ડોનાલ્ડ ટ્રમ્પે જે કહ્યું તે કરી બતાવ્યું. કેનેડા, ચીન અને મેક્સિકો પર ટેરિફ લાદી દીધો છે. આ બધા પછી ભારતના અર્થતંત્ર સામે પડકાર ઊભા થયા છે. ટ્રમ્પે અત્યારે તો ભારત પર ટેરિફ લાદ્યો નથી અને ભારતનું નામ પણ લીધું નથી. પણ જો ભારતના માલ પર અમેરિકા ટેરિફ લાદે તો ભારતની હાલત કફોડી થઈ જાય. હજી તો ટ્રમ્પે ત્રણ દેશો પર ટેરિફ લાદ્યો ત્યાં જ ભારતને ભય પેઠો છે. ટેરિફની જાહેરાત પછી ડોલર સામે રૂપિયો પણ વધારે 67 પૈસા પડ્યો છે. ટ્રમ્પ આ રીતે ટેરિફ વોર ચલાવશે તો આપણે બધાએ મહામંદીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પને કેનેડા અને મેક્સિકો પર 25-25% અને ચીન પર 10% ટેરિફ લાદી દીધો.આ ત્રણમાંથી કેનેડાએ તો અમેરિકા સામે જેવા સાથે તેવા જેવું વલણ અપનાવીને અમેરિકા પર સામો 25% ટેરિફ લાદી દીધો. મેક્સિકો તેનો 83 ટકા સામાન અમેરિકાને વેચે છે તો કેનેડા તેનો 76 ટકા સામાન અમેરિકામાં નિકાસ કરે છે. ચીન પર ટેરિફ લાદવાથી પૂર્વી એશિયાના બીજા દેશોને ફાયદો થશે. આનાથી મેક્સિકો, કેનેડા અને ચીનમાં હજારો લોકો નોકરી ગુમાવશે. એ દેશોમાં મોટી મંદી આવશે પણ આ બધા વચ્ચે ભારત માટે પોતાનો વેપાર અમેરિકા સાથે વધારવાની આ તક છે. ચીનની સપ્લાય ચેઈન તોડીને ભારત સારો વેપાર કરી શકે છે. છતાં આ ટેરિફ વોરમાં ભારતે સંભાળીને ચાલવા જેવું છે. ટ્રમ્પે ક્યા દેશો પર ટેરિફ લાદ્યો અને તેની શું અસર થશે?
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ફેબ્રુઆરીથી ત્રણ દેશો પર ટેરિફ લાદી દીધો હતો અને તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ જાહેરાત પછી અમેરિકી ન્યૂઝ એજન્સીએ ટ્રમ્પને પૂછ્યું કે, તમે ટેરિફ લગાવવામાં ડીલે નહીં કરી શકો? ત્યારે ટ્રમ્પે એક લાઈનનો જવાબ આપ્યો કે, હવે આમાં કાંઈ થઈ શકે તેમ નથી. કારણ કે આ ત્રણેય દેશો સાથે વેપાર કરીને અમેરિકા ખોટ કરે છે. ખાધ ખૂબ મોટી છે. આ ટેરિફ લગાવ્યા પછી અમેરિકામાં ઘણા પૈસા આવશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે કેનેડા. ચીન અને મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર ફેન્ટાનાઇલ દવાઓ મોકલી રહ્યા છે. આ એક પ્રકારનું ડ્રગ છે. જેના કારણે લાખો અમેરિકનો માર્યા ગયા છે. ફેન્ટાનીલ એ કૃત્રિમ ઓપીઓઇડ દવા છે. તેના ઓવરડોઝથી મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઓછો થાય છે. આના કારણે વ્યક્તિ કોમામાં જઈ શકે છે અથવા મૃત્યુ પણ પામી શકે છે. ફેન્ટાનીલ લેવાથી અમેરિકામાં દર વર્ષે 75 હજાર લોકો મરે છે અને મોટાભાગનો ફેન્ટાનીલનો જથ્થો મેક્સિકો અને ચીનથી આવે છે. ત્રણેય દેશો હવે શું કરશે?
ચીન ટેરિફ લાદવાના નિર્ણયને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) માં પડકારશે.
