ભરૂચના ઝાડેશ્વર સ્થિત વિશ્વગાયત્રી બ્રહ્મપીઠ અલખધામ ખાતે નર્મદા જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અને સાધુ-સંતોએ નર્મદા સ્નાન કરી માં નર્મદાની પૂજન-અર્ચન વિધિ કરી હતી. સંધ્યાકાળે અલખધામના ઓવારા પર ભવ્ય આતશબાજી અને ઢોલ-નગારાના નાદ વચ્ચે સવા લાખ દીવડા પ્રગટાવી માં નર્મદાની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય અન્નકૂટની રચના કરવામાં આવી હતી અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક મહંત માતા શ્રી 1008 મહામંડલેશ્વર સત્યાનંદગીરીજી માતાજી અને મહંત માતા શ્રી 1008 મહામંડલેશ્વર શિવાનંદ મહંતગીરી માતાજી સહિત અનેક સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ આ દિવ્ય અનુભવથી ધન્યતા અનુભવી હતી.