વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ઉદ્યોગપતિ અને ભાજપના નેતા જયેશ ઠક્કરની કારને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક શાખા ખાતે લઇ જતાં વિવાદ ઉભો થયો હતો. જો કે ભારે વિવાદ બાદ કારને છોડી દેવાતા મામલો થાળે પડ્યો હતો. ઉદ્યોગપતિ જયેશ ઠક્કરે એસીપી સામે આક્ષેપો કર્યા હતાં. જો કે, એસીપીએ આક્ષેપને નકારી કાઢ્યા હતા અને કાર રસ્તા પર પડી હોવાથી કાર્યવાહી કરી હોવાની વાત કરી હતી. એક કોન્સ્ટેબલે જયેશ પટેલની કારને અટકાવી હતી
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરીડેન સર્કલ પાસે ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ઉદ્યોગપતિ જયેશ ઠક્કર પોતાની ઓફિસેથી ફેક્ટરી જવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન તેમને લેવા માટે મર્સિડીઝ કાર ગાલા ચેમ્બર નીચે આવી હતી. આ દરમિયાન એક પોલીસ કેન્સટેબલે કાર પાસે આવી જયેશ ઠક્કરને કહ્યું હતું કે, તમારી ગાડી પોલીસ સ્ટેશને લઈ લો, ACP સાહેબ બોલાવે છે. ઉદ્યોગપતિએ કહ્યું-‘બધામાંથી મારી ગાડી જ કેમ અટકાવી?’
ઉદ્યોગપતિ જયેશ ઠક્કરે જણાવ્યું હતું કે, કાળા રંગના કાચ વાળી ગાડીમાં બેઠેલા પોલીસ અધિકારીએ મને મારી ગાડી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લઈ જવા જણાવ્યું હતું. જેથી મેં કહ્યું હતું કે, 18 ગાડીઓ પડી છે તેમાંથી મારી ગાડી કેમ લઈ જાવ છો, જેથી તેઓએ કહ્યું હતું કે, તમારી ગાડી રસ્તામાં છે. જેથી મેં કહ્યું હતું કે, અહીં ગાડી પાર્કિંગ કરી નથી, પરંતુ ડ્રાઇવર લેવા માટે આવ્યો છે. ત્યારબાદ મારી ગાડી ટ્રાફિક શાખામાં લઈ જવાઈ હતી. પોલીસ અધિકારી કયા કાયદાની અન્વયે મારી કાર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા? મારી કારને કેમ ટાર્ગેટ કરવામાં આવી. અમારી કારમાં કોઈ દારૂ કે ગેરકાયદે વસ્તુ હતી નહિ તો અમારી ગાડી કેમ લઈ ગયા તે મારો સવાલ છે. ‘અમે કંઈ ખોટુ કર્યું નથી એમને જે તપાસ કરાવવી હોય તે કરાવી લે’
ટ્રાફિક એસીપી ડી.એમ.વ્યાસે જણાવ્યું હતું કે, તેઓએ કરેલા આક્ષેપો ખોટા છે, તેમની કાર રસ્તા વચ્ચે ઊભેલી હતી અને અમે ટ્રાફિક શાખામાં લઈ જઈને દંડ આપતા હોઈએ છીએ જેના કારણે કાર લઇ જવાઈ હતી. ત્યારબાદ તેઓએ એમના ડ્રાઇવરને ઠપકો આપ્યો હતો અને આવું ફરી નહીં થાય, તેવી બાયધરી આપતા અમે તેમને જવા દીધા હતા. એમને જે તપાસ કરાવવી હોય એ કરાવે અમે ખોટા નથી, જેથી અમારું કશું થવાનું નથી.