અમદાવાદના રામોલ પોલીસ મથકે આરોપી સામે તેની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેનો બીજો પતિ હતો. જ્યારે પહેલા પતિથી તેને એક દીકરી હતી તે 11 વર્ષની હતી. જ્યારે ફરિયાદીના પિતા બીમાર હોવાથી તે દવાખાને હતી. ત્યારે તેના બીજા પતિએ તેની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ અમદાવાદની સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોકસોની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ વી.સી. ચાવડા અને કે.જી. જૈને ફરિયાદ વતી દલીલો કરી હતી. આ કેસમાં 11 સાહેદ અને 20 પુરાવાને આધારે જજ એ.બી. ભટ્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી કારાવાસની સજા અને એક લાખ રૂપિયા દંડ કર્યો હતો. તેમજ પીડીતાને 7 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. સાવકા પિતાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
આ કેસમાં સગીરાનુ જન્મ પ્રમાણપત્ર, Crpc 164 મુજબનું નિવેદન, FSL રિપોર્ટ વગેરે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તો આરોપી સાવકા પિતાની દલીલ હતી કે, મિલકત સંબંધની તકરાર હોવાથી ફરિયાદીએ તેની દીકરીનો હાથા તરીકે ઉપયોગ કર્યો છે. વળી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, સાવકા પિતાએ પોતાની સગીર દીકરીને આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના સમયે સગીરાએ બૂમો પાડવાની કોશિશ કરતા તેનું મોઢું આરોપીએ દબાવી દીધું હતું. આરોપી દારૂ પીવાની આદત ધરાવતો હતો. સગી દીકરીએ પોતાની માતાને આ બનાવ વિશે જાણ કરતા તેને પોતાના સગા સંબંધીને આ અંગે વાત કરી હતી. તેમજ તેમની સલાહથી પોલીસ ફરિયાદ આપી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આવા બનાવથી સગીરાના કુમળા મન ઉપર ખૂબ જ ગંભીર અસર પહોંચી છે. બીજા એક કેસમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે યુવકને 20 વર્ષની કેદ
અન્ય એક કેસમાં વર્ષ 2017માં જુના વાડજ પોલીસ મથકે એક યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સો વિશેષ અદાલતમાં કેસ ચાલ્યો હતો. પીડિતા વતી સરકારી વકીલો ભરત પટણી અને દેવેન્દ્ર પઢીયારે દલીલો કરી હતી. આ કેસમાં 12 સાહેદ અને 19 પુરાવાને આધારે કોર્ટે આરોપી ચેતન ઉર્ફે વિલનને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્રણ-ચાર દિવસના અંતે સગીરા ઘરે પરત ફરી હતી
આ કેસમાં સગરાની માતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સગીરા 17 વર્ષ અને 6 મહિનાની હતી. તેની માતા બહાર ગઈ હતી, જ્યારે તે ઘરે આવી ત્યારે ખબર પડી હતી કે તેની દીકરી ઘરે નહોતી. તે પરત ન આવતા તેને પોલીસ ફરિયાદ આપી હતી. ત્રણ-ચાર દિવસના અંતે સગીરા ઘરે પરત ફરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. સગીરાનુ Crpc 104 મુજબ નિવેદન લેવામાં આવ્યું હતું. સગીરા અને આરોપી માત્ર 15 દિવસથી એકબીજાને ઓળખતા હતા
આરોપી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે આ સહમતિના સંબંધ હતા. કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે સગીરા અને આરોપી માત્ર 15 દિવસથી એકબીજાને ઓળખતા હતા. આરોપીએ પોતાની બહેનના ઘરે લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. વર્તમાનમાં આરોપીની ઉંમર 22 વર્ષ જેટલી છે. તેના લગ્ન પણ થવાના બાકી છે. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને 50 હજાર રૂપિયા દંડ કર્યો હતો.