ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી (આદ્રી) ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે. આ હેલ્થ સેન્ટરે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ, જ્ઞાન કૌશલ્ય, ચેપ નિયંત્રણ અને સ્વચ્છતા જેવા માપદંડોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. કેન્દ્ર સરકારના તજજ્ઞોએ સેન્ટરની મુલાકાત લઈ વિવિધ વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું, જેમાં સેન્ટરે 86.02 ટકા જેટલો ઉચ્ચ સ્કોર મેળવ્યો છે. આ સિદ્ધિમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. પી.એન. બરુઆ, પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રોય સહિત સમગ્ર આરોગ્ય વિભાગની ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. સેન્ટરના સીએચઓ ચંદ્રકાન્ત ગોહેલ, આશા કાર્યકર્તાઓ અને સમગ્ર સ્ટાફે પણ આ સિદ્ધિમાં મહત્વનું યોગદાન આપ્યું છે. જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને કારણે આ સેન્ટરને રાષ્ટ્રીય સ્તરનું પ્રમાણપત્ર મળ્યું છે. આ એવોર્ડ સાથે વાવડી હેલ્થ સેન્ટર ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓના ક્ષેત્રે એક આદર્શ બની રહ્યું છે.