સ્પેનિશ સરકારે કર્મચારીઓના અઠવાડિયામાં કામના કલાકો ઘટાડવાનો નિર્ણય લીધો છે. શ્રમ મંત્રી યોલાન્ડા ડિયાઝે મંગળવારે સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવમાં, કામના કલાકો દર અઠવાડિયે 40 થી ઘટાડીને 37.5 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કેબિનેટે મંજૂરી આપી હતી. હવે તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. એમ્પ્લોયર્સ એસોસિએશન એટલે કે નોકરી આપતી કંપનીઓના સંગઠન એ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આમ છતાં, મંત્રી ડિયાઝે તેને રજૂ કર્યો. ડિયાઝ સ્પેનના ડાબેરી પક્ષ સુમારની નેતા છે. આ પાર્ટી સ્પેનની ગઠબંધન સરકારનો ભાગ છે. શ્રમ પ્રધાન ડિયાઝ સ્પેનિશ સરકારમાં નાયબ વડાપ્રધાન પણ છે. કર્મચારીઓની પ્રોડક્ટિવિટી વધારવાનો અને જીવન વધુ સારું કરવાનો હેતુ મીડિયા સાથે વાત કરતા શ્રમ મંત્રી ડિયાઝે કહ્યું કે આ પ્રસ્તાવનો હેતુ કામના કલાકો ઘટાડીને કર્મચારીઓની પ્રોડક્ટિવિટી વધારવાનો અને તેમના જીવનને વધુ સારું કરવાનો છે. આ બિલને હજુ સુધી સંસદની મંજૂરી મળી નથી. રોઇટર્સના મતે, વડાપ્રધાન પેડ્રો સાંચેઝના નેતૃત્વ હેઠળની સરકાર પાસે સંસદમાં સ્પષ્ટ બહુમતી નથી. આ બિલ પસાર કરાવવા માટે તેમને નાના પક્ષોનો ટેકો મેળવવો પડશે. પણ એ એટલું સરળ નહીં હોય. આ પક્ષો બિલ અંગે વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમને સાધવા એ સાંચેઝ માટે એક મોટો પડકાર હશે. ગયા વર્ષે કામના કલાકોમાં ઘટાડાને લઈને વિરોધ પ્રદર્શનો થયા હતા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, સ્પેનમાં કામકાજના કલાકોમાં ઘટાડા સામે વિરોધ પ્રદર્શનો થયા હતા. સ્પેનના મુખ્ય યુનિયનો કંપનીઓ અને સરકાર પર કામના કલાકો પર નિયંત્રણો લાદવા દબાણ કરી રહ્યા હતા. PM સાંચેઝે સપ્ટેમ્બરથી જ કંપનીઓને આ અંગે મનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. બીજી તરફ, યુરોપિયન સેન્ટ્રલ બેંકે પણ સ્પેન અને તેના સ્પર્ધકો વચ્ચે પ્રોડક્ટિવિટી અંતર ઘટાડવા માટે એક અહેવાલ રજૂ કર્યો હતો .