કલ્યાણપુર વિસ્તારમાં 16 વર્ષ પહેલાં થયેલા ગેરકાયદે ખનનના કેસમાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે બે આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે. આ કેસના મુખ્ય આરોપીઓ હમીર સામતભાઈ જોગલ (વીરપર) અને નારણ પાલાભાઈ ગાધેર (મેવાસા)એ કલ્યાણપુર તાલુકાના વીરપર ગામની ખેતીની જમીનમાંથી કોઈપણ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બોક્સાઈટનું ખનન કર્યું હતું. બંને આરોપીઓએ મળીને કુલ રૂ. 5.14 કરોડની કિંમતનું ખનિજ કાઢ્યું હતું, જેમાં હમીર જોગલે 67,630 મેટ્રિક ટન (રૂ. 1.89 કરોડ) અને નારણ ગાધેરે 98,604 મેટ્રિક ટન (રૂ. 3.25 કરોડ)નું ખનન કર્યું હતું. 2009માં પોરબંદરની જિલ્લા ખાણ ખનીજ કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પી.સી. જાદવે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી કલમ 379, 114 તથા માઈન્સ એન્ડ મિનરલ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન 20 સાક્ષીઓની જુબાની, સ્થળ તપાસ અને અન્ય પુરાવાઓને આધારે એડિશનલ સેશન જજ એસ.જી. મનસુરીએ બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ પ્રકારનો ચુકાદો પ્રથમ વખત આવ્યો હોવાનું નોંધપાત્ર છે.