કેનેડાએ અમેરિકાના માલ-સામાન પર 25% ટેરિફ લાદી દીધો
મેક્સિકોએ કહ્યું કે, અમે ચોક્કસ અભ્યાસ કર્યા પછી અમેરિકા સામે પગલાં લેશું. કેનેડાએ અમેરિકા પર 25% લાદી દીધો, અમેરિકામાં પરિવારદીઠ 1250 રૂપિયાનો બોજો
ટેરિફ બધા માટે ખરાબ હોય છે. યુએસ પ્રેસિડેન્ટ અત્યારે અહંકારમાં ભલે ટેરિફ લગાવવા માંડ્યા હોય પણ તે કોઈના માટે સારું નથી. અમેરિકાએ આકરાં પગલાં લીધા પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ટ્વિટ કર્યું હતું. આમ તો ટ્રુડો કોઈને પસંદ નથી પણ તેણે પહેલીવાર સમજદારીની વાત કરી. તેણે કહ્યું કે, મોંઘવારી વધે તે ન તો અમેરિકાના લોકો ઈચ્છે છે, ન તો કેનેડાના લોકો ઈચ્છે છે. જો અમેરિકાએ ટેરિફ લગાવ્યો છે તો અમે ચૂપ નહીં બેસી રહીએ. કેનેડાએ પણ અમેરિકાના સામાન પર 25% ટેરિફ લગાવી દીધો છે. ટ્રમ્પે કહેલું કે, ચીન પર તો 60 ટકા ટેરિફ લગાવી દઈશ પણ ચીન પર સૌથી ઓછો 10 ટકા લગાવ્યો. અંતે તો લોકોના ખિસ્સામાંથી ટેરિફ જવાનો છે. ટેરિફ વધવાથી સ્વાભાવિક રીતે અમેરિકામાં મોંઘવારી વધશે. લોકો પર બોજો વધશે. અમેરિકામાં ઘર દીઠ 1250 ડોલરનો બોજો આવશે. કારણ કે અમેરિકાનું 40 ટકા ઈમ્પોર્ટ તેના ટેક્સના ઘેરામાં આવી જશે. અમેરિકામાં ફૂડ પ્રોડક્ટ, પેટ્રોલ-ડિઝલ, કાર, શરાબ, ઈલેક્ટ્રોનિક્સ, રમકડાં, ઘર બનાવવાના તમામ મટીરીયલ્સ મોંઘા થઈ જશે. બ્રિક્સ દેશો પર ટેરિફ લાદવાની ધમકી ટ્રમ્પ આપી ચૂક્યા છે
ટ્રમ્પ વારંવાર બ્રિક્સ દેશો પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી ચૂક્યા છે. ભારત, બ્રાઝિલ અને ચીન ત્રણેય બ્રિક્સનો ભાગ છે. આ ઉપરાંત, ટ્રમ્પે ભારત દ્વારા અમેરિકન ઉત્પાદનો પર ખૂબ ઊંચા ટેરિફ લાદવાની ફરિયાદ કરી છે. આવી સ્થિતિમાં, ભારત પર પણ ટેરિફનો ખતરો હતો. ધ ઇન્ડિયન એક્સપ્રેસે રિસર્ચ એન્ડ ઇન્ફર્મેશન સિસ્ટમ (RIS) ને ટાંકીને જણાવ્યું છે કે અમેરિકા ચીન, મેક્સિકો અને કેનેડા સાથે સૌથી મોટી વેપાર ખાધનો સામનો કરી રહ્યું છે. અમેરિકાનો ચીન સાથે વેપાર ખાધ 30.2%, મેક્સિકો સાથે 19% અને કેનેડા સાથે 14% છે. આ ત્રણ દેશો અમેરિકાની આશરે 650 બિલિયન ડોલરની વેપાર ખાધ માટે જવાબદાર છે. ટેરિફ વોરમાં ભારતને શું અસર થશે, તે જાણતાં પહેલાં એ અમેરિકા સાથેના કેનેડા, મેક્સિકો અને ચીનના ટ્રેડ બિઝનેસને સમજી લઈએ…. ટેરિફ શું છે?
ટેરિફ એ બોર્ડર ટેક્સ છે
વિદેશી સામાન પર લાગે છે
વિદેશી સામાન મોંઘા બને
ટેરિફથી સરકારની આવક વધે
દેશના પ્રોડક્શનને પ્રોત્સાહન મળે અમેરિકા-કેનેડા વચ્ચેનો બિઝનેસ
ટોટલ ટ્રેડ – 65 લાખ કરોડ
અમેરિકાથી કેનેડા નિકાસ – 29.6 લાખ કરોડ
અમેરિકાથી કેનેડામાં આયાત- 35.4 લાખ કરોડ
વેપારથી અમેરિકાને નુકસાન – 5.8 લાખ કરોડ અમેરિકા-ચીન વચ્ચેનો બિઝનેસ
ટોટલ ટ્રેડ – 48.2 લાખ કરોડ
અમેરિકાથી ચીનમાં નિકાસ – 12.3 લાખ કરોડ
અમેરિકાથી ચીનમાં આયાત – 35.9 લાખ કરોડ
વેપારથી અમેરિકાને નુકસાન – 25.6 લાખ કરોડ અમેરિકા-મેક્સિકો વચ્ચેનો બિઝનેસ
ટોટલ ટ્રેડ – 67.2 લાખ કરોડ
અમેરિકાથી મેક્સિકો નિકાસ – 27.2 લાખ કરોડ
અમેરિકાથી મેક્સિકોમાં આયાત – 40 લાખ કરોડ
વેપારથી અમેરિકાને નુકસાન – 12.8 લાખ કરોડ હવે એ જાણીએ કે ટેરિફ વોરમાં ભારત સામે શું-શું પડકાર છે?
