પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી ત્રણ ઐતિહાસિક ઇમારતની સ્થિતિ જર્જરિત બનતા વડોદરાની આર્કોલોજિસ્ટ વિભાગની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી. આ ત્રણેય ઇમારત દેશના મહાન નેતાઓ સાથે જોડાયેલી છે. સર્વોદય સોસાયટી ખાતે આવેલ ગાંધી આશ્રમ, જ્યાં 1917માં મહાત્મા ગાંધીજીએ પ્રાર્થના પ્રવચન કરી અસ્પૃશ્યતા નિવારણની શરૂઆત કરી હતી, તે પ્રથમ ઇમારત છે. બીજી ઇમારત પોલીસ ગઢી વિસ્તારમાં આવેલી જૂની પ્રાંત અધિકારીની કચેરી છે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે વકીલાતની શરૂઆત કરી હતી. ત્રીજી ઇમારત સેવાસદન સંકુલમાં આવેલી છે, જ્યાં ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પાંચ મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આર્કોલોજિસ્ટ વિભાગને આ ઇમારતોના સંરક્ષણ માટે રજૂઆત કરી હતી. જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ અજીતસિંહ ભાટીએ જણાવ્યું કે, જેમ વડનગર, અમદાવાદ સાબરમતી આશ્રમનું રિનોવેશન થયું છે, તેમ આ ઐતિહાસિક ધરોહરનું પણ જતન થવું જોઈએ, જેથી આવનારી પેઢી અને સમગ્ર દેશના લોકો આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકે.