પાકિસ્તાનના કરાચીના જૂના ગોલીમાર વિસ્તારમાં આવેલા હિન્દુ સ્મશાનઘાટમાં વર્ષોથી અસ્થિ કળશોમાં રાખેલી 400 હિન્દુ મૃતકોનાં અસ્થિ સોમવારે (3 ફેબ્રુઆરી)એ અમૃતસરમાં વાઘા-અટારી બોર્ડરના રસ્તે ભારત પહોંચ્યાં. આ અસ્થિ લગભગ 8 વર્ષથી સ્મશાનમાં રાખવામાં આવી હતી. પરિવાર તેને ગંગામાં વિસર્જન કરવાની રાહ જોઈ રહ્યો હતો. મહાકુંભ યોગમાં ભારતના વિઝા મળ્યા બાદ, રવિવારે (2 ફેબ્રુઆરી) કરાચીના શ્રી પંચમુખી હનુમાન મંદિરમાં એક ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. આ પછી, પરિવારે અસ્થિને અંતિમ વિદાય આપી, જેથી તેમને મોક્ષ માટે ગંગામાં વિસર્જિત કરી શકાય. અગાઉ, બુધવારે (29 જાન્યુઆરી)એ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂના કરાચીના ગોલીમાર સ્મશાનઘાટ પહોંચ્યા હતા, જ્યાં અસ્થિવાળા કળશ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. જે પરિવારોને પોતાના પ્રિયજનોની અસ્થિ હરિદ્વારમાં વિસર્જન કરવી હતી, તેઓ સ્મશાનઘાટ પહોંચ્યા, કારણ કે ભારતમાં અસ્થિ વિસર્જન માટે સ્મશાનઘાટની સ્લિપ અને મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર ફરજિયાત હતું. કુંભ દરમિયાન ભારત સરકારે વિઝા આપ્યા
કરાચીના રહેવાસી સુરેશ કુમાર તેમની માતા સીલબાઈના અસ્થિ હરિદ્વાર લઈ જવાની રાહ જોઈ રહ્યા હતા. ગયા અઠવાડિયે જ્યારે તેમને ખબર પડી કે ભારત સરકારે 400 હિન્દુ મૃતકોની અસ્થિ માટે વિઝા જારી કર્યા છે ત્યારે તેમણે રાહતનો શ્વાસ લીધો. 17 માર્ચ, 2021એ તેમની માતાનું અવસાન થયું હતું, અને પરિવારે તે જ સમયે ભારતીય વિઝા માટે અરજી કરી હતી, પરંતુ મંજૂરી મેળવવામાં ઘણો વિલંબ થયો. સુરેશે કહ્યું કે તેમણે દર 144 વર્ષે આવતા મહાકુંભની રાહ જોવાનું નક્કી કર્યું હતું. તે 12 કુંભ મેળા પૂર્ણ થવાનું પ્રતિક હતું અને આ વખતે તે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન ચાલી રહ્યો છે, જે આપણને આપણી ધાર્મિક અને અંતિમ સંસ્કાર વિધિઓ પૂર્ણ કરવા માટે 45 દિવસનો સમયગાળો આપે છે. ગંગામાં ડૂબકી લગાવવી એ પ્રાથમિકતા
સુરેશ કુમારે કહ્યું કે જો તેમને વિઝા ન મળ્યો હોત, તો તેઓ સિંધુ નદીમાં પણ અસ્થિ વિસર્જન કરી શક્યા હોત, પરંતુ ગંગા તેમનો પહેલો વિકલ્પ હતો. ગંગા હિન્દુ ધર્મમાં એક પવિત્ર નદી છે, જે સીધી હિમાલયમાંથી વહે છે અને તેનો પ્રવાહ મોક્ષ માટે શુદ્ધ માનવામાં આવે છે. શ્રીરામ નાથ મિશ્રાના પ્રયાસોથી અસ્થિ ભારત પહોંચી
કરાચીમાં શ્રી પંચમુખી હનુમાન મંદિર સમિતિના અધ્યક્ષ શ્રીરામ નાથ મિશ્રા મહારાજને ભારતીય વિઝા મળ્યો અને તેમને મૃતકોની અસ્થિ લઈ જવાની મંજૂરી આપવામાં આવી. તેમના પ્રયાસોને કારણે જ છેલ્લા 8 વર્ષથી સ્મશાનઘાટમાં રાખવામાં આવેલી અસ્થિઓને ગંગામાં વિસર્જન કરવાનો માર્ગ મોકળો થયો. તેઓ અગાઉ પણ અસ્થિ વિસર્જન કરવા માટે ભારત આવ્યા હતા. આ વખતે વધુ અસ્થિ ભારત મોકલવામાં આવી
શ્રીરામ નાથ મિશ્રાએ કહ્યું છે કે આ પહેલા 2011માં 135 અને 2016માં 160 અસ્થિ કળશ હરિદ્વાર મોકલવામાં આવ્યા હતા. આ વખતે તે 400 અસ્થિ કળશ લઈને ભારત આવ્યા છે. લાંબી મુસાફરીને ધ્યાનમાં રાખીને, મુસાફરી દરમિયાન કોઈ નુકસાન ન થાય તે માટે પરંપરાગત માટીના વાસણોને લાલ ઢાંકણાવાળા સફેદ પ્લાસ્ટિકના વાસણોથી બદલવામાં આવ્યા હતા. રવિવારે, શ્રી પંચમુખી હનુમાન મંદિરમાં અંતિમ પ્રાર્થના પછી, અસ્થી કળશ યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રા કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પહોંચી. અહીંથી અસ્થિઓને ટ્રેન દ્વારા લાહોર અને પછી વાઘા બોર્ડર પર લાવવામાં આવી. અહીંથી તે હવે અસ્થિ લઈને હરિદ્વાર જવા રવાના થઈ ગયા છે. નબળી આર્થિક સ્થિતિને કારણે મુશ્કેલી ઊભી થઈ
આ 400માં સાહિલ કુમાર અને કોમલના પરિવારના સભ્યોની અસ્થિ પણ શામેલ છે. તેમણે કરાચીના હનુમાન મંદિરમાં અંતિમ પ્રાર્થનામાં હાજરી આપી અને અસ્થિઓ ભારત મોકલવાની વ્યવસ્થા કરી હતી. સાહિલના પિતા જગદીશ કુમાર અને કોમલની માતા વિમલા કુમારી ભાઈ-બહેન હતા જેનું 2 મહિનાના સમયગાળામાં અવસાન થયું હતું. સાહિલ અને કોમલ બંનેએ કહ્યું છે કે તેઓ અસ્થિ ભારત મોકલવા માંગતા હતા, તેમણે વિઝા માટે અરજી પણ કરી હતી, પરંતુ તેમને વિઝા મળ્યો ન હતો. આર્થિક સ્થિતિ પણ સારી ન હતી, તેથી અસ્થિ લાવી શક્યા નહીં. હવે, એકસાથે સેંકડો અસ્થિ ભારત લાવવામાં આવી રહી હતી, તેથી અમે અમારા પરિવારના સભ્યની અસ્થિ પણ તેમની સાથે મોકલી હતી. હરિદ્વારમાં 2 અઠવાડિયા સુધી પ્રાર્થના યોજાશે
ભારત પહોંચેલા શ્રી પંચમુખી હનુમાન મંદિર સમિતિના અધ્યક્ષ કહે છે કે તેઓ પોતાને ધન્ય અને ભાગ્યશાળી માને છે કે ભગવાને તેમને આટલા બધા મૃત આત્માઓની શાંતિ માટે આ મહાન કાર્ય કરવાની તક આપી. તેમણે કહ્યું કે મહા કુંભ મેળાના સમાપન સુધી, તેઓ હરિદ્વારમાં 2 અઠવાડિયા સુધી મૃતકોના આત્માઓની શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરશે અને અંતે અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે.