કાલે 5 તારીખે દિલ્હીની ચૂંટણીનું મતદાન છે. મતદાન પહેલાં દિલ્હીમાં અને દિલ્હી મુદ્દે ઘણું બધું થયું પણ આખરે તો કાલે મતદારોનો મિજાજ કહી દેશે કે દિલ્હીમાં કોનો ‘દરબાર’ સજશે… ચૂંટણી પ્રચાર દરમિયાન શીશ મહલ, ગંદી યમુનામાં સ્નાન, આપ-દા પાર્ટી જેવા મુદ્દા ગાજ્યા. રેવડી વહેંચણીના વચનો અપાયા. આપ અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર થઈ. આ બધું દિલ્હીની જનતા જોઈ રહી હતી, હવે કાલના મતદાન પર મદાર છે. નમસ્કાર, છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ઓપિનિયન પોલ ખોટા સાબિત થયા છે. દિલ્હીની બાબતમાં ઓપિનિયન પોલ પણ અટવાયા છે. એમાં પણ AAP અને ભાજપને ફિફ્ટી ફિફ્ટી જેવો માહોલ જોવા મળ્યો છે. ટૂંકમાં, દર વખતે દિલ્હીના લોકોના મન વાંચી શકાતા હતા, આ વખતે દિલ્હીવાસીઓ અકળ છે અને એની જ ચિંતા પક્ષોને સતાવી રહી છે. કેજરીવાલ લોકપ્રિય મુખ્યમંત્રી છે, તો શું એના કારણે AAP ચૂંટણી જીતશે?
ચૂંટણીમાં કોઈપણ પાર્ટીનો ચહેરો મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે ભાજપમાં મોદી ને આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ. 2 ફેબ્રુઆરીએ સી વોટરે એક સર્વે કર્યો. તેમાં જાણવા મળ્યું કે, 46 ટકા મતદારો માટે અરવિંદ કેજરીવાલ દિલ્હીના પ્રિય મુખ્યમંત્રી હતા. આ આંકડો ભાજપના મનોજ તિવારી કરતાં ઘણો આગળ છે. મનોજ તિવારીને માત્ર 15 ટકા લોકોની પસંદ કરે છે. પાંચ વર્ષ પહેલાંની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીની પૂર્વસંધ્યાએ દિલ્હીના લગભગ 70 ટકા મતદારો કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે જોવા માંગતા હતા. એ હિસાબે કેજરીવાલની લોકપ્રિયતામાં લગભગ 23 ટકાનો ઘટાડો છે અને આ પહેલો સંકેત છે કે વર્તમાન ચૂંટણી AAP માટે 2015 અને 2020 જેવી સરળ નહીં હોય. આપણે નવેમ્બર 2023 અને મે 2024માં છત્તીસગઢ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામોને ભૂલવા ન જોઈએ. છત્તીસગઢમાં ચૂંટણીની પૂર્વસંધ્યાએ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પહેલી પસંદગી હતા, જ્યારે ઓડિશામાં નવીન પટનાયક તેનાથી પણ મોટા માર્જિનથી પહેલી પસંદગી હતા. છતાં, બંને હારી ગયા અને ભાજપને આશ્ચર્યજનક જીત મળી. થોડા મહિના પહેલાં પણ સ્થિતિ અલગ તો નહોતી જ. જ્યારે કોંગ્રેસે હરિયાણામાં મત ગણતરી પહેલાં જ ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે ભૂપિન્દર સિંહ હુડ્ડા મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદગી હતા. શું બજેટ પછી જનતાનો મૂડ બદલાઈ ગયો?
દાયકાઓથી ઓપિનિયન પોલ થતા આવ્યા છે અને ક્યારેક સાચા પડ્યા છે તો ક્યારેક સાવ ખોટા પડ્યા છે. કેટલીક એજન્સીઓએ દિલ્હીમાં 2020માં સર્વે કર્યો હતો ત્યારે મતદારોને બે સવાલો પૂછવામાં આવ્યા હતા.
1. શું તમે આ સરકારથી નારાજ છો?
2. શું તમે તેને બદલવા માંગો છો?
