દહેગામમાં એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લાકડાના વેપારી ગોપાલભાઈએ ગાંધીનગરમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ ઘટના પહેલાં તેમણે એક વિડિયો બનાવ્યો હતો, જેમાં તેમણે આપઘાત માટે જવાબદાર લોકોના નામ જણાવ્યા હતા. દહેગામ રેલ્વે સ્ટેશન નજીક ગોપાલજી મંદિર ટ્રસ્ટની જમીન પર છેલ્લા 50 વર્ષથી ‘કામધેનુ સોમિલ’ નામે લાકડાનો વ્યવસાય ચલાવતા ગોપાલભાઈને મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન અને દહેગામ APMC ચેરમેન સુમેરુ અમીન તથા તેમના બે પુત્રો દ્વારા જગ્યા ખાલી કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. મૃતકના પુત્ર નવીનભાઈની ફરિયાદ મુજબ, 2022માં મંદિર ટ્રસ્ટની કમિટી બદલાયા બાદ સુમેરુ અમીન અને તેમના પુત્રો કૌશલ અને હર્ષિલે વારંવાર જગ્યા ખાલી કરવાનું દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આ મુદ્દે ગોપાલભાઈએ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ વેપારીના વીજળી અને પાણીના કનેક્શન કપાવી નાખ્યા, GST લાયસન્સ અને ફોરેસ્ટ વિભાગનું લાયસન્સ રદ કરાવવાની કાર્યવાહી કરી હતી. સોમવારે ગોપાલભાઈ ઘરેથી સોમિલ જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ ત્યાં ન પહોંચતા અને ફોન બંધ આવતા તેમના પુત્રે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેમના વકીલ મારફતે સ્યુસાઈડ નોટ મળી હતી અને સોમિલના CCTV ફૂટેજનો વિડિયો પણ સામે આવ્યો હતો. પોલીસે આ મામલે APMC ચેરમેન સુમેરુ અમીન અને તેમના બે પુત્રો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.