દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમયથી પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે આગામી 8મી તારીખે સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદીની દેખરેખ હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસના નેતૃત્વમાં, હાઈકોર્ટ દ્વારા ટાર્ગેટેડ કેસ તરીકે ઓળખાયેલા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, સિવિલ સ્યુટ, એમ.એ.સી.પી., એલ.એ.આર. અને મેટ્રીમોનિયલ કેસો (છૂટાછેડા સિવાય)નો નિકાલ કરવામાં આવશે. આ માટે તાલુકાથી જિલ્લા સુધીની તમામ અદાલતોમાં ખાસ કન્સિલિયેશન બેંચની રચના કરવામાં આવી છે. પક્ષકારો અને વકીલો ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા અને ઓખામાં આવેલી તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે. વૈકલ્પિક રીતે ખંભાળિયામાં સલાયા રોડ પર આવેલા જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરી શકે છે. કોઈપણ કાનૂની સહાય માટે નાગરિકો નાલસા હેલ્પલાઇન નંબર 15100 પર સંપર્ક કરી શકે છે.