કેન્સર જેવી એક દુર્લભ બીમારીને માત આપી, એક વ્યક્તિની હિંમત અને સંકલ્પ કેવો પરિવર્તન લાવી શકે તેનું જીવંત ઉદાહરણ અમદાવાદના 81 વર્ષીય ઉષાકાંતભાઈ છે. 2003માં કેન્સરની સારવાર દરમિયાન પત્નીને હોસ્પિટલમાં રડતી જોઈને લીધેલા એક સંકલ્પથી આજે 44,000થી વધુ કેન્સર પીડિત દર્દીઓને યોગ્ય સારવાર અપાવવામાં મદદગાર બન્યા છે. ફક્ત પોતાનું જીવન બચાવવા સુધી મર્યાદિત ન રહી એ જ બીમારીથી પીડિત અસંખ્ય દર્દીઓના જીવનમાં આશાનો દીવો પ્રગટાવ્યો. અમદાવાદમાં કાપડની મિલો ચાલતી હતી, તે સમયે શહેરની મોટાભાગની મિલને કોલસો સપ્લાય કરતા કોલસાવાલા પરિવારના દીકરા એટલે કે ઉષાકાંતભાઈ શાહ. કુટુંબી વ્યવસાયમાં પહેલેથી જ રસ નહોતો એટલે મુંબઈમાં ભાડે ઓફિસ રાખીને ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ શરુ કર્યો ને ફેલાવ્યો હતો. જોકે, વર્ષ 2003માં પોતાને લાસ્ટ સ્ટેજ બ્લડ કેન્સર છે એવી જાણ થતાં જ સારવાર માટે દાખલ થયા ને એક વર્ષની સઘન સારવાર બાદ કેન્સરના વધતા સેલ સતત વધતા અટક્યા. જોકે, આ એક વર્ષે તેમના અને તેમના પરિવારમાં અનોખુ જીવન પરિવર્તન લાવ્યું. આજે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે 81 વર્ષીય ઉષાકાંતભાઈ શાહ વર્ષ 2003માં કેન્સર પીડિતથી કેવી રીતે 2004માં કેન્સર વોરિયર બન્યા તેની સંઘર્ષગાથા તેમની પાસેથી જાણીએ. અચાનક જ કેન્સર આવતા પગ તળેથી જમીન ખસી ગઈ
ભાસ્કર સાથે વાત કરતાં ઉષાકાંત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2003થી વર્ષ 2004 સુધીનો સમયગાળો સમગ્ર પરિવાર માટે ખૂબ જ કપરો હતો. અચાનક જ છેલ્લા સ્ટેજનું કેન્સર આવતા પગ તળેથી જમીન ખસી ગઈ હતી. મને વર્ષ 2003માં લ્યુકીમિયા કેન્સર (CML) થયું હતું. જોકે, મારા પત્ની ખૂબ જ હિંમતવાળા હતા, તેમણે મને પણ હિંમત આપી અને અમે બંને પહેલા સ્ટર્લિંગમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે પહોંચ્યા હતા. ડૉ. શૈલેષ તલાટીની ટીમ સાથે 2003-04માં મે કીમોથેરાપીની ટ્રીટમેન્ટ શરુ કરાવી હતી. પત્ની બહાર આંટો મારીને આવે એટલે રુમમાં બેસીને રડતી
જ્યારે કીમો થેરાપી લેવાની હોય ત્યારે હું અને મારી પત્ની સિવિલ હોસ્પિટલમાં જતા અને સંપૂર્ણ એક દિવસ દરમિયાન હું હોસ્પિટલમાં હોવ ત્યારે મારી પત્ની મારી સાથે જ રહેતી. સાંજના સમયે હું એને કહેતો કે, થોડીવાર બહાર આંટો મારી આવ અને તાજી હવા લઈ આવો. જ્યારે તે બહારથી પાછી મારા રૂમમાં આવતી તો દરરોજ મારી પાસે બેસીને રડતી કારણ કે, તે હંમેશા કહેતી કે ઉષાકાંત આપણે ખૂબ જ નસીબવાળા છીએ કે આપણે સારી રીતે કેન્સરની સારવાર કરાવી શકીએ છીએ પરંતુ, સિવિલમાં અનેક લોકો એવા છે કે, જે સવારે OPDમાં નિદાન કરાવવા માટે આગલી સાંજથી જ લાઈનમાં બેસતા અથવા તો હોસ્પિટલમાં જ સૂઈ જતા હતા. નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ હતા કે, જે બીમારી હોવાથી આગલા દિવસે જ હોસ્પિટલમાં આવી જતા જેથી સવારમાં જલ્દી તેમનો નંબર આવી શકે. દર્દીઓને શીરો-ધાબળા આપીને સેવાનું કામ શરુ કર્યું
આવી રીતે બે-ત્રણ વખત કીધુ એટલે મે તેને કહ્યું કે, આવી રીતે વાતો કરીને શું ફાયદો થશે તેમને? આપણે એમના માટે કંઈક કરવાનું હોય તો વિચાર તુ. પછી અમે વિચાર્યું ને એવુ નક્કી કર્યું કે, એ લોકોને રોજ આપણે સાંજના 6-7 વાગ્યે તમામ દર્દીઓમે શીરો ખવડાવીને સેવા પૂરી પાડીશું. અમારી ઓફિસના માણસો ટ્રક ભરીને શીરો લઈ આવે ને રાતે બધાને અમે દર્દીઓ પેટ ભરીને ખાય એટલો શીરો ખવડાવીએ છીએ. શિયાળો આવ્યો ત્યારે અમે ધાબળા આપવાનું શરુ કર્યું, એ પણ અમે લુધિયાણાથી ટ્રક ભરીને મંગાવ્યા હતા. 15 દિવસ સુધી અમે લગભગ 450 ધાબળા આપી ચૂક્યા છીએ. આમ, કરતા-કરતા 2004માં મારી કીમોથેરાપીની સાયકલ પૂરી થઈ એટલે રેમિસનમાં આવી ગયું હોય એમ કહેવાય કે સારી ભાષામાં કહીએ તો ટેમ્પરરી મટી ગયું છે. 2004માં કરુણા કેર ફાઉન્ડેશનની સ્થાપના કરી
ટ્રીટમેન્ટ પછી મે ને મારી પત્નીએ નક્કી કર્યું કે, હવે આ બિઝનેસની દોડાદોડી બંધ કરીને આ સેવાનું કામ જ ચાલુ રાખીએ અને આને આગળ વધારીએ અને ખાસ કરીને કેન્સરના દર્દીઓ માટે આપણે આ કામ કરીશું. આમ, કરતા કરતા વર્ષ 2004માં અમે કરુણા કેર ફાઉન્ડેશનની સ્થાપના કરી અને ત્યારથી લઈને અત્યાર સુધી નાના બાળકો હોય તો એને અમે અમારા વોર્ડમાં પ્રોટીન પાવડર આપીએ છીએ. જે લોકોની 15 દિવસની કીમોની સાયકલ પતી ગઈ હોય અને 15 દિવસ માટે ઘરે જવાના હોય એ લોકોને અમે ગ્રોસરી કીટ આપીએ છીએ અને જે લોકોને દવાની જરુર હોય તો તેમને અમે નાની-મોટી મદદ કરીએ છીએ. સિવિલમાં આવતા ગરીબ દર્દીઓને યોગ્ય સારવાર અને દવાઓ તથા પોષણયુક્ત આહાર મળી રહે તેના પર અમારું વધુ પડતું ફોકસ છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી દર્દીઓ અહીં કેન્સરની સારવાર લેવા માટે આવતા હોય છે. જો તે લોકોને રહેવાની વ્યવસ્થા ન હોય તો આજુબાજુ ધર્મશાળામાં પણ અમે વ્યવસ્થા કરી આપીએ છીએ. 44 હજાર જેટલા કેન્સર પીડિતોની મદદ કરી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા કરુણા કેર ફાઉન્ડેશનમાં અમારી સાથે 12-15 લોકો જોડાયેલા છે, જે આ સેવાના કામમાં રેગ્યુલરલી પોતાનો ફાળો ભજવે છે. તે સિવાય 70-80 વોલન્ટિયર્સ પણ અમારી સાથે જોડાયેલા છે કે, જે અમારા સ્પેશિયલ પ્રોગ્રામ દરમિયાન અમને મદદરુપ બની રહે છે. કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે અમે સેમિનાર્સ, વર્કશોપ પણ કરીએ છીએ. તે સિવાય કેન્સર પીડિત નાના બાળકોના જન્મદિવસની ઊજવણી પણ અમે કરતા હોઈએ છીએ. આ ઉપરાંત વિવિધ હોસ્પિટલ સાથે મળીને અંતરિયાળ ગામમાં અને શહેરોમાં કે જ્યાં મોટી સંખ્યામાં વસ્તી રહેતી હોય છે ત્યાં કેમ્પનું પણ આયોજન કરે છે. જેમાં વિવિધ પ્રકારના કેન્સરના સામાન્ય પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને કેમ્પમાં બોલાવવામાં આવે છે અને તેમનું નિદાન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 44 હજાર જેટલા કેન્સર પીડિતોની મદદ કરી છે. દર વર્ષે બેથી અઢી હજાર દર્દીઓ સારવાર લેતા હોય છે તેમાં કરુણા કેર ફાઉન્ડેશનને દર વર્ષે 40થી 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ તમામ ખર્ચ સ્વયંસેવકો અથવા તો ઉષાકાન્તભાઈ પોતે અને કેટલીક કંપનીઓ પોતાના ફાળો આપે છે. કેન્સર પીડિતની મદદ માટે દર વર્ષે 45-50 લાખ ખર્ચે છે
દર વર્ષે 2500-3000 કેન્સર પીડિત દર્દીઓને આ સંસ્થા જુદી-જુદી રીતે મદદ કરે છે. જેમ કે, મેડિકલ હેલ્પ, ફાયનાન્સિયલ હેલ્પ પછી એ લોકોને કાઉન્સિલિંગ કે ગાઈડન્સ આપવાનું હોય એવી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તે સિવાય જેની પાસે આયુષ્માન કાર્ડ ન હોય તો તે કઢાવવા માટે મદદ કરે. કેન્સર પીડિત દર્દીઓની મદદ માટે તેઓ દર વર્ષે અંદાજે 45-50 લાખનો ખર્ચ કરે છે. નવ વર્ષથી ડાયાલિસિસ પર જીવન ગુજારી રહ્યા છે
કેન્સરને મ્હાત આપ્યા બાદ વર્ષ 2016માં ઉષાકાંતભાઈની બંને કિડની ફેઈલ થઈ જવાથી છેલ્લા નવ વર્ષથી ડાયાલિસિસ પર પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તેમને સપ્તાહમાં બે વખત ડાયાલિસિસ લેવાની જરૂર પડે છે. આટલી શારીરિક તકલીફ હોવા છતાં તેઓ મનથી ખૂબ જ મક્કમ છે અને તેઓએ હજુ પણ વધુ જીવવું છે, જેથી વધુમાં વધુ કેન્સર દર્દીઓની સારવાર માટે મદદરૂપ થઈ શકે.