નિરમા યુનિવર્સિટીના બી.ટેક ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની રક્ષીખા રવિએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. બેનેટ યુનિવર્સિટી ખાતે યોજાયેલી IPA (ઈન્ડિયન પિકલબોલ એસોસિએશન) પિકલબોલ નેશનલ્સ 2025માં તેણીની ટીમે મહિલા ટીમ ઈવેન્ટ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. દેશભરની મજબૂત ટીમો સામે પ્રભાવશાળી પ્રદર્શન કરીને રક્ષીખાની ટીમે આ સફળતા હાંસલ કરી છે. વિજેતા બન્યા બાદ રક્ષીખાએ જણાવ્યું કે, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન અને આ શાનદાર જીતમાં યોગદાન આપવાની તક મળી તે બદલ તે ગૌરવ અનુભવે છે. તેણીએ આ સફળતા માટે પોતાની સખત મહેનત અને સમર્પણને શ્રેય આપ્યો હતો. નિરમા યુનિવર્સિટીના ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના ડીન અને સ્કૂલ ઑફ એન્જિનિયરિંગના ડિરેક્ટર ડૉ. રાજેશ એન. પટેલે રક્ષીખાની આ ઉત્કૃષ્ટ સિદ્ધિની સરાહના કરી હતી. તેમણે રક્ષીખાના સમર્પણ અને રમતગમત ક્ષેત્રે તેણીની શ્રેષ્ઠતાને બિરદાવી હતી.