રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટિમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોપટપરા નાલા પાસેથી આરોપી અલ્બાજ ઉર્ફે રહીશ ઉર્ફે અબુ મહમંદભાઇ ભાડુલા (ઉ.વ.22)ને ઝડપી પાડ્યો હતો. આરોપીએ તા. 18/1/2025ના રોજ ઉપલાકાંઠા વિસ્તારના રણછોડનગરમાં રહેતા વેપારી પરેશભાઈ ચંદ્રકાંતભાઈ બાબિયા (ઉ.વ.39)ને નજીવી બાબતે છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા. જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ રહીશ ખાટકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટેટસમાં પોતાના સામે થયેલી ફરિયાદની કોપીનો ફોટો અપલોડ કર્યો હતો. એટલું જ નહીં સ્ટેટસમાં એવું પણ લખ્યું હતું કે, તુમ્હારે અબુ આ ગયે, આને વાલા તુફાન અને રહીશ ખાટકી-307. ત્યાર બાદ રહીશ અને તેને સાથીદારાએ તારીખ 20ના રોજ રાત્રીના રેલનગર મેસુરભગત ચોક પાસે રવેચી ટી સ્ટોલની પાછળ ચુનારાવાડના અજય ઉર્ફે અજુ સંજય સોલંકી (ઉ.વ.20)ને સોશિયલ મીડિયામાં તારૂ બહુ ચાલી ગયું તેમ કહી ઝઘડો કર્યો હતો. બાદમાં રહીશ ખાટકી ઉર્ફે અબુ મહમદ ભાડુલાએ છરીના ઘા ઝીંકયા હતા. આ અંગે અજય સોલંકીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ રહીશના સાથી આરોપી અમીત રાઠોડને ઝડપી લેવા પોલીસે તપાસ વધુ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી રહીશ ખાટકી સામે શહેરના એ ડિવિઝન-બી ડિવિઝન, ગાંધીગ્રામ સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી, એટ્રોસિટી, ચોરી સહિતના કુલ 13 ગુના નોંધાઇ ચૂકયા છે. આરોપીનો ગુનાહીત ઇતિહાસ ધ્યાને લઇ વર્ષ 2024માં આરોપીને પાસા હેઠળ જેલહવાલે કરી દેવામાં આવ્યો હતો. રાસ રમતા રમતા આધેડ અચાનક ઢળી પડતા મોત
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મોટા મવા ખોડિયાર માતાજીના મંદિર પાછળની સોસાયટીમાં રહેતાં નારણભાઈ પરષોત્તમભાઇ ઠુમ્મર (ઉ.વ.52) રાતે ટીલાળા ચોકમાં આવેલા રાજકિંગ પાર્ટી પ્લોટ ખાતે પોતાના ભત્રીજા વિરાજ શૈલેષભાઇ ઠુમ્મરના લગ્નપ્રસંગના દાંડીયા રાસમાં પરિવારજનો સાથે હાજર હતાં. રાસ ગરબા શરૂ થતાં નારણભાઈ પણ તેમાં સામેલ થયા હતાં. પરંતુ રાસ રમતાં રમતાં એકાએક બેભાન થઇ ઢળી પડતાં 108 બોલાવવામાં આવી હતી જેના તબીબે તેમને મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. લોધીકા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃત્યુ પામનાર નારણભાઇ ત્રણ બહેન અને બે ભાઈમાં નાના હતાં અને ઇમિટેશનના વેપારી હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ભત્રીજાના લગ્નમાં હાર્ટએટેક આવી જતાં મૃત્યુ થતાં પરિવારજનોની લગ્નની ખુશી શોકમાં પરિણમી હતી.