સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે હાઈફાઈ જિંદગી જીવવા માટે પોતાના જ ઘરની તિજોરી તોડી તેમાં રાખેલા રોકડા અને બહેનના કિંમતી ઘરેણા ચોરી લીધા હતાં. ચોંકાવનારી વાત એ છે કે, ચોરી થયાનું માલૂમ પડતાં પરિવારજનોને પોતાના જ ઘરના વ્યક્તિ પર શંકા ગઈ હતી. અંતે કાપોદ્રા પોલીસે આરોપીને યુવકને ગ્રાઇન્ડર મશિન સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પહેલેથી જ ચોરી કરવાથી ટેવાયેલો છે. અગાઉ તેના માતા-પિતાએ યુવકને ઘરેથી પણ હાકી કાઢ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે પરિજનોની પૂછપરછ કરી
સુરતના કાપોદ્રા વિસ્તારની અશોકવાટીકા સોસાયટીમાં 1 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 2:30થી રાત્રે 11:00 વાગ્યા સુધીમાં કોઈક વ્યક્તિએ ઘરના લોક ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરની અંદર જઈ લોખંડની તિજોરી તોડી તેમાં મુકેલા રૂ.10,000 રોકડા અને દોઢ તોલા વજનનો સોનાનો બ્રેસલેટ (કિંમત આશરે રૂ.1,20,000) ઉઠાવીને નાસી ગયો હતો. આ અંગેની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ તપાસ શરૂ કરી હતી. આરોપીને ઘરેથી પણ કાઢી મુકવામાં આવ્યો હતો
ચોરી થયા બાદ પરિવારજનોમાં આઘાત અને શંકાનો માહોલ છવાઈ ગયો. પોલીસે ફરિયાદીના સગા-સંબંધીઓ તથા સાહેદોની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની નજર ખાસ કરીને ફરિયાદીના દીકરા શુભમ માંગુકીયા તરફ ગઈ હતી. શંકા એ કારણે થઈ કે, શુભમની વર્તણૂક પહેલાથી જ શંકાસ્પદ હતી. તે અગાઉ પણ અનેકવાર ચોરી અને છેતરપિંડીના ગુનાઓમાં પકડાયો હતો અને લાંબા સમયથી ઘેર આવતો-જતો નહોંતો. શુભમ મોજ-શોખ માટે તે ઘણીવાર નાની-મોટી ચોરી કરતો, જેના કારણે તેના માતા-પિતાએ પણ તેને ઘેરથી બહાર કાઢી મૂક્યો હતો. પોલીસે આરોપીની ઝડપી મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે વધુ તપાસ કરતા ખબર પડી કે, શુભમ કાપોદ્રા વિસ્તારના નાના વરાછા ઢાળ પાસે છુપાઈને રહે છે. પોલીસએ તુરંત જ ત્યાં પહોંચી આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીની તપાસ કરતા તેની પાસેથી રૂ.1,43,950 કિંમતનો ચોરાયેલો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. આરોપી ભાડે ગાડી લઇ મોજ-શોખ કરી પૈસા ઉડાવતો
પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા કે, શુભમએ માત્ર પરિવારજનો સાથે નહીં, પણ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હતી. 2023માં જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી પણ રૂ.3,50,000ની છેતરપિંડી કરી હતી. એક મની ટ્રાન્સફરની દુકાનમાંથી ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાના બહાને રૂ.75,000ની છેતરપિંડી કરી હતી. ફોર વ્હીલર ગાડી ભાડે લઈ દરિયાની મજા માણતો અને શોખીન લાઈફ જીવતો હતો. પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી
શુભમના પરિવારજનો એ પણ સ્વિકાર્યું કે તે શરૂથી જ ઉઠાંગણ અને મોજ-મસ્તી કરનાર હતો. તે કોઈ કામ-ધંધો કરતો નહોતો અને રોજગારી ન હોવા છતાં મોંઘી લાઈફશૈલી જીવવા શોખીન હતો. તેના આવા શોખોને પૂરા કરવા માટે તેણે આખરે પોતાના જ ઘરને લૂંટી લીધું હતું. હાલમાં કાપોદ્રા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ છે.