સાપુતારામાં બસ ખીણમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં આશરે 48 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી 6 જેટલા મુસાફરોનું કરુણ મૃત્યુ થવા પામ્યું હતું. જ્યારે 27 જેટલા ગંભીર રીતે ઘાયલ દર્દીઓને સુરત સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર બાદ આજે 26 ઇજાગ્રસ્તોને વતન રવાના કરવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તો માટે સુરત પોલીસ દ્વારા બસ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ સાથે જ આ બસમાં એક પોલીસની ટીમ પણ મોકલવામાં આવી હતી. પિતાગ રસ્તોએ જણાવ્યું હતું કે, ચારધામની યાત્રા અધૂરી રહી છે અને છ સાથીદારો અમે ગુમાવ્યા છે. નાસિકથી દ્વારકા જતી બસ ખીણમાં પલટી ગઈ હતી
મળતી માહિતી પ્રમાણે, 2 ફેબ્રુઆરી 2025ના રોજ વહેલી સવારે 4:30થી 5 વાગ્યાના સુમારે આહવા તાલુકાના સાપુતારા-માલેગામ ધાટમાર્ગમા મધ્યપ્રદેશથી ધાર્મિક પ્રવાસે નીકળેલી કુલ 4 જેટલી ખાનગી લક્ઝરી બસો કે જે મહારાષ્ટ્રના નાસિકથી (ત્ર્યંબકેશ્વર) ગુજરાતના દ્વારકા તરફ જઈ રહી હતી, ત્યારે (બસ નંબર UP 92 AT 0364) ખીણમાં પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં આશરે 48 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે પાંચ અને ત્યાર બાદ એકનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ 27 જેટલા ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી આ મુસાફરોની સારવાર કરવામાં આવી રહી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને એમ્બ્યુલન્સ મારફતે વતન મોકલાયા
એક દર્દીનું ઘુટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય 26 જેટલા મુસાફરો પૈકી 26ની હાલતમાં સુધાર થતા તેમના પરિવારજનો વતન લઈ જઈને સારવાર કરવા જણાવ્યું હતું. જેના પગલે સુરતની ખટોદરા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ખટોદરા પોલીસના પીઆઇ ભાવેશ રબારી દ્વારા 26 મુસાફરોને વતન જવા માટે બસ અને બે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આજરોજ આ તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને બસ અને એમ્બ્યુલન્સ મારફતે વતન રવાના કરવામાં આવ્યા હતા. મુસાફરો સાથે બસમાં પોલીસની ટીમ રાખવામાં આવી
પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે, સાપુતારામાં અકસ્માતની ઘટના બાદ ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મુસાફરોની મુલાકાત પણ લેવામાં આવી હતી. તમામ દર્દીઓની સારવારની પણ તમામ તકેદારીઓ રાખવામાં આવી હતી. ત્યાં તેમની સ્થિતિમાં સુધાર થતાં વતન રવાના કરવામાં આવ્યા છે. 22 મુસાફરોને બસ અને ચાર દર્દીઓને એમ્બ્યુલન્સમાં રવાના કરવામાં આવ્યા છે. તેમના માટે એ પોલીસની ટીમ પણ બસમાં રાખવામાં આવી છે. એક દર્દી સારવાર મેળવી રહ્યો છે તેને પણ સારું થયા બાદ વ્યવસ્થા કરીને મોકલવામાં આવશે. આજે 3 દિવસ બાદ અમે ઘરે પરત જઈ રહ્યા છીએ: રાજકુમાર યાદવ
ઇજાગ્રસ્ત રાજકુમાર યાદવે જણાવ્યું હતું કે, દ્વારકા જઈ રહ્યા હતા તે દરમિયાન સાપુતારાની ઘાટી પર બસની બ્રેક ફેલ થઈ જતા બસ ખીણમાં ઉતરી ગઈ હતી. પાંચના તો ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું અને બીજા બધા ઇજાગ્રસ્ત થયા હતા. આસપાસથી ગામ લોકો આવ્યા અને એમને બહાર કાઢ્યા હતા. પોલીસ આવી અને ત્યાર બાદ અમને બધાને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. કેટલાક લોકોને સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. આજે ત્રણ દિવસ બાદ અમે ઘરે પરત જઈ રહ્યા છીએ. અમારી યાત્રા પૂરી થઈ નથી. યુપી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઈન્દોર અને ઉજ્જૈન રહી ગયું છે. આ પહેલાં પણ જે લોકો હતા તે નીકળી ગયા હતા અને હવે અમે જઈ રહ્યા છીએ. સરકારે ખૂબ જ સારી વ્યવસ્થા કરી આપી હતી: આશિષ યાદવ
આશિષ યાદવ (ઇજાગ્રસ્તના પુત્ર)એ જણાવ્યું હતું કે, મારા માતા પિતા સાપુતારામાં જે બસ ફિલ્મ ઉતરી ગઈ હતી તેમાં હતા અને બંને ઇજાગ્રસ્ત થયા હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી અને તેઓ સાજા થઈ ગયા છે. જેથી હવે અમે પોતાના વતન જઈ રહ્યા છીએ. પોલીસ અને સરકારે ખૂબ જ સારી વ્યવસ્થા કરી આપી હતી તે બદલ તેમનો આભાર માનીએ છીએ. હાલ તો તમામની સ્થિતિ સારી છે અને જરૂર પડશે તો ત્યાં અમારા વિસ્તારમાં તેમની સારવાર કરાવી લઈશું.