શિયાળાની ઋતુમાં ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. વડોદરાઝાલા, સોડવ અને બરડા બંધારામાં સાઇબેરિયા, મધ્ય યુરોપ અને મોંગોલિયાથી આવેલા પક્ષીઓ મહેમાન બન્યા છે. આ પક્ષીઓમાં પેલિકન, ફ્લેમિંગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિત વિવિધ પ્રજાતિઓના છે, જે 4 માસ સુધી અહીં વેકેશન ગાળશે. વન વિભાગ દ્વારા આ પક્ષીઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઇ ઉઠ્યા
શિયાળો શરુ થતાં ગીર સોમનાથના વિશાળ સમુદ્રકાંઠા પરના બંધારાઓ પર યાયાવર પક્ષીઓનું આગમન થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશથી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે. ખાસ કરીને વડોદરાઝાલા, સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અનેક પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતાં ગીર સોમનાથના પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઇ ઉઠ્યા છે. પક્ષીઓના સ્વાસ્થ્ય-સુરક્ષા માટે ખાસ ટ્રેકર્સ ટીમ તહેનાત
રેન્જ ફોરેસ્ટર યોગેશ કલસરિયાએ જણાવ્યું હતું કે, સાઇબરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે. વિદેશી પક્ષીઓમાં પેલિકન, ફ્લેમિંગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિતની અલગ-અલગ પ્રજાતિના પક્ષીઓ શિયાળા દરમિયાન અહીં આવતા હોય અને પ્રજનન કરતાં હોય છે. મોટાભાગે યુરોપિય દેશો અને રસિયામાંથી પક્ષીઓ આવે છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. આ પક્ષીઓ અહીં ખોરાકની શોધમાં સ્થળાંતરિત થતા હોય છે. ખાસ કરીને ત્રણ-ચાર મહિના અહીં રહી પછી પરત ફરે છે. વન વિભાગ દ્વારા સતત ફૂટ પેટ્રોલીંગ
તેમણે વધુમાં જણાવ્યું કે, વન વિભાગ દ્વારા પરદેશી મહેમાન એવા આ પક્ષીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ખાસ ટ્રેકર્સ ટીમ તહેનાત કરવામાં આવી છે, જેના દ્વારા સતત ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવે છે. જેનાથી ખબર પડે કે, પક્ષીઓનું સ્વાસ્થ્ય કેવું છે, તેના માટે ખાસ પાંચ લોકોના સ્ટાફને અમે મોનિટરિંગ માટે મોકલીએ છીએ. આમ વન વિભાગની ટીમ અને ટ્રેકર્સ ટીમ દ્વારા સતત ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવે છે. જેનાથી અમને એ જાણવા મળે છે કે, કોઇ શિકારી પ્રવૃત્તિઓ તો નથી થતી ને. આ ઉપરાંત પક્ષીઓનું પ્રત્યક્ષ નિરિક્ષણ પણ કરવામાં આવે છે, જેમાં તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી મળી જાય છે. આ માટે અમારી ટીમ સતત કાર્યરત છે. પક્ષીપ્રેમીઓમાં અનેરો આનંદ
આ પક્ષીઓની વિશેષતા એ છે કે, કુંજ પક્ષી મગફળીનો પાક લણવાના સમયે આવે છે. પેલિકન અને ફ્લેમિંગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની-નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે. લાખોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓએ ગીર સોમનાથને પોતાનું હંગામી નિવાસસ્થાન બનાવ્યું છે, જે આ વિસ્તારની જૈવવિવિધતાનું મહત્વપૂર્ણ પાસું બની રહ્યું છે. યુરોપિયન પક્ષી બન્યાં આકર્ષણનું કેન્દ્ર
ઉલ્લેખનિય છે કે, બે મહિના પહેલાં પણ સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ અને દરિયાકિનારે વિદેશી પક્ષીઓનું આગમન થયું હતું. ઠંડીનું પ્રમાણ વધતાની સાથે સુંદર મજાના સીગલ પક્ષીનું આગમન થયું હતું. આ પક્ષીઓ સોમનાથ આવતાં યાત્રિકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. શિયાળાની શરૂઆત થતાં યુરોપ રશિયા સહિતના દેશોમાં ખૂબ જ બરફ પડવાને કારણે આ પક્ષીઓ ભારતના હુંફાળા વાતવરણમાં શિયાળા દરમિયાન આવે છે. આખા શિયાળા દરમિયાન ત્રિવેણી સંગમ અને દરિયાકિનારે વસવાટ કરે છે અને બચ્ચાંને જન્મ આપી તેનો ઉછેર કરે છે. ગરમીની શરૂઆત થતાની સાથે જ વિદાય લે છે. શિયાળો પૂર્ણ થતાં જ વતન રવાના થશે
આ બાબતે આર.એફ.ઓ પંપાણીયાએ જણાવ્યું હતું કે, આ સીઝનમાં યુરોપર અને રશિયાના દેશોમાં ખૂબ ઠંડી પડવાને કારણે બરફ જામી જાય છે, જેથી ભારતના દરિયા કિનારાના હુંફાળા વાતાવરણમાં શિયાળા દરમિયાન આ યાયાવર પક્ષીઓ અહીં આવે છે અને શિયાળો પૂર્ણ થતાં જ ફરી વતન રવાના થાય છે.