માર્કેટ એક્સપર્ટ અજય બગ્ગાએ એક મીડિયાને કહ્યું કે, અમેરિકામાં ટેરિફ વધતાં ચાઈના ભારતમાં તેનો માલ ડમ્પ કરશે. ચાઈનીઝ ડમ્પીંગના કારણે ભારતના મેન્યુફેક્ચરોની હાલત ખરાબ થઈ જાય છે. ચીને આવું જ ડમ્પીંગ 2018-19માં કર્યું હતું. આ ટેરિફના કારણે ચીનમાં યુઆન નીચે આવશે અને તેની સીધી અસર ભારતના રૂપિયા પર પડશે. RBI પણ રૂપિયાને નીચે આવવા દેશે. ટ્રમ્પે ટેરિફની વાત કરતાં જ ભારતનો રૂપિયો 67 પૈસા નીચે આવી ગયો છે. હજી પણ નીચે આવી શકે છે. કારણ કે ટેરિફના કારણે એક્સપોર્ટરમાં હોડ મચી જાય છે કે પોતાના રૂપિયાને ડોલરની સામે વધારે નીચો લાવે. કારણ કે રૂપિયો નીચે આવશે તો ટેરિફનો માર ઘટી જશે. ભારત-અમેરિકાનો 2024માં બિઝનેસ ટ્રેડ
દ્વિપક્ષીય વેપાર – 118.2 અરબ ડોલર
ભારતની નિકાસ – 77.5 અરબ ડોલર
અમેરિકાની નિકાસ – 40.7 અરબ ડોલર ભારતે બજેટમાં જ પાણી પહેલાં પાળ બાંધી લીધી
ચીન પર ટેરિફ લગાવવાથી ભારતીય માલ માટે તકો ઊભી થશે. ઈન્ટરનેશનલ ટ્રેડ એક્સપર્ટના મતે ટ્રમ્પના ટેરિફથી બચવા માટે ભારતે કેટલાક અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવાનું શરૂ કર્યું છે. 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટમાં ભારતે 1600 સીસીથી ઓછા એન્જિનવાળી મોટરસાયકલ, ઉપગ્રહો માટે ગ્રાઉન્ડ ઈન્સ્ટોલેશન અને સિન્થેટિક ફ્લેવરિંગ એસેન્સ જેવી અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ડ્યુટી ઘટાડી દીધી છે. નિષ્ણાતોનો અંદાજ છે કે ચીની ઉત્પાદનો પર 10% ટેરિફ લાદવાથી અમેરિકન બજારમાં ભારતીય માલ માટે વધુ તકો ઊભી થશે. સીતારમણે સ્વીકાર્યું કે, આનાથી પરોક્ષ રીતે અસર થઈ શકે છે
ટ્રમ્પે મેક્સિકો, કેનેડા અને ચીન પર લગાવેલા ટેરિફ વિશે ભારતે પણ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ કાર્યવાહીથી ભારતને પરોક્ષ રીતે અસર થઈ શકે છે. તેમણે હિંદુસ્તાન ટાઇમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે, ભારત માટે પણ કંઈક હશે કે નહીં તે આપણે નથી જાણતા. મેક્સિકો, કેનેડા અને ચીન પર જે ટેરિફ લગાવવામાં આવ્યા છે તેની પરોક્ષ અસર આપણા પર પણ થઈ શકે છે. આપણને વિશેષ રીતે કેટલી અસર કરશે કે નહીં તે હું કહી શકું તેમ નથી. અમને ખબર નથી કે શું થવાનું છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. અત્યારે કહી ન શકાય કે આપણા પર કેવી અસર પડશે. આ જ મહિને મોદી- ટ્રમ્પની મુલાકાત મહત્વની બની રહેશે
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ટેરિફ વધારવા સતત ધમકી આપી રહ્યા છે પણ વધારતા નથી. એનું સૌથી મોટું કારણ છે કે અમેરિકાની મોટી ઈ-કોમર્સ કંપનીઓનો સૌથી મોટો કસ્ટમર ભારત છે. એટલે આ વાતને ટ્રમ્પ નજર અંદાજ કરી શકે નહીં. અમેરિકાની બેન્કીંગ, આઈટી, ફાયનાન્સ કંપનીઓનું ભારત સાથે હિત જોડાયેલું છે. અમેરિકાની સોશિયલ નેટવર્કિંગ કંપનીઓનો સૌથી મોટો બેઝ ભારતમાં છે.
