મુંબઈમાં રહેતી એક મહિલાની કરોડોની જમીન પચાવી પાડવા માટે ખોટા સાટાખત બનાવી અને બોગસ બેંક એકાઉન્ટ ખોલી છેતરપિંડી કરનાર બિલ્ડરને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે. જમીનનો સોદો 6.05 કરોડમાં નક્કી કર્યો હતો
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈના કુર્લા સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં હીરાના વેપાર કરતા સુરેશભાઈ કુકડીયાની પત્ની તૃપ્તિબેન કુકડીયાએ 2007માં સુરતના વાલક ગામમાં જમીન ખરીદી હતી. ત્યાર બાદ 5 ફેબ્રુઆરી 2024ના રોજ તેમના કાકા સસરા વિરજીભાઈ કુકડીયાની મદદથી, તૃપ્તિબેને આ જમીનનો સોદો 6.05 કરોડ રૂપિયામાં સંજય મનસુખ બોદર સાથે નક્કી કર્યો હતો. જમીનનું સાટાખત પહેલાં જ કોઇએ બનાવી દીધું છે
14 જૂન 2024ના રોજ જમીનના સાટાખત માટે વકીલ પાસે ગયા ત્યારે જાણવા મળ્યું કે, આ જમીનનું સાટાખત પહેલાં જ કોઇએ બનાવી દીધું છે અને તે આધારે જમીન વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. તપાસ દરમિયાન આ ખોટા સાટાખત હિંમત વિઠ્ઠલ દુધાતના નામે બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું, જેમાં સાક્ષી તરીકે ભૌતિક દુધાત અને જીતેન્દ્ર પરસોત્તમ શેલડીયા હતા. પોલીસે મુખ્ય આરોપી બિલ્ડરને ઝડપી પાડ્યો
આટલું જ નહીં, આ ટોળકીએ તૃપ્તિબેનના નામે અન્ય એક અજાણી મહિલાનો આધાર કાર્ડ બનાવી, બરોડા ગ્રામીણ બેંકની કઠોર શાખામાં બોગસ એકાઉન્ટ ખોલ્યું, અને એમાં નાણા લે-દે કરી છેતરપિંડી કરી. તૃપ્તિબેને સરથાણા પોલીસ સ્ટેશનમાં હિંમત, ભૌતિક, જીતેન્દ્ર અને અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, ત્યાર બાદ પોલીસે મુખ્ય આરોપી બિલ્ડર હિંમતભાઈ વિઠ્ઠલભાઈ દુધાત (રહે. રિવર કેન્ટ, મોટા વરાછા, મૂળ. અમરેલી) ને ઝડપી લીધો. પોલીસે આ કૌભાંડમાં સંકળાયેલા અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી છે. છેડતી કેસમાં ડોક્ટરને મારનાર આરોપીની જામીન અરજી નામંજૂર
કાપોદ્રા વિસ્તારમાં તબીબ વિરુદ્ધ છેડતીની ફરિયાદ બાદ, ડોક્ટર પર હુમલો કરનાર ટોળકીમાંથી એક આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. કેસની વિગત મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રામાં એક સોનોગ્રાફી સેન્ટરમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે. બુધવારે બપોરે ફ્લોરલ વુમન્સ હોસ્પિટલ (સરથાણા જકાતનાકા)માં ગાયનેક તબીબ પ્રતીક માવાણીએ એક મહિલા દર્દીની તપાસ દરમિયાન આ યુવતીનો હાથ પકડી તેની પર કિસ કરી હતી, જેના કારણે મોટી ઉથલપાથલ મચી હતી. અન્ય આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી ચાલુ
આ ઘટનાને લઈ ટોળાએ તબીબ પર હુમલો કર્યો, તેને ઢોર માર મારી અને હોસ્પિટલમાં પણ તોડફોડ કરી. ત્યાર બાદ યુવતીએ તબીબ વિરુદ્ધ છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવી, જ્યારે તબીબે યુવતી અને તેના પર હુમલો કરનાર ટોળા વિરુદ્ધ 20 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ આપી. પોલીસે આ હુમલા કેસમાં અક્ષિત કનુ વરિયા (ઉંમર 19 વર્ષ)ની ધરપકડ કરી હતી. અક્ષિતે જામીન અરજી કરી હતી, જે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. હજુ પણ અન્ય આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી ચાલુ છે.