ગાંધીનગરના એક યુવક દ્વારા સોશિયલ મીડિયામાં એક ગ્રૂપ બનાવીને ગુજરાત યુનિવર્સિટીની બીકોમ સેમિસ્ટર-1ની પરીક્ષાના પહેલા પ્રશ્ન પેપર વેચવાની ઓફર કરાઇ હતી. એનએસયુઆઇ દ્વારા આક્ષેપ કરાયો હતો કે, એક યુવાને 100 વિદ્યાર્થીઓ પાસેથી વિદ્યાર્થી દીઠ રૂ.300માં એક પેપર આપવાની ઓફર કરી હતી. રૂ.30 હજાર લઇને પેપર આપવાનું નક્કી થયું હતું. પરંતુ 60 વિદ્યાર્થીઓ જ પ્રશ્નપત્ર લેવા માટેની રકમ ચૂકવી હતી. જ્યારે બાકીના 40 વિદ્યાર્થીએ નક્કી કરેલી રકમ ન ચૂકવતા પ્રશ્નપેપર આપ્યું ન હતું. એનએસયુઆઈના મહામંત્રી દક્ષ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરના યુવકે વિદ્યાર્થીઓનું એક વોટસએપ ગ્રૂપ બનાવ્યું હતું. જેમાં 100 વિદ્યાર્થીઓ પાસેથી પ્રશ્નપત્ર દીઠ 300 રૂપિયાના હિસાબે રૂપિયા 30 હજાર લઈને પ્રશ્નપત્ર આપવાનું નક્કી કરાયું હતું. જો કે 60 વિદ્યાર્થીઓએ જ 300 રૂપિયાના હિસાબે 18 હજાર રૂપિયા આપ્યા હતા. બાકી રહેલા 40 વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર દીઠ 300 રૂપિયા ના આપતા આ યુવકે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપ્યુ ન હતું. પરંતુ આ મોટુ કૌભાંડ પણ હોઇ શકે છે. પોલીસ અને યુનિવર્સિટીએ પણ આ બાબતે તપાસ કરવી જોઇએ. કારણ કે જો આ રીતે ખુલ્લેઆમ પ્રશ્નપેપર વેચાતું હોય તો શક્ય છે કે યુનિવર્સિટીનો કોઇ અધિકારી પણ આ સમગ્ર કૌભાંડમાં શામેલ હોઇ શકે છે. આ માટે જ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ થવી જોઇએ. કારણ કે આ વિદ્યાર્થીઓ સિવાય પણ અન્ય વિદ્યાર્થીઓને પેપર મોકલાવાયું હોઇ શકે છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો. નિરજા અરુણે જણાવ્યું હતું કે, આ બાબતે અમને કોઈ ફરિયાદ મળી નથી, આ અંગેન ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. અગાઉથી આપી દીધેલા પ્રશ્નો ન પૂછાય તો પૈસા આપવાની ગેરંટી આપ્યાનો ઓડિયો ફરતો થયો
એનએસયુઆઇ દ્વારા ફોન પર થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ પણ જાહેર કરાઇ છે. એક વિદ્યાર્થી કહી રહ્યો છે કે, મને તમારો નંબર ગાંધીનગરની નવગુજરાત કોલેજના વિદ્યાર્થી પાસેથી મળ્યો છે. અમે પાંચ મિત્રો છીએ. સામેનો વ્યક્તિ એક પેપરના શરુઆતમાં 25 હજાર ભાવ કહે છે. ત્યારબાદ વિદ્યાર્થીએ કહ્યું કે મારે બી.કોમ ઇંગ્લિશ મીડિયમનું પેપર જોઇએ છે. તો ગઠિયાએ ભાવ વધારીને 30 હજાર જણાવ્યા, જેમાં તેણે 5 હજાર કમિશનની વાત કરી. ત્યારબાદ ગઠિયાએ બીજા પેપર લેવા માટે 60 હજારનો ભાવ કહ્યો. વિદ્યાર્થી પૈસા ચૂકવે એટલે પેપર લેવા નીકળે તેમ જણાવ્યું. પૈસા ઓનલાઇન, કેશ કોઇપણ રીતે આપવા જણાવ્યું. ગઠિયાએ ગેરંટી પણ આપી કે જો પેપરમાંથી પરીક્ષામાં ન પૂછાય તો રકમ પાછી આપી દેવાશે.