ઓડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેતા ભાજપના 6 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો પ્રવિણસિંહ છાસટીયા, ગણપતસિંહ પરમાર, સંગીતાબેન રાઉલજી અને હંસાબેન ભોઈએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના કેતનસિંહ રાઉલજી, મીનાબેન રાઉલજી, રમેશ પરમાર અને લીલાબેન ભોઈની આખી પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. વોર્ડ નંબર 6માં પણ ભાજપના બે મહિલા ઉમેદવારો દોલીબેન પરમાર અને પ્રિસ્કીલાબેન મેકવાન બિનહરીફ વિજયી બન્યા છે. આ સાથે નગરપાલિકાની કુલ 24 બેઠકો પૈકી 6 બેઠકો પર ભાજપે ચૂંટણી પહેલા જ જીત મેળવી લીધી છે. હવે માત્ર 18 બેઠકો માટે જ મતદાન યોજાશે. આ જીત સાથે ભાજપે નગરપાલિકામાં 25 ટકા બેઠકો વિના વિરોધે મેળવી લીધી છે, જે પાર્ટી માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ પરિણામ સ્થાનિક રાજકારણમાં ભાજપની મજબૂત સ્થિતિનું સૂચક માનવામાં આવી રહ્યું છે.