2020માં આ સવાલોના જવાબમાં 27 ટકા લોકોએ હા અને 70 ટકા લોકોએ ના પાડી હતી. હમણાં 2 ફેબ્રુઆરીએ આ જ સવાલના જવાબમાં 44 ટકા લોકોએ હા અને 49 ટકા લોકોએ ના પાડી. આનો અર્થ એ થયો કે, મતદારોના મન કળી શકાય એવા નથી. એક તલવારની બે ધાર જેવી આ ચૂંટણી લાગી રહી છે. ઓપીનીયન પોલમાં બીજા બે સવાલો પૂછવામાં આવ્યા હતા.
1. તમારા રાજ્યમાં કયો પક્ષ ચૂંટણી જીતશે?
2. તમે કયા પક્ષને ટેકો આપશો?
2020માં આ બંને સવાલોના જવાબમાં 19 ટકા લોકોએ ભાજપને ટેકો આપ્યો હતો, જ્યારે લગભગ 70 ટકા લોકોએ AAP ને ટેકો આપ્યો હતો. આ વખતે 37 ટકા લોકોએ ભાજપને ટેકો આપ્યો છે, જ્યારે 42 ટકા લોકોએ AAPને ટેકો આપ્યો છે. આ આંકડો AAP માટે અકળાવનારો છે. આ પરિબળો ચૂંટણી પરિણામો નક્કી કરશે
દિલ્હીમાં સત્તા વિરોધી પરિબળોની લાંબી યાદી છે. દારૂ કૌભાંડ અને ‘શીશ મહેલ’ વિવાદ જેવા મુદ્દાઓએ ભ્રષ્ટાચાર વિરોધી ચળવળકાર તરીકે AAPની છબીને નુકસાન પહોંચાડ્યું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAPની સત્તા છે. જ્યારે ખરાબ અને ખાડાવાળા રસ્તાઓ, ખુલ્લી ગટરો, કચરો અને દરેકને અસર કરતી અન્ય સમસ્યાઓની વાત આવે છે ત્યારે AAP એવું કહે છે કે MCD (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી) પર ભાજપનું નિયંત્રણ છે. હવે એવું નથી કારણ કે MCD હવે AAP પાસે છે, પરંતુ કચરાના ઢગલા અને ખરાબ ગટર લાઈનો હજુ પણ બધે જ જોવા મળે છે. સદનસીબે AAP માટે ભાજપે કોઈક રીતે ‘શીશમહેલ’ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, એમાં ભાજપ દિલ્હીની લોકોની સમસ્યાના મુદ્દા વિસરી ગયો. હકીકતમાં, AAP ‘શીશ મહેલ વિરુદ્ધ રાજ મહેલ’ ચર્ચા ચાલુ રાખવા માગતી હતી કારણ કે તેણે MCD સ્તરે AAPની નિષ્ફળતા પરથી આ મુદ્દો ધ્યાન હટાવનારો હતો. મીડલ ક્લાસ કોના પક્ષમાં છે?
હવે AAP અને અરવિંદ કેજરીવાલ માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યા પછી મીડલ ક્લાસનો મૂડ સ્વિંગ થતો જોવા મળે છે. મીડલ ક્લાસ મતદારોની ધારણા અચાનક બદલાઈ ગઈ છે. દિલ્હીમાં પોતાની સંખ્યા વધારવા માટે ભાજપ હંમેશા મીડલ અને હાયર મીડલ ક્લાસના મતદારો પર આધાર રાખે છે. 2013થી લોઅર મીડલ ક્લાસ ચોક્કસપણે AAPની પડખે આવ્યો છે. અરવિંદ કેજરીવાલ માટે આ વોટ બેન્ક જાળવી રાખવી મહત્વનું બની જાય છે. પરંતુ અહીં થોડો ટ્વિસ્ટ આવ્યો છે. બજેટ પહેલાં દિલ્હીમાં 37 ટકા લોઅર મીડલ ક્લાસના મતદારો ભાજપની તરફેણમાં હતા, જ્યારે 56 ટકા AAPના સમર્થક હતા. આ એ મોટો તફાવત છે જેણે 2015 અને 2020 માં AAP ની પ્રચંડ જીત અપાવી. બજેટ પછી લોઅર મીડલ ક્લાસના 42 ટકા મતદારો ભાજપને ટેકો આપે છે, જ્યારે 46 ટકા લોકો AAPના પક્ષમાં છે. એટલે બજેટ પછી આ મતદાતાઓના મૂડમાં 10 ટકાની ઓટ આવી છે, તે આમ આદમી પાર્ટી માટે ચિંતાનો વિષય છે.
જ્યાં સુધી હાયર મીડલ ક્લાસના મતોની વાત છે, ભાજપ માટે ફાયદાકારક રહ્યો છે. બજેટ પછી આ લીડ વધી ગઈ છે. બજેટ પછી AAP પર ભાજપની લીડ 8 ટકાથી વધીને 21 ટકા થઈ ગઈ છે. અહીં એકમાત્ર મુદ્દો એ છે કે લોઅર મીડલ ક્લાસ મતદાન કરવા ખૂબ જ ઉત્સાહિત છે. મીડલ ક્લાસના મતદારોના આ ઉત્સાહના કારણે જ પક્ષોના જીવ તાળવે ચોંટી ગયા છે.
દિલ્હી ચૂંટણીનું ચિત્ર
કુલ સીટ – 70
AAPના ઉમેદવાર – 70
ભાજપના ઉમેદવાર – 68
બસપાના ઉમેદવાર – 70
NCPના ઉમેદવાર – 30
AIMIMના ઉમેદવાર – 12 છેલ્લી ત્રણ ચૂંટણીમાં AAPની સીટ
2013 – 28 સીટ
2015 – 67 સીટ
2020 – 62 સીટ છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપની સીટ
2013 – 31 સીટ
2015 – 03 સીટ
2020 – 08 સીટ છેલ્લી ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસની સીટ
2013 – 08 સીટ
2015 – 00 સીટ
2020 – 00 સીટ દિલ્હીના CMએ આક્ષેપ કર્યો, ચૂંટણીપંચ ભાજપને સપોર્ટ કરે છે
બે મહિનાથી દિલ્હીના મુખ્યમંત્રી બનેલા આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ ગુંડાગીરીને પ્રોત્સાહન આપી રહ્યું છે. તે ભાજપને સપોર્ટ કરે છે. દિલ્હી પોલીસે મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધ્યો ત્યારે પાર્ટીએ આ આરોપ લગાવ્યો હતો. આ વખતે ચૂંટણીપંચ સતત નિશાને, ECએ ટ્વિટ કર્યું – અમને નિશાન બનાવાય છે
દિલ્હીની ચૂંટણીમાં રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો તો કરે જ છે, સાથેસાથે ચૂંટણીપંચને પણ અડફેટમાં લીધું છે. રાજકીય પક્ષો દ્વારા વારંવાર કરવામાં આવતા દબાણ અને આરોપો પર ECએ ટ્વિટ કરીને કહ્યું, ‘3 સભ્યોના ઈલેક્શન કમિશનને લાગે છે કે દિલ્હી ચૂંટણીમાં કમિશનને બદનામ કરવા ઇરાદાપૂર્વક દબાણ કરવામાં આવી રહ્યું છે. જાણે ચૂંટણીપંચ એક જ સભ્યની સંસ્થા હોય એવું વર્તન થાય છે. પણ ચૂંટણીપંચ આવા પ્રયાસોના દબાવમાં આવ્યું નથી.’ જોકે, કમિશને પોતાના નિવેદનમાં કોઈ પક્ષનું નામ લીધું નથી. આ તરફ દિલ્હીમાં મતદાન, આ તરફ મોદીની મહાકુંભમાં ડૂબકી
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થતું હશે. રાજકીય ગરમાવો જામ્યો હશે તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભમાં સ્નાન કરવા પહોંચશે. મહાકુંભમાં નાસભાગની ઘટના થયા પછી થોડા દિવસો માટે વીઆઈપી મૂવમેન્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો એટલે વડાપ્રધાનનો મહાકુંભનો કાર્યક્રમ પહેલાં મુલતવી રાખવામાં આવ્યો હતો પણ પૂરતી વ્યવસ્થા થયા પછી 5 ફેબ્રુઆરીનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે. પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવશે. બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ તેઓ સંગમના કિનારે જ ગંગાની પૂજા કરશે. છેલ્લે,
સંસદમાં પણ મોદીએ કેજરીવાલનું નામ લીધા વગર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, અમે ભ્રષ્ટાચારને ડામીને દેશ બનાવ્યો છે. શીશ મહેલ નથી બનાવ્યો. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ – યશપાલ બક્ષી)