બીજી તરફ ભારતને પણ અમુક મોરચે અમેરિકાની જરૂર છે. ડિફેન્સ સેક્ટરમાં આધુનિક હથિયારો આપણને અમેરિકા પાસેથી જ મળી શકે તેમ છે. પેટ્રોલિયમ સેક્ટરમાં પણ ખાડી દેશોના મુકાબલે અમેરિકા મદદ કરી શકે તેમ છે. ફેબ્રુઆરીમાં મોદી અમેરિકા જવાના છે અને ત્યાં તેમની અને ટ્રમ્પ વચ્ચે મિટિંગ થવાની છે. આ મુલાકાત વેપારની દ્રષ્ટિએ મહત્વની બની રહેવાની છે. 27 જાન્યુઆરીએ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેના ટેલિફોનિક વાત થયા પછી, વ્હાઇટ હાઉસે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર ભાર મૂક્યો હતો કે તે અમેરિકન બનાવટના સુરક્ષા શસ્ત્રોની ખરીદી વધારે. સાથે સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધો આગળ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારી અને ઇન્ડો-પેસિફિક ક્વાડ ભાગીદારીને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો. ભારત આ વર્ષના અંતમાં પહેલીવાર ક્વાડ નેતાઓનું યજમાન બનશે. ટ્રમ્પની યુરોપીયન યુનિયનને પણ ટેરિફની ધમકી
કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન (EU)ને પણ ટેરિફ લાદવાની ચીમકી આપી છે. યુરોપીયન યુનયને કહ્યું કે, કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણય પર યુરોપિયન યુનિયનને ખેદ છે. આર્થિક વિકાસ માટે ઓપન ટ્રેડ સિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય ટ્રેડ નિયમોનું પાલન જરૂરી છે. ટેરિફ લાદવાથી આર્થિક અસ્થિરતા વધે છે અને મોંઘવારી વધે છે, જેનાથી બધાને નુકસાન થાય છે. જો અમેરિકા યુરોપિયન પ્રોડક્ટ પર ટેરિફ લાદે છે, તો EU કોઈપણ મનસ્વી રીતે લદાયેલા ટેરિફ પર સખત પ્રતિક્રિયા આપશે. તેમણે કહ્યું કે અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચેનો વેપાર અને રોકાણ સંબંધ વિશ્વમાં સૌથી મોટો છે, અને આ સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ટ્રમ્પે એવા સમયે આ ચીમકી આપી છે જ્યારે તેના નજીકના મિત્ર ઈલોન મસ્કે યુરોપના પોલિટિક્સમાં એન્ટ્રી કરી છે. મસ્કે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘મેક યુરોપ ગ્રેટ અગેઈન’.., આવું જ સ્લોગન ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે ટ્વિટ કર્યું હતું, ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન…’ ટ્રમ્પના ટેરિફ લાદવાના એક નિર્ણયથી દુનિયાના દેશોમાં સ્ટોક માર્કેટ ડાઉન છે. જાપાનનું નિક્કેઈ 2 ટકા ડાઉન, હોંગકોંગનું હેંગસેંગ 1.5 ટકા ડાઉન, સાઉથ કોરિયાનું કોસ્પી 2 ટકા, ચીનનું સ્ટોક માર્કેટ જાહેર રજાના કારણે એક સપ્તાહથી બંધ છે પણ ભારતમાં ય સેન્સેક્સ 700 પોઈન્ટ ગગડી ગયો હતો. ભારતમાં 5 જ મિનિટમાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા તો દુનિયાભરમાં 60 કલાકમાં 760 અરબ ડોલર સ્વાહા થઈ ચૂક્યા છે. એક વ્યક્તિના એક નિર્ણયથી દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. એટલે સત્તા મહત્વની છે પણ સત્તા કોના હાથમાં આવે છે એ પણ એટલું જ મહત્વનું છે.