સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગની અંદર જોડાયેલા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ રહી છે. અનેક પ્રકારના વૈશ્વિક કારણોને કારણે ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ છેલ્લા ઘણા સમયથી ન આવવાને કારણે હાલ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિના દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. આ મંદી ક્યારે દૂર થશે?
સુરતના હીરા ઉદ્યોગમાં 2008માં આવેલી મંદીને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ હતી. લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો માટે આ સમય ખૂબ જ ખરાબ છે. છેલ્લા એક દોઢ વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મોટાભાગની ડાયમંડ કંપનીઓમાં રત્નકલાકારોને ઓછું કામ આપવામાં આવી રહ્યું છે, જેથી કરીને રત્નકલાકારોના માસિક વેતન ઉપર પણ તેની સીધી અસર થઈ છે. રત્નકલાકારોની આવક ઓછી થતા પરિવારનું ભરણપોષણ કરવું પણ હવે મુશ્કેલ બની ગયું છે. રત્નકલાકારોને ઘણા ફેક્ટરી સંચાલકો દ્વારા છુટા પણ કરી દેવામાં આવ્યા હોવાને કારણે આર્થિક સંકળામણથી આપઘાત કર્યા હોવાના પણ કિસ્સાઓ ઘણી વખત સામે આવ્યા છે. અમેરિકામાં પણ મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યો છે. એટલું જ નહીં, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર પણ ડાયમંડ ઉદ્યોગ ઉપર છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહી છે. સરકારને આવનારા ઇલેક્શનમાં વોટ ન આપવા અપીલ: ભાવેશ ટાંક
2025નું કેન્દ્ર બજેટ નિરાશા જનક ગણાવતા ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે, ડાયમંડ ઉદ્યોગ વિશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટમાં કોઈ ચિંતા કરવામાં આવી નથી. જેના પરિણામો આવનારા દિવસોમાં સરકારે જોવાના રહેશે. ચૂંટણી નજીક છે. રત્નકલાકારોને જાગૃત કરવાના પ્રયત્નો કરીશું. સરકાર મૂંગી અને બેરી બેઠી હતી. રત્નકલાકારોને સમજાવીશું કે સરકારે આપણી તરફ જોયું નથી, જેથી આ સરકારને વોટ નહિ કરીશું. સરકારે બજેટની અંદર કોઈપણ પ્રકારે આર્થિક પેકેજ રત્નકલાકારો માટે જાહેર કર્યું નથી. રત્નકલાકારોને જ્યારે નાણાકીય મદદની જરૂર છે, ત્યારે સરકાર તેમની તરફ જોઈ રહી નથી.