને ગાડીનો શોખ હતો. કહેતા આપણે કમાઈશું તો ઘર અને ગાડી લઇશું. દોઢેક મહિનાથી રોજ સવારે અપ ટુ ડેટ તૈયાર થતાં, ગોગલ્સ ચડાવતા. હું એમને કહેતી કે કેમ આટલા બધા તૈયાર થાઓ છો? તો મને કહેતા કેમ મારે શોખ નહીં કરવાનો? ત્યારે મને આવી લાઇટ ન થઇ કે આ માણસ આવું કરશે. મારા ભાઇનો એક્સિડેન્ટ થયો ત્યારે દોઢ મહિનો એમણે જ તેની સેવા કરી હતી. પતિ તો એવું કહેતા કે જીવન જીવવાનું હોય મરવાનું નહીં. શું કામ મરી જવાનું? ભગવાને આપણને જન્મ આપ્યો છે તો. અમે અને એમના મિત્રો હજી વિચારીએ છીએ કે આ માણસે કેમ આવું પગલું ભર્યું?’ ‘અત્યારે પરિવારમાં હું અને દીકરી-દીકરો છીએ. બંને ભણે છે. મહિનાનો મારો 2500 રૂપિયા પગાર છે. ઘર નથી ચાલતું પણ અત્યારે મારાં મમ્મી-પપ્પાનો સપોર્ટ છે. પતિના ગયા પછી કેવી રીતે જીવવું, શું કરવું, કંઇ સમજ જ નથી પડતી. એ હતા ત્યારે હતું કે સપોર્ટ છે. હવે તો કોનો સપોર્ટ? એમના વગર જિંદગી જીવવી અઘરી છે. આ તો જેની ઉપર વીતે એને ખબર પડે.’ ત્યાર બાદ અમે સુરત ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ટાંકને મળ્યા હતા. જ્યાં તેમણે સુરતમાં રત્નકલાકારોની વાસ્તવિક સ્થિતિથી વાકેફ કર્યા હતા. કારીગરો માનસિક હતાશામાં છે
ભાવેશભાઈ ટાંકે કારીગરો માનસિક હતાશામાં છે કહ્યું, ‘મેં મારી લાઈફમાં આવી મંદી ક્યારેય નથી જોઇ. રત્નકલાકારોને ઘર ચલાવવામાં ખૂબ જ મુસીબત પડી રહી છે. ઘરમાલિકો ભાડાં ઓછા નથી કરતાં કે સ્કૂલો ફી ઓછી નથી કરતી. કારીગરોનો પગાર અત્યારે એટલો નથી પરંતુ બોધરેશન તેજીમાં હતું એટલું જ છે. પગાર 30થી 50% ઘટી ગયો છે. એના કારણે કારીગરો માનસિક હતાશામાં છે. અને સુસાઇડ પણ કરી રહ્યા છે. છેલ્લા 1 વર્ષમાં 49 કરતાં વધારે લોકોએ આપઘાત કર્યા છે. બે વર્ષનો આંકડો 70 કરતાં વધારે છે.’ મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી કેમ સહાય નહીં?
તેમણે આગળ કહ્યું, ‘સરકારને અમે વારંવાર વિનંતી કરીએ કે આત્મહત્યા કરતાં રત્નકલાકારના પરિવારને સહાય આપો પણ સરકારે હજી સુધી સહાય નથી ચૂકવી. વિજય રૂપાણીની સરકારમાં લઠ્ઠાકાંડ થયો હતો, એમાં 4-4 લાખની સહાય આપી હતી. તો કારીગરોએ શું ગુનો કર્યો છે? એમને મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી કેમ સહાય નથી આપતા? આ એ કારીગરો છે જેમણે ભૂજના ભૂકંપ કે ઉત્તરાખંડના પૂર ઉપરાંત ગુજરાતની કુદરતી કે માનવસર્જિત આફતો સામે લડવા માટે પોતાના પગારમાંથી સૌથી પહેલા મોટું ફંડ ઊભું કર્યું છે.’ સામાન્ય રીતે આપઘાતના કેસમાં અકસ્માતે મોત (એક્સિડેન્ટલ ડેથ)નો ગુનો દાખલ થતો હોય છે. ત્યારબાદ પોલીસ તપાસ થાય છે. સુરતમાં રત્નકલાકારના આપઘાતનો સત્તાવાર આંકડો જાણવા માટે અમે પોલીસનો સંપર્ક કર્યો હતો. સુરત કંટ્રોલ ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે મંદીના કારણે માણસે આત્મહત્યા કરી એવું પ્રસ્થાપિત ન કરી શકાય. આવતી કાલે વાંચો…સુરતના વરાછાના મિની બજાર, કપુરવાડી અને મહિધરપુરાના બજાર વિસ્તારના હીરાઘસુઓ, હીરા બ્રોકર અને કારખાનેદારોની દર્દભરી વાત…