ખેડા જિલ્લામાં 5 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે દિવ્ય ભાસ્કર ડિજિટલના રિપોર્ટર સિધ્ધાંત મહંતે મહુધા નગરપાલિકા વિસ્તારનો વિકાસ અને મતદારોની પ્રતિક્રિયા જાણી હતી. જેમાં અમે જોયું તો શહેરમાં બહારનો ભાગ સ્વચ્છ હતો પરંતુ નગરના અંદરના ભાગમાં ગંદકી હતી. નગરજનો રોડ, રસ્તા, ગંદકી, ગટરના પાણી રોડ પર રેલાતાથી ત્રસ્ત જોવા મળ્યા હતા. મતદારો સાથે વાત કરતા તેઓ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં કેટલાક મતદારે નગરની સમસ્યાઓ પણ જણાવી રાજકીય પક્ષો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી સ્પષ્ટ નારાજગી દર્શાવી છે. ત્યારે આવનાર સમયમાં મતદારોને રીઝવવા રાજકીય પક્ષોના ઉમેદવારો કેટલા ઊંણા ઊતરશે તે જોવું રહ્યું. ‘શહેરની બહાર વિકાસ થાય છે પણ અંદર નહીં’
મહુધા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં રહેતા રહીશ ચંદ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, આ વોર્ડમાં ગટર ઉભરાવાની સમસ્યા વધુ છે. ખાડિયા વિસ્તાર ગુજરાતી શાળા નજીક આ સમસ્યા હદ પાર કરી જાય તેવી છે. આવેદનપત્ર આપીએ છીએ પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી હવે તો ગામની સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં છે. વિકાસના કામો વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, વિકાસના કામો શહેરના બહારની બાજુ થયા છે અંદરની બાજુ થયા જ નથી. ‘અધિકારીઓ ઓફિસથી બહાર જ નથી નીકળતા’
અમે બીજા વિસ્તારમાં પહોંચ્યા ત્યાં બાલ મંદિરથી કોલેજ આવેલી છે તે વિસ્તારમાં પહોંચ્યા. જ્યાં સ્થાનિક પ્રંશાતભાઈ દવેએ જણાવ્યું કે, આ મુખ્ય વિસ્તાર છે પરંતુ આમ છતાં અહીંયા ગટરના ગંદા પાણી રેલાય છે. અહીંયા નજીક મહાદેવ પણ છે જેથી આવતા જતાં લોકોને ન છુટકે આવા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. વધુમાં તેમણે કહ્યું કે, ‘બની બેઠેલા નેતાઓ, પ્રમુખ અને અધિકારીઓ ઓફિસમાંથી બહાર જ નીકળતા નથી’. ક્યારે પણ આ વિસ્તારમાં મૂલાકાત માટે આવ્યા જ નથી. મહુધામાં ચારે કોર ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાય છે. એક પણ જગ્યા ગટરની વ્યવસ્થિત કામગીરી કરવામાં આવી નથી. ‘આ બધા જાડી ચામડીના છે, ખુરશીઓમાં બેસી રહે છે’
આ વોર્ડ નંબર 3ના હિતેશભાઈ રાવલે જણાવ્યું કે, અહીંયા ગાયત્રી મંદિર પાસે આ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા ઘણા વર્ષોથી છે. તેમણે રાજકીય પક્ષોના નામ લીધા વગર કહ્યું કે, ‘આ બધા જાડી ચામડીના છે, ફક્ત ખુરશીઓમાં બેસી રહે છે’ તેમણે રાજકીય નેતાઓ પર ભ્રષ્ટાચારના પણ આક્ષેપ લગાવ્યા હતા. મહુધાનો વિકાસ ઝીરો છે. મહુધા નગરમાં તળાવો આવેલા છે જેમાં ઘણા લાંબા સમયથી કુંભ વેલનુ જંગલ છે તેને દુર કરવામાં આવતું નથી. ‘અનેક સમસ્યા છે, કોઇ જોવા નથી આવતું’
વોર્ડ નંબર 2 અને 3માં આવતા વિસ્તાર ફીણાવ ભાગોળ પાસે અમે પહોંચ્યા ત્યારે ત્યાંના સ્થાનિક તોફીક હુસેને જણાવ્યું, આ અમારો આવનજાવન માટેનો મુખ્ય રસ્તો છે. છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા રસ્તાના ઠેકાણા નથી ગટરના ગંદા પાણી ઉભરાય છે. વારંવાર રજૂઆત કરી આમ છતાં પણ કોઈ નિકાલ આવતો નથી છેક ગાંધીનગર સુધી રજૂઆત કરી છે કોઈ સભ્ય આજ દિન સુધી જોવા આવ્યા નથી. અહીયાના બીજા સ્થાનિક મહંમદરફીકે જણાવ્યું કે, આ સમસ્યા બાબતે અવારનવાર રજૂઆતો કરી છે પણ નેતાઓ આવીશુ આવીશુ કહી આવતા જ નથી. ‘સમસ્યાનો કોઇ કાયમી નીકાલ જ નથી’
આ વોર્ડમાં રહેતા રહીશ ખાતુનબીબીએ જણાવ્યું કે, મહુધાનો કોઈ વિકાસ થયો જ નથી અહીંયા પાણી કાદવમાં વસવાટ કરીએ છીએ અમે, આ વિસ્તારમાં આંગણવાડી આવેલી છે નવીનગરી વિસ્તારમાં અહીંયા અમે સૌ કાદવ કિચ્ચડમાં રહીએ છીએ અવારનવાર લેખિત મૌખિક તંત્રને રજૂઆત કરી પરંતુ અમારું કોઈ સાંભળતું નથી. કદાચ એક બે વાર તંત્ર સાંભળે તો માણસ મોકલી ઉપર છેલ્લી સાફ-સફાઈ કરી દે છે પરંતુ આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવતો નથી. ‘અધિકારી કે નેતાઓ, કોઇને પ્રજાની પડી નથી’
આ વિસ્તારના માજી કાઉન્સિલર રસીદાબાનુ શેખે પણ અમારી સાથે રોષ ઠાલવતા કહ્યું કે, મેં આ સમસ્યા માટે ઘણી બધી વખત રજૂઆત કરી છે. પરંતુ આ સમસ્યાનો નિરાકરણ આવતું જ નથી. અંદાજે 20થી 25 વર્ષથી આ રોડ એવા જ છે તેમજ આ વિસ્તારમાં ગંદકી તેમજ ગટર ઉભરાવાની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. અમે અગાઉ મામલતદારથી માંડીને કલેક્ટર સુધી રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી અહીંયા આ વિસ્તારમાં ગંદકીનું પણ સામ્રાજ્ય હોવાથી બીમારીની પણ સમસ્યા રહી છે. કોઈ સરકારી અધિકારીઓ કે નેતાઓને પ્રજાની કાંઈ પડી જ નથી. અમારી વિસ્તારમાં વિકાસ થયો